અર્થતંત્રને પાટે ચઢાવ્યું : મનમોહનસિંઘનો દાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેન્દ્રની બીજી ટર્મનું છેલ્લું રિપોર્ટકાર્ડ રજુ કરાયું
- આમ આદમીનું જીવન સુધર્યું,વિવાદો અને ટીકાઓ પર ધ્યાન ન આપ્યું


વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ યુપીએ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા બદલ પોતાની જ પીઠ થાબડી એક ભારે વજનદાર રિપોર્ટકાર્ડ રજુ કર્યું હતું. તેમાં તમામ વિવાદો અને ટીકાઓની અવગણના કરીને સરકારની સિદ્ધિઓનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે સરકારની નીતિઓથી આમ આદમી અને ખાસ કરીને ગામડાંના લોકોનું જીવન પહેલાં કરતાં બહેતર થયું છે.

વડાપ્રધાન નિવાસે બુધવારે યોજાયેલા સમારંભમાં ડૉ.મનમોહનસિંઘે કહ્યું હતું કે અમે અર્થતંત્રને પાટે લાવ્યા છીએ. આમ આદમીને વિકાસપ્રક્રિયા સાથે સાંકળવામાં આવ્યા છે. આ સિદ્ધિઓના જોરે યુપીએ આગામી વર્ષે દેશવાસીઓનો જનાદેશ હાંસલ કરશે. આ દરમિયાન વડાપ્રધાને ખ્યાતનામ ઉર્દૂ કવિ અલ્લમા ઈકબાલની શાયરી ‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ, અભી ઈશ્ક કે ઈમ્તિહાન ઔર ભી હૈ’ પણ વાંચી હતી. સમારંભ બાદ મંત્રીમંડળ ફેરબદલી અંગેના પ્રશ્નમાં તેમણે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો. માત્ર એટલું જ કહ્યું હતું કે ‘મંત્રીમંડળમાં હજુ જગ્યા ખાલી તો છે.’

- મનમોહન-સોનિયાએ મતભેદ નકાર્યાં

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન બંનેએ એકબીજા સાથે મતભેદો હોવાનું નકાર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષથી તેઓ સતત મારા માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. બીજી તરફ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષના બિનજરૂરી પ્રહારો વચ્ચે પણ વડાપ્રધાન સંપૂર્ણ મર્યાદા અને ગરિમા સાથે તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.

- બસપા હાજર, સપા ગેરહાજર

યુપીએ સરકારનાં નવ વર્ષની ઉજવણીમાં બસપાએ ભાગ લીધો હતો જ્યારે સપાના નેતાઓ કાર્યક્રમથી દૂર રહ્યા હતા. બસપાના નેતા સતિષ મશિ્ર અને બ્úજેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઘટક પક્ષોના નેતાઓમાં શરદ યાદવ, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, રામ વિલાસ પાસવાન અને લાલુ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

- સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ : મનમોહનનો ત્રીજી ટર્મનો સંકેત

નવી દિલ્હી. વડાપ્રધાન મનમોહનસિંઘે બુધવારે રાત્રે મર્મભેદી ટિપ્પણી કરતા કહ્યું હતું કે ‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ’. યુપીએના કાર્યકાળના નવ વર્ષ અને યુપીએ-૨ના ચાર વર્ષ પૂરા કર્યા પછી પણ આશાવાદી છો કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે ઈકબાલની પંક્તિ ટાંકી હતી. ઈકબાલની આ સંપૂર્ણ પંક્તિ આ મુજબ છે : સિતારોં સે આગે જહાં ઔર ભી હૈં. અભી ઈશ્ક કે ઈમ્તિહાં ઔર ભી હૈં. તેમની આ ટિપ્પણી એટલા માટે મહત્વની બની જાય છે કારણ કે તાજેતરમાં મનમોહને વડાપ્રધાનપદ માટે ત્રીજી ટર્મની શક્યતા નકારી ન હતી.