તમામ કુદરતી સંપત્તિની ફાળવણી માટે હરાજી જરૂરી નથી : સુપ્રીમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રેસિડેન્શિયલ રેફરન્સ અંગે કોર્ટે સરકારને અભિપ્રાય આપ્યો સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અદાલતે કહ્યું કે કુદરતી સંપત્તિ ફાળવણીના તમામ કિસ્સામાં હરાજી આવશ્યક નથી. હરાજી માટેનો અદાલતનો આદેશ માત્ર ટુજી સ્પેકટ્રમ ફાળવણી સુધી સીમિત રહેશે. કેન્દ્ર સરકારે ૨જી સ્પેકટ્રમના ૧૨૨ લાઇસન્સ રદ કરતા સુપ્રીમના ચુકાદા પર પ્રેસિડેન્સિયલ રેફરન્સ દાખલ કર્યો હતો. તે રેફરન્સની મદદથી સર્વોચ્ચ અદાલત પાસેથી માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એચ. કાપડિયાના નેતૃત્વવાળી પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય બેન્ચે ગુરુવારે તે સંદર્ભમાં કહ્યું કે કુદરતી સંસાધનોની ફાળવણી ગરીબોના હિતમાં હોય તો સરકાર હરાજીને બાદ કરતાં અન્ય ઉપાયો પણ અજમાવી શકે છે. અદાલતે કહ્યું કે કુદરતી સંસાધનોની ફાળવણી નીતિગત બાબત છે. ફાળવણી પાછળ સામાજિક કલ્યાણનો હેતુ હોવો જોઇએ. પરંતુ જ્યાં સરકારી આવકને વધારવાનો મુદ્દો સંકળાયેલો હોય તેવા કિસ્સામાં હરાજી બહેતર વિકલ્પ બની શકે છે. બંધારણમાં કુદરતી સંપત્તિની ફાળવણી માટે હરાજી જ એકમાત્ર ઉપાય હોવાનું કહેવાયું નથી. ૨જી સ્પેકટ્રમ ફાળવણી સાથે સંકળાયેલો તેનો ચુકાદો કુદરતી સંપત્તિ ફાળવણી સંદર્ભમાં અનિવાર્યપણે અમલી બનતો નથી. પરંતુ તેમ છતાં આવા નિર્ણય પર કોર્ટની નજર રહેશે. - સરકારે પૂછયા હતા આઠ પ્રશ્ન સરકારે ‘પીઆર’ દાખલ કરતાં અદાલતને કુલ આઠ પ્રશ્ન પૂછયા હતા. તે પૈકી બે પ્રશ્ન ખૂબ જ મહત્વના હતા. ૧. શું આ પ્રકારનો આદેશ સરકારની નીતિગત બાબતમાં દખલ નથી? ૨. સુપ્રીમ કોર્ટે ‘વહેલા તે પહેલા’ની નીતિને ફગાવી છે. શું ૨જી પહેલાં થયેલી ટેલિકોમ લાઇસન્સ ફાળવણી રદ કરવા જરૂરી છે? - કેસ શું હતો આ વર્ષે બે ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ૨જી સ્પેકટ્રમના ૧૨૨ લાઇસન્સ રદ કર્યાં હતાં. સ્પેકટ્રમની ફાળવણી વહેલા તે પહેલા ને ધોરણે થઇ હતી. સરકારને ત્યારે તમામ પ્રાકૃતિક સંપત્તિની ફાળવણી હરાજી મારફતે કરવા કહેવામાં આવ્યું હતું. નિર્ણય વિરુદ્ધમાં સરકારે કરેલી અપીલ ફગાવી દેવાતાં સરકારે પ્રેસિડેિન્શયલ રેફરન્સ (પીઆર)દાખલ કર્યો હતો. સુનાવણી ૧૬ ઓગસ્ટના રોજ પૂરી થઇ હતી.