રોકબેન્ડની યુવતીઓને ધમકાવનારાઓ સામે કેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે કાશ્મીરી યુવતીઓના પ્રથમ રોકબેન્ડ ‘પ્રગાશ’ના સભ્યોને ઓનલાઇન ધમકીઓ આપવાના પ્રકરણમાં કેસ નોંધી લીધો છે. જોકે, સોમવારે બેન્ડ છોડવાની જાહેરાત કરનારી ત્રણમાંથી એક સભ્ય ખીણ છોડીને બેંગ્લોર જતી રહી છે. પોલીસે છ આરોપીઓને ઓળખી પાડ્યા છે અને તપાસમાં વધુ નામ જાહેર થશે.

સાઇબર ક્રાઇમ સેલના નિષ્ણાતોની મદદથી પોલીસે પ્રગાશના સભ્યોને ધમકાવનારા છ લોકોને ઓળખી પાડ્યા છે. વિવાદ સર્જાયા પછી યુવતીઓને તેમના પરિવારવાળાઓએ ગુપ્ત સ્થળોએ મોકલી દીધી છે. રોકબેન્ડના બે સભ્યો હજી ખીણમાં છે. બેન્ડ છોડવાના નિર્ણયથી એક યુવતી ડિપ્રેશનમાં આવી ગઇ હતી, તેને પરિવારવાળાઓએ બેંગ્લોર મોકલી દીધી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રવકતાએ જણાવ્યું કે, આઇટી એક્ટની કલમ ૬૬એ અને આરપીસી (ગુનાઇત ધમકી)ની કલમ ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેન્ડના ફેસબુક પેજ પર ઘણા લોકોએ ટીકા કરતા સંદેશા મોકલ્યા હતા. બધાને ઓળખી પાડવામાં સમય લાગશે પરંતુ કોઇને પણ છોડવામાં આવશે નહીં. ટૂંક સમયમાં જ ધરપકડ શરૂ થશે. ‘પ્રગાસ’ રોકબેન્ડ સામે ફેલાયેલા કટ્ટરવાદના મામલે દેશભરમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી છે.

- પ્રગાશની સભ્યને ગીત-સંગીત હરામ હોવાની ખબર ન હતી

બેન્ડની એક સભ્યે જણાવ્યું કે, મુફ્તી સાહેબ (બશીરૂદ્દીન એહમદ)એ ગીત-સંગીતને બિન-ઇસ્લામિક કહ્યું હતું. અમને તેની ખબર ન હતી કે, તેઓ અમારા સંગીતથી નાખુશ છે. અમે મુફ્તી સાહેબનો આદર કરીએ છીએ. મુફ્તી સાહેબે ગીત-સંગીતને હરામ કહ્યું છે તેથી અમારે બેન્ડ છોડવું પડ્યું છે.

- કાશ્મીરના ભાગલાવાદી જુથોમાં મતભેદ

આ વિવાદે જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી જુથોમાં મતભેદ ઊભા કરી દીધા છે. દુખ્તરન-એ-મિલ્લતે યુવતીઓનો સામાજિક બહિષ્કારની ચેતવણી આપી હતી. જ્યારે મુસ્લિમ ખવાતીન મરકજના જમરૂદા હબીબે જણાવ્યું કે, ફતવા જારી કરવા માટે અન્ય મોટા મુદ્દા પણ છે. પુરુષ ગાયકો સામે ફતવો કેમ જારી થતો નથી? લશ્કર કે સરકારી સમારંભોમાં ભાગ લેનારી યુવતીઓ સામે ફતવો કેમ ન આવ્યો? જોકે કટ્ટરવાદી જુથોએ તેવી દલીલ કરી છે કે આ પ્રકારે જાહેરમાં ગીત-સંગીતથી ખરાબ બાબતોને પ્રોત્સાહન મળે છે, તેમાં કોઈ સારી બાબત નથી.