તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાયપુર: મુંગેલીમાં દર મહિને કલેક્ટર બોર્ડ જેવી પરીક્ષા લે છે જેથી રિઝલ્ટ સુધરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાયપુર: છત્તીસગઢનો મુંગેલી જિલ્લો. છેલ્લાં 20 વર્ષથી 10મા બોર્ડની પરીક્ષાના પરિણામમાં મુંગેલી અન્ય જિલ્લાઓથી સારું કરી શકી રહ્યો ન હતો. પ્રદેશમાં 27 જિલ્લા છે. મુંગેલી સૌથી પાછળ રહે છે. પાંચ મહિના પહેલા જ કિરણ કૌશલને જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ કલેક્ટર છે. આવતાની સાથે જ તેમણે પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું. 10માના બોર્ડની પરીક્ષાનું પરિણામ 70 ટકાએ પહોંચાડવાનું છે. અહીં 20 વર્ષમાં ક્યારેય પરિણામ 42 ટકાથી ઉપર આવ્યું નથી. જે વિદ્યાર્થીઓ પાસ થયા, તેમનામાં કોઇ પણ ફર્સ્ટ ક્લાસ આવ્યો નથી.
તેઓ જણાવે છે કે પહેલી વાર જ્યારે અધિકારીઓ સાથે બેઠક યોજી તો શિક્ષણ વ્યવસ્થાની દશા જોઇને હોશ ઊડી ગયા. સર્વે કરાવ્યો તો જાણવા મળ્યું કે 10મા ધોરણમાં બેથી વધુ વાર ફેલ થનારા 50 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે. નક્કી કર્યું કે પહેલા શિક્ષણ વ્યવસ્થા સુધારીશ. દરેક વિષયના નિષ્ણાતોની એક સંયુક્ત ટીમ તૈયાર કરી. સ્પેશિયલ સિલેબસ તૈયાર કરાવ્યો. સ્કૂલમાં અભ્યાસ અને ભણાવવાની રીતમાં પરિવર્તન કર્યું. અજિતકુમાર ગંગદ્વારી સ્કૂલમાં ફરી 12મા ધોરણમાં ભણી રહ્યો છે. ગત વખતે જે પરિણામ આવ્યું, એમાં તે સફળ થઇ શક્યો નથી. તનાવને કારણે અભ્યાસ છોડી રહ્યો હતો.
બહુ સમજાવ્યા પછી તૈયાર થયો. તેના પ્રિન્સિપાલ આઇપી યાદવ જણાવે છે કે હવે કોર્સનો થોડોક-થોડોક હિસ્સો ભણાવીને પરીક્ષા લેવામાં આવે છે. તેનાથી તૈયારી માટે બાળકો પર બોજો પડતો નથી. અગાઉ, તે પરીક્ષામાં મોટા ભાગના વિષયમાં ફેલ થઇ જતો હતો. હવે સરેરાશ માર્ક્સ લાવી રહ્યો છે. અજિત જેવા અન્ય ઘણા વિદ્યાર્થીઓ છે, જેમનું પ્રદર્શન પહેલા કરતા બહેતર થયું છે. દર મહિને 29-30 તારીખે 9મા ધોરણથી 12મા ધોરણ સુધીની પરીક્ષા થાય છે. બોર્ડની જેમ જ પરીક્ષા લેવામાં આવે છે. કલેક્ટર જાતે નિષ્ણાતોની મદદથી પ્રશ્નપત્ર તૈયાર કરે છે. પરીક્ષાથી 10 મિનિટ પહેલા બધી સ્કૂલોના આચાર્યોને વોટ્સએપ ગ્રુપ પર એક્ઝામ પેપર મોકલી દે છે.
કોપી અટકાવવા માટે એસડીએમ, ડેપ્યુટી કલેક્ટરથી માંડીને બીઇઓ અને આસિસ્ટન્ટ બીઇઓ સ્તરના અધિકારીઓની બેચ બનાવી છે. શિક્ષણના નીચલા સ્તરનું અન્ય એક કારણ હતું, શિક્ષકોની અનુપસ્થિતિ. પ્રહરી સ્કૂલના આચાર્ય જે.એસ. ધ્રુવ જણાવે છે કે અગાઉ, શિક્ષકો મોડેથી સ્કૂલે આવતા હતા. હવે બાયોમેટ્રિક સિસ્ટમ હોવાથી બધા સમયના પાબંદ થઇ ગયા છે, ખાસ કરીને એ લોકો જેઓ પોતાની વગને કારણે શિસ્તનું પાલન કરતા ન હતા. હવે એટેન્ડન્સનો રિપોર્ટ દર મહિને કલેક્ટરને મોકલે છે. જે શિક્ષકની હાજરી ઓછી હોય છે, તેને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવે છે.
જો શિક્ષક દોષિત જણાય છે તો તેની સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લાના છટન ગામમાં રહેતા શુભમ શુક્લાના પિતા કહે છે કે અગાઉ પુત્ર શિક્ષકોના સ્કૂલે નહીં આવવાની ફરિયાદ કરતો હતો. કોર્સ પૂરો નહીં થવાનો તેને ડર રહેતો હતો પરંતુ હવે તે આ ફરિયાદ કરતો નથી. કહે છે કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી લગભગ દરેક ટીચર સમયસર ક્લાસમાં ભણાવવા આવી જાય છે. કલેક્ટર મુજબ સ્કૂલોમાં શિક્ષકોની હાજરી 90 ટકા સુધી પહોંચી ગઇ છે. સ્કૂલોમાં ચાલી રહેલા આ અભિયાનને ‘લક્ષ્ય’ નામ આપવામાં આવ્યું છે. હવે સરકારી સ્કૂલોમાં વીડિયો કોન્ફરન્સિંગથી ભણાવવાનું, ઇન્ટ્રેક્ટિવ ક્લાસ શરૂ કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...