• Gujarati News
  • CBI Did Not Properly Investigation On Amit Jethwa Case

અમિત જેઠવા હત્યા કેસ: CBIની તપાસમાં છળકપટ : સુપ્રીમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું છે કે સીબીઆઈ આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા હત્યાકેસની તપાસની પ્રક્રિયામાં 'છળકપટ’ કરી રહી છે. આ કેસમાં ગુજરાતના સાંસદ દીનુ બોઘા સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું હતું કે દીનુ સોલંકીને અહીં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમની સામે કંઈક નક્કર મળશે તેવું જણાતા તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ જસ્ટિસ એસ.એસ. નિજ્જર અને એફએમઆઈ કલિફુલ્લાની બેન્ચે કહ્યું કે 'તમે છળકપટ કરી રહ્યા છો.’ આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે થશે.

દીનુ સોલંકી વતી હાજર રહેલી સિનિયર એડ્વોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે સોલંકીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી બાકી છે ત્યારે જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે સોલંકીએ આ કેસમાં તેમને સાક્ષી તરીકે પાઠવાયેલા સમન્સ પણ રદબાતલ કરવાની માગણી કરી છે. સોલંકી સીબીઆઈની કસ્ટડીમાં છ દિવસથી છે અને હવે તેમને તેના હાથમાંથી મુક્ત કરાવીને ન્યાયિક કસ્ટડીમાં લઈ લેવા જોઈએ.

જોકે બેન્ચે કહ્યું કે તે આ બાબતની સુનાવણી કરશે અને શુક્રવારે સીબીઆઈનું વલણ જાણશે. અગાઉ માર્ચમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'સીબીઆઈ આદેશ મુજબ તપાસ ચાલુ રાખી શકે છે અને પૂરી કરી શકે છે પરંતુ તપાસનું પરિણામ બંધ કવરમાં રાખવું જોઈશે.’ પાંચમી નવેમ્બરે સોલંકીની ધરપકડ બાદ દિલ્હીની એક અદાલતે ૬ નવેમ્બરે તેમને અમિત જેઠવા હત્યાકેસમાં અમદાવાદ લઈ જવા માટે સીબીઆઈને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઆઈ કાર્યકર્તા અમીત જેઠવાની અમદાવાદમાં હત્યા થઈ હતી. એમ મનાય છે કે ગેરકાયદે ખનીજ ખોદકામ સામે તેમણે મુદ્દો ઉઠાવતા રાજકીય વગદારોએ આ હત્યા કરાવી હતી. આ સંદર્ભમાં સીબીઆઈએ સાંસદ દીનું બોઘા સોલંકીની ધરપકડ કરી હતી.