• Gujarati News
  • Disel Prices Increse By 0.50 Rupess Per Month Till Loss Offset

ખોટ સરભર નહીં થાય ત્યાં સુધી ડીઝલ દર મહિને ૫૦ પૈસા મોંઘું થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાહત આપવાને બદલે સરકારે મુશ્કેલી વધારી

પેટ્રોલિયમ મંત્રી એમ.વીરપ્પા મોઇલીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશના સૌથી વધુ ઉપયોગમાં લેવાતાં ઇંધણ ડીઝલના વેચાણ પરની ખોટ જ્યાં સુધી સંપૂર્ણપણે દૂર ન થયા ત્યાં સુધી દર મહિને ડીઝલના ભાવમાં લિટર દીઠ ૪૦થી ૫૦ પૈસાનો વધારો થશે. અહીં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે વધુ આદેશ ન થયા ત્યાં સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ડીઝલના ભાવમાં દર મહિને લિટર દીઠ ૪૦થી ૫૦ પૈસા સુધીનો વધારો કરી શકશે. હાલમાં, એક લિટર ડીઝલના વેચાણ પર ૧૦.૮૦ રૂપિયાની ખોટ થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ૧૭મી જાન્યુઆરીએ સરકારના નિયંત્રણમાંથી ડીઝલના ભાવને મુકત કરવાની દિશામાં આગળ વધવા અને જ્યાં સુધી સંપૂર્ણપણે ખોટ દૂર ન થયા ત્યાં સુધી દર મહિને સામાન્ય ભાવવધારો કરવા માટે સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓને સત્તા આપવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયની સાથે જ ઓઇલ કંપનીઓએ ૧૭મી જાન્યુઆરીએ જ ડીઝલના ભાવમાં લિટર દીઠ ૪૫ પૈસાનો વધારો કર્યો હતો.

મોઇલીએ જણાવ્યું હતું કે દર મહિને સામાન્ય માત્રામાં ડીઝલના ભાવવધારાનો નિર્ણય વધુ આદેશ ન થાય ત્યાં સુધી અમલી રહેશે. અલબત્ત, તેમણે એ કહ્યું નહોતું કે ઓઇલ કંપનીઓ ક્યારે બીજો ભાવવધારો કરશે.

- જેટ ફ્યુઅલના ભાવમાં બે ટકાનો વધારો

જેટ ફ્યુઅલના ભાવમાં શુક્રવારે બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે.દેશની સૌથી મોટી ફ્યુઅલ રિટેઇલર ઇન્ડિયન ઓઇલ કોર્પો.ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ટી૩ ટર્મિનલ ખાતે એવિયેશન ટબૉઇન ફ્યુઅલ(એટીએફ)ના કિલોલિટર દીઠ ભાવમાં બે ટકાનો વધારો કરાયો છે. ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ભાવમાં ઘટાડાથી ઊલટું ચાલુ મહિને ભાવમાં વધારો થયો છે.