બિકાનેરમાં પિતાએ માર મારતાં પાંચ માસની બાળકીનું મૃત્યુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિકાનેરમાં બનેલી એક કરુણ ઘટનામાં પાંચ મહિનાની માસૂમ બાળકીએ જાન ગુમાવ્યો છે. વધુ દુ:ખ એ વાતનું છે કે તેના પિતાએ જ ગુસ્સામાં જ આવીને તેને હોઠ, નાક અને ગાલ પર માર મારતાં અહીંની સરકારી હોસ્પિટલમાં તેણે અંતિમશ્વાસ લીધો હતો. આ ઘટના બાદ પોલીસે જણાવ્યું છે કે બાળકીના પિતા પર હત્યાનો આરોપ લગાવવામાં આવશે.

અહીંની સવાઇ માનસિંહ સરકારી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે પિતાના મારનો ભોગ બનેલી માસૂમ બાળકીને અહીં દાખલ કરવામાં આવી હતી, પણ ગઇકાલ રાતે તેની માતાએ ધાવણ ધવડાવ્યા બાદ બાળકીની હાલત બગડી હતી. બાળકીના ફેફસામાં દૂધ ગયા બાદ તકલીફ શરૂ થઇ હતી. આથી તેને વેિન્ટલેટર પર રાખવામાં આવી હતી. જોકે, છેવટે તેનું મૃત્યુ થયું હતું. ઘટના એવી છે કે બિકાનેરના સિયાના ગામમાં બાળકીનો ૩૬ વર્ષનો પિતા બહાદુરસિંહ દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો અને કોઇ ઘરેલું બાબતે તેને પત્ની સાથે ઝઘડો થયો હતો.

આ તકરાર દરમિયાન ગુસ્સામાં આવી જઇને બહાદુરસિંહે બાળકીના હોઠ, નાક અને ગાલ પર મુક્કા માર્યા હતા. આ ઘટના ગયા મહિને બની હતી.હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ દિવસથી આ બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. ગઇકાલે તેણે પ્રાણ ગુમાવ્યા છે.