FDIનો નિર્ણય અમેરિકી દબાણમાં નહીં : મનમોહનસિંઘ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના નેતા અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે પ્રથમ વાર વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે જવાબ આપ્યો છે. શનિવારે તેમણે જણાવ્યું કે, મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇનો નિર્ણય અમેરિકાનાં દબાણમાં લેવામાં આવ્યો નથી. આ નિર્ણય દેશ માટે જરૂરી હતો. સાથે જ તેમણે જણાવ્યું કે, આર્થિક સુધારાઓનો દોર આગળ પણ ચાલુ રહેશે. શુક્રવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની સમાપન રેલીમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સમગ્ર કાર્યકાળમાં બે વાર સિંઘમ બન્યા. પ્રથમ વાર ૨૦૦૮માં પરમાણુ કરાર કરવા માટે અને બીજીવાર રિટેલમાં એફડીઆઇ માટે. બન્ને વખતે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો સમય રહ્યો છે. મોદીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ક્યાંક આ નિર્ણયો પાછળ અમેરિકાનો હાથ તો નથી?

જવાબમાં વડાપ્રધાને જણાવ્યું કે, દેશ માટે જે સારું અને જરૂરી હશે, સરકાર એ પગલાં ભરવામાં પીછેહઠ કરશે નહીં. મોદીનાં નિવેદનો અંગે વડાપ્રધાને જણાવ્યું કે, આ નિર્ણયોથી આખરે અમેરિકાને શું લાભ થશે અને આપણે એવા દેશ નથી જે અન્ય કોઇના કહેવાથી કે ઇશારે કામ કરે.

- અત્યારે ચૂંટણી બહુ દૂર છે, બધાને મનાવી લઇશું :યુપીએના ઘણા સહયોગી પક્ષો પણ ડીઝલ, રાંધણ ગેસ અને એફડીઆઇ અંગેના નિર્ણયોને ચૂંટણીની દ્રષ્ટિએ ખોટા બતાવી રહ્યા છે, એવું વડાપ્રધાનને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, ચૂંટણી અત્યારે બહુ દૂર છે. મંત્રણા દ્વારા મતભેદો દૂર કરવામાં આવશે. સુધારા એક્સાથે થતા નથી. આ સતત પ્રક્રિયા છે. વડાપ્રધાન ન્યાયમૂર્તિ અલ્તમસ કબીરના શપથ સમારંભ પછી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

- મમતા પ્રત્યે મનમાં કોઇ ખટાશ નથી :તૃણમૂલ કોંગ્રેસના સરકારથી બહાર જવા સંબંધિત પ્રશ્ન અંગે ડૉ. મનમોહનસિંઘે જણાવ્યું કે, મમતા બેનરજીના નિર્ણયથી તેઓ નારાજ નથી અને મમતા પ્રત્યે તેમના મનમાં કોઇ ખટાશ પણ નથી.