અમૃતસર: 26 જૂનનાં રોજ પાક. બોર્ડર પર એક ઝામ્બિયન મહિલા બેભાન અવસ્થામાં મળી હતી, જેનું બીજા દિવસે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઝામ્બિયા એમ્બેસીથી મંજૂરી મળ્યા બાદ 3 જુલાઇએ આ મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ મૃતક મહિલા એક ડ્રગ સ્મગલર હોવાની સામે આવ્યું હતું. આ મહિલાનું મોત તેના પેટમાં રહેલી ડ્રગ કેપ્સૂલના ફાટવાને કારણે થયું હતું. તેને એક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી.
આ છે સમગ્ર મામલો
ગત મહિનાની 26 તારીખે પોલીસે એક મહિલાને સંદિગ્ધ અવસ્થામાં પાક. બોર્ડર પાસે જોઇ હતી. તે વારંવાર બેભાન થઇ રહી હતી, જોકે તેણે ઘણીવાર પોલીસને પોતાની પાસે આવતા અટકાવી હતી. પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યાં સારવાર દરમિયાન તા 27 જૂને તેનું મૃત્યુ થયું હતું.
6 દિવસ સુધી 28 વર્ષિય કેલ્થા ટિવાના મહિલા પોસ્ટમોર્ટમની મંજૂરી ન આપ્યા બાદ, 3 જુલાઇએ ઝામ્બિયન એમ્બેસીએ મંજૂરી આપી હતી. આ મહિલાના પેટમાં 50 ડ્રગ કેપ્સૂલ હતા અને તેમાંથી 28 કેપ્સૂલ તેના પેટમાં જ ફાટી જતા, ડ્રગ્સના ઓવરડોઝથી તેનું મોત થયું હતું. જેથી તેના ડ્રગ સ્મગલર હોવાની વાત સામે આવી હતી.
દફનાવવામાં થઇ સમસ્યા
આ મહિલાને દફનાવવા માટે ઘણા કબ્રસ્તાનોએ ના પાડવાને કારણે ઘણી સમસ્યાઓ થઇ હતી. જોકે અંતે એક કબ્રસ્તાન તંત્રએ આ મહિલાને દફનાવવા માટે મંજૂરી આપી હતી.
4.5 કરોડની ડ્રગ કેપ્સૂલ
આ મહિલાના પેટમાં રહેલા 50 ડ્રગ કેપ્સૂલની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 4.5 કરોડ રૂપિયા કિંમત છે. આ મહિલાના પરિવારને પણ પોલીસે માહિતી આપી હતી. જોકે તેના પરિવારજનો તરફથી કોઇ આવ્યું નહોતું. આ મહિલા બિઝનેસ વિઝા પર ભારત આવી હતી.