નવી દિલ્હી: કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં ડીજી રહેલા બીકે બંસલની પત્ની અને દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. બંસલની પત્ની અને દીકરી તેમના ઈસ્ટ દિલ્હીના મધુ વિહારમાં નીલકંઠ એપોર્ટમેન્ટમાં રહેતા હતા. બંનેએ પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સીબીઆઈએ થોડા દિવસ પહેલા નવ લાખ રૂપિયાની લાંચ લેવાના મામલે આઈએએસ ઓફિસર બંસલની ધરપકડ કરી હતી. બંસલ હાલ જેલમાં છે.
ત્રણ દિવસ પહેલા જ થઈ હતી બંસલની ધરપકડ
- ઈસ્ટ દિલ્હીમાં મધુ વિહારના નીલકંઠ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ ઘટના અંગે પોલીસને મંગળવારે જાણકારી આપી.
- ડીસીપી અનુસાર, પીસીઆર પર બપોરે બે વાગે ફોન આવ્યો હતો.
- ત્યારબાદ પોલીસે બંસલના ઘરનો દરવાજો તોડીને બંનેના મૃતદેહો બહાર કાઢ્યાં.
- બંન્નેએ પોતાના ઘરના અલગ-અલગ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
બે અલગ-અલગ સુસાઈડ નોટ મળી
- દિલ્હી પોલીસના ડીસીપી અનુસાર, બંન્ને રૂમમાંથી બે અલગ-અલગ સુસાઈડ નોટ મળી છે.
- જેમાં મોત માટે કોઈને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.
- હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
- પોલીસ સુસાઈડ નોટનાં લખાણની પણ તપાસ કરી રહી છે. સુસાઈડ નોટમાં શું લખ્યું છે તે અંગે પોલીસે હજુ સુધી કંઈ પણ જણાવ્યું નથી.
- સૂત્રો અનુસાર, બંન્ને સીબીઆઈનાં દરોડા અને બંસલની ધરપકડને લઈને પરેશાન હતી.
રંગેહાથ લાંચ લેતા પકડાયા હતા બંસલ
- કોર્પોરેટ બાબતોના મંત્રાલયના ડીજી બીકે બંસલ રંગેહાથ લાંચ લેતા પકડાયા હતા.
- આ મામલે બંસલને બે દિવસ અને તેમને લાંચની રકમ આપનારને પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલાયા છે.