• Gujarati News
  • Central Government Under Clouds After Support Withdraw By Tamil

અમને હળવાથી ન લે કોંગ્રેસના નેતાઓ: સપા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રની યુપીએ સરકાર માટે વધુ એક મુસીબત ઊભી થઈ ગઈ છે. ડીએમકેએ સમર્થન પાછું ખેંચી લીધું તે પછી સપાએ કડક વલણ અપનાવ્યું છે. સપા સુપ્રીમો મુલાયમસિંહ કઠોર બન્યા છે અને તેમણે જીદ પકડી છે કે, બેનીપ્રસાદ વર્માને મંત્રીપદેથી હાંકી કાઢવામાં આવે. જો સપા પણ સરકારનો ટેકો છોડી દે તો નંબર ગેમમાં સરકાર પરાસ્ત થઈ જશે.
બેની પ્રસાદે નિવેદન કરેલું કે, કેન્દ્ર સરકારને સમર્થન આપવા માટે સપા કમિશન લે છે. મુલાયમે પુછ્યું હતુંકે, સપા કેન્દ્ર સરકાર પાસેથી કેટલું કમિશન લે છે , તે અંગે સરકાર ખુલાસો કરે. બુધવારે સંસદના બંને ગૃહોમાં સમાજવાદી પાર્ટીનાં સાંસદોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો અને બેની પ્રસાદની પ્રધાનપદેથી હકાલપટ્ટીની માંગણી કરી હતી. પાછળથી બેની પ્રસાદ વર્મા પણ તેમના નિવેદન પરથી ફરી ગયા હતા.
કેન્દ્રીય પ્રધાન કમલનાથે બેનીપ્રસાદના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. સંસદીય બાબતોનાં પ્રધાન કમલનાથે બેનીપ્રસાદના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. કમલનાથે કહ્યું હતુંકે, બેની પ્રસાદનો મુદ્દો સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ સમાજવાદી પાર્ટીએ તેને ફરી હવા આપી દીધી. સોનિયા ગાંધીએ સપા સુપ્રીમો મુલાયમસિંહ સાથે વાચીત કરી હતી અને કહ્યું હતું કે, બેનીનું નિવેદન પાર્ટીનું ઔપચારિક વલણ નથી. આ મુદ્દે વડાપ્રધાન પણ મુલાયમ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે.

વધતા વિવાદને પગલે બેનીપ્રસાદ વર્માએ ખેદ વ્યક્ત કર્યો

વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘે કેન્દ્રીય પ્રધાન બેનીપ્રસાદ વર્માને મળવા બોલાવ્યા હતા. બાદમાં તેમણે પત્રકારો સાતે વાતચીત કરી હતી. એ સમયે કેન્દ્રીય પ્રધાન કમલનાથ પણ તેમની સાથે હતા. બેનીપ્રસાદ વર્માએ કહ્યું હતુ કે, સપા ટેકાના બદલામાં કમિશન લે છે. એવું કોઈ નિવેદન કર્યું નથી. આમ છતાં જો કોઈની ભાવનાઓને આઘાત પહોંચ્યો હોય, તો ખેદ વ્યક્ત કરું છું. આ અંગે વધુ કશું કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે સવાલ એ છે કે, શું સમાજવાદી પાર્ટી બેનીપ્રસાદ વર્માના ખેદથી નરમ પડશે કે, રાજીનામાની માંગ પર અડગ રહે છે.

વાંધાજનક છે બેનીપ્રસાદનું નિવેદન: એનસીપી
એનસીપીના નેતા તારિક અનવરે કહ્યું હતું કે, કેન્દ્રની યુપીએ સરકાર પર કોઈ જોખમ નથી અને તે વર્ષ 2014 સુધીનો કાર્યકાળ પૂર્ણ કરશે. બેનીપ્રસાદ વર્માના નિવેદન પર થયેલ વિવાદ અંગે અનવરે કહ્યું હતું કે, બેનીપ્રસાદનનું નિવેદન એ સરકાર અને સપા વચ્ચેનો મામલો છે આ અંગે એનસીપીને કોઈ લેવા દેવા નથી. આમ છતાં તેમણે ઉમેર્યું હતું કે, બેની પ્રસાદનું નિવેદન અયોગ્ય હતું.
તામિલો માટે રજૂઆત કરતી વેળાએ રાજ્યસભામાં સાંસદ બેભાન
બુધવારે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો, જેના કારણે પ્રશ્નકાળ મોકૂફ કરી દેવા પડ્યા હતા. સપાના સાંસદોએ બેનીપ્રસાદ વર્મા દ્વારા સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ સામે કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો કર્યો હતો, જ્યારે તામિલનાડુના સાંસદોએ શ્રીલંકામાં તામિલો પર થઈ રહેલા અત્યાચારો મુદ્દે હોબાળો કર્યો હતો. બપોરે બાર વાગ્યે ફરી સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. જેને પગલે લોકસભાને દિવસભર માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. સપાના સાંસદોએ બેનીપ્રસાદના રાજીનામાની માંગ કરી હતી, જ્યારે તામિલનાડુના સાંસદોએ શ્રીલંકામાં તામિલો પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે નારેબાજી કરી હતી. તામિલોની માંગ કરતી વખતે ડીએમકે સાંસદ વાસંતી સ્ટેનલી બેભાન થઈ ગયા હતા, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડીએમકે પ્રધાનોએ રાજીનામા આપ્યા
કેન્દ્ર સરકારમાંથી ડીએમકે સરકારે ટેકો પાછો ખેંચી લીધા બાદ તેના પ્રધાનોએ પણ વડાપ્રધાનને રાજીનામા સોંપ્યા હતા. હાલમાં ત્રણ પ્રધાનો એસ.એસ. પલિનિમકમ, એસ. ગાંધીસેલ્વન, અને એસ. જગતરક્ષને રાજીનામા આપ્યા છે. ડીએમકે નેતા ટી.આર. બાલુના કહેવા પ્રમાણે, એમ. કે. અલાઈગીરી અને ડી. નેપોલિયન અલગથી વડાપ્રધાનને મળશે અને રાજીનામા સુપ્રત કરશે.
શું થઈ શકે ?
કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાના હેતુથી જો સમાજવાદી પાર્ટી કેન્દ્ર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લે. આ સંજોગોમાં સત્તા પર ટકી રહેવા માટે કેન્દ્રની યુપીએ સરકારે તૃણમુલ કોંગ્રેસ, અને જેડીયુ પર આધાર રાખવો પડે. આમ છતાં હાલમાં સમાજવાદી પાર્ટી આવું કોઈ પગલું લે તેમ જણાતું નથી.