કોંગ્રેસ : હવે બચી છે બસ મજબૂરીની જ કેટલીક પાર્ટીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૂબતો માણસ તરણું ઝાલે તેમ યુપીએનું વડપણ કરી રહેલી કોંગ્રેસ પાસે બચેલા સાથી દળોનો જ ટેકો રહ્યો છે. તેની પાસે હવે માત્ર મજબૂરીના સાથીદારો નજરે પડી રહ્યા છે. પાર્ટીના નેતાઓ પણ માની રહ્યા છે કે કોંગ્રેસનું લક્ષ્ય જોડાણવાળી સરકાર બનાવવા કરતાં મોદીના રથને રોકવામાં વધારે કેન્દ્રિ‌ત છે.

કોંગ્રેસના મહાસચિવ ગુરદાસ કામતે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકવામાં આવે કારણ કે મને દેશની બિનસાંપ્રદાયિકતાની ચિંતા છે, જોકે બિનસાંપ્રદાયિકતાનું રાજકારણ પણ આ ચૂંટણીમાં ખાસ કારગત નથી નીવડયું. પાસવાનના જવાને કારણે યુપીએને આંચકો લાગ્યો છે. કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદ માને છે કે તેના કારણે બિનસાંપ્રદાયિક રાજકારણને મોટો ધક્કો લાગ્યો છે.

મજબૂરીના સાથી : મહારાષ્ટ્રમાં એનસીપી અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચોનો સાથ એટલા માટે છે કારણ કે તેઓ કોંગ્રેસ સાથે મળીને રાજ્ય સરકારો ચલાવી રહ્યા છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી ઉપર હઠ લઈને બેઠેલા નીતિશ સાથે વાત ન બની તો રાજદનો સાથ લીધો. યુપીમાં કોંગ્રેસે રાલોદ, મહાન દળ વગેરે જેવા નાના પક્ષોને ગળે લગાડયા છે. પરંતુ અજિત સાથે રહેશે કે કેમ તે સત્તા કેવો પલટો મારે છે તેના આધારે નક્કી થશે.

દક્ષિણની ચિંતા

કોંગ્રેસની સહુથી મોટી ચિંતા દક્ષિણનાં રાજ્યો છે. અહીં યુપીએનો માળો વેરવિખેર થઈ ગયો છે. આંધ્રપ્રદેશનાં સીમાંધ્રમાં કોઈ સાથી પક્ષ નથી. ટીઆરએસ પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ પણ વિલિનીકરણના વાયદામાંથી ફરી ગયા છે. તામિલનાડુમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ડીએમકેના કે. સ્ટાલિન સાથે વાત કરી પણ વાત જામી નહીં.

આશા અને હકીકત : સપાએ સોનિયા અને રાહુલ સામે કોઈ ઉમેદવારો ઉતાર્યા નથી. બસપાના મોટા નેતાઓ સાથે કોંગ્રેસના મોટા નેતાઓનો સંપર્ક ચાલુ છે. ડાબેરી સહિ‌ત ત્રીજા મોરચામાં ઘણા પક્ષો મોદીને વડાપ્રધાન બનતા રોકવા માટે એકજૂથ થઈ શકે છે.