ચૂંટણી ચાકડો :ગભરાયેલા કોંગી નેતાઓને નથી લડવી ચૂંટણી, બદલવી છે બેઠક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદી અંગે ટિપ્પણીનો કેજરીવાલે ઉડાવ્યો છેદ
વિદેશપ્રધાને ઉડાવી SCની મજાક

ભારતના વિદેશપ્રધાન સલમાન ખુર્શીદે લંડનમાં ભારતના ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટની મજાક ઉડાવી છે. બીજી બાજુ, કોંગ્રેસના પૂર્વ નેતા જગદમ્બિકા પાલે આરોપ મુક્યો છે કે, ખુર્શીદના ટ્રસ્ટમાં ગરીબોના રૂપિયા ગેરવલ્લે થયા હતા. શિવસેનાએ ભાજપની ટીકા કરતો ઉગ્ર લેખ મુખપત્ર સામનામાં લખ્યો છે. જ્યારે ભાજપે આ ટિપ્પણીને સામાન્ય ગણાવી છે. કોંગ્રેસના અનેક નેતાઓ ચૂંટણી લડવા તૈયાર નથી અને બીજા નેતાઓ વચ્ચે બેઠકોની મારામારી છે. કેજરીવાલે ટ્વિટ કરીને મોદીને વડાપ્રધાનપદ માટે પસંદ કર્યા હોવાની વાતને નકારી કાઢી છે.

કેજરીવાલનું ટ્વિટ

ગુરૂવારે કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતુંકે, કેટલીક ચેનલ્સ મોદી તરફી સમાચાર દેખાડવા માટે અત્યંત ઉતાવળી થઈ જાય છે. મેં વડાપ્રધાનપદ માટે મોદી પસંદ હોય તેવું કોઈ નિવેદન કર્યું જ નથી. આવી રીતે મોદીને મત નહીં મળે.

વિદેશપ્રધાને ઉડાવી મજાક

દેશના પૂર્વ કાયદાપ્રધાન અને વર્તમાન વિદેશપ્રધાન સલમાન ખુર્શીદે લંડનમાં દેશની બે બંધારણીય સંસ્થાઓ સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની મજાક ઉડાવી છે. ખુર્શીદે કહ્યું હતું કે, ચૂંટણી પંચ એવા જ નિર્દેશો આપે છે, જેનું પાલન કરીને તમારો પરાજય જ થાય. તે નક્કી કરે છે કે, ચૂંટણી દરમિયાન કયા શબ્દો બોલવા અને ક્યા નહીં. એવી જ રીતે સુપ્રીમ કોર્ટે ના બે જ્જો સાંસદોએ ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરે છે. કેવી એફિડેવિટ ફાઈલ કરવી જોઈએ, શું કરવું જોઈએ અને શું નહીં. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ખુર્શીદ દેશના પૂર્વ કાયદાપ્રધા ન છે. તેઓ એવું કશું નહીં કરે, જેના કારણે, તેમના પદની ગરિમાને આઘાત પહોંચે.

ખુર્શીદના ટ્રસ્ટે ખાધા છે રૂપિયા: પાલ

સલમાન ખુર્શીદના ટ્રસ્ટ ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગરીબોના રૂપિયા ચાંઉ કરવામાં આવ્યો હોવાનો આરોપ કોંગ્રેસના પૂર્વ નેતા જગદમ્બિકા પાલે મુક્યો હતો. તેના જવાબમાં વિદેશપ્રધાને કહ્યું હતુકે, જગદમ્બિકા પાલ અસ્થિર મગજના છે. અને લાલચી છે. ઉલ્લેખનીય છે કે, ઝાકિર હુસૈન સલમાન ખુર્શીદના નાના થાય.

ભાજપ પર શિવસેનાના આરોપો

ગુરૂવારે સવારે શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપની ટીકા કરતો લેખ લખવામાં આવ્યો હતો. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતોકે, નવા ગઠબંધન કરતી વખતે પુરાણા સાથીઓને વિશ્વાસમાં લેવામાં નથી આવતા. અત્યારે લાલચી લોકો એનડીમાં સામેલ થવા તલપાપડ બન્યા છે. સંપાદકીયમાં પુરુંદેશ્વરી અને ચૌટાલાની પાર્ટીના ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. શિવસેનાના કહેવા પ્રમાણે, તે એકલાહાથે હિન્દુત્વનો એજન્ડા આગળ ધપાવશે. મોદી, રાજનાથ અને રાજીવ પ્રતાપ રુડી સ્થિતિને થાળે પાડવા માટે પ્રયાસ કરે છે, પરંતુ જો પ્રમોદ મહાજન જીવિત હોત તો આ પ્રકારની સ્થિતિ ઊભી જ ન થઈ હોત. ઉલ્લેખનીય છે કે ગડકરી અને મનસેના રાજ ઠાકરેની મુલાકાતથી ઉદ્ધવ ઠાકરે ગિન્નાયેલા છે.

દેશભરમાં યુપીએ સરકારની વિરૂદ્ધનો માહોલ છે. કોંગ્રેસના નેતાઓને આશંકા છે કે, તેઓ તેનો ભોગ બનશે. આથી, ચિદમ્બરમ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા તૈયાર નથી. ચિદમ્બરમે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જીકે વાસણ, એસ. નચિયપ્પન, જયંતિ નટરાજન જેવા નેતાઓએ પણ હાથ ઊંચા કરી દીધા છે.

બીજી બાજુ, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન મનિષ તિવારી તેમની લુધિયાણાની બેઠક છોડીને ચંદીગઢની બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આ બેઠક પરથી રેલવે ભરતીમાં કૌભાંડને કારણે રાજીનામું આપનારા પવનકુમાર બંસલને ઉતારવા માંગે છે.

ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરના કહેવા પ્રમાણે, બંને દળો વચ્ચેના સંબંધ ત્રીસ વર્ષ પુરાણા છે. સામનાના લેખમાં જે કાંઈ લખવામાં આવ્યું છે, તે મૈત્રીપૂર્ણ સલાહ છે.

ગુલ પનાગ બની ચંદીગઢથી આપની ઉમેદવાર

બુધવારે આમ આદમી પાર્ટીનું સભ્યપદ લેનારી અભિનેત્રી ગુલ પનાગને ગુરુવારે આમ આદમી પાર્ટીની ચંદીગઢની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. ગુલ પનાગના કહેવા પ્રમાણે, આ રીતે તે ચંદીગઢનું ઋણ ઉતારવા માંગે છે. ગુલપનાગના પિતા સેનામાં અધિકારી હતા. આથી ચંદીગઢના સૈન્ય વર્તુળનો લાભ મળશે તેવી આપની ગણતરી છે. બે વર્ષ પહેલા નરેન્દ્ર મોદીના વખાણ કરનારી ગુલ પનાગના કહેવા પ્રમાણે, તેની પાસે તે સમયે કોઈ વિકલ્પ ન હતો એટલે મોદીને ટેકો જાહેર કરેલો. હવે આમ આદમી પાર્ટી જેવો સબળ વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે, આપે જશપાલ ભટ્ટીના વિધવા સવિતા ભટ્ટીને ટિકિટ આપી હતી. પંરતુ ચંદીગઢના સ્થાનિક કાર્યકરોએ સહાય કરી ન હતી એટલે તેમણે ટિકિટ પરત કરી દીધી હતી.