• Gujarati News
  • Buses, Trucks And Luxury Vehicles Offered For Bulk Diesel Prices

બસ, ટ્રક અને લકઝરી વાહનો માટે બલ્ક ભાવે ડીઝલ આપવાની તૈયારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાસ્કર શ્રેણી : અંતિમ ભાગ ડીઝલની બે કિંમત અને દસ દુરુપયોગ
- કેન્દ્ર સરકાર ડીઝલના વેચાણ નિયમોમાં સુધારા કરવા વિચારી રહી છે


ડીઝલના જથ્થાબંધ અને છુટક વેચાણના નિયમો સ્પષ્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ મામલે નિયમો ઘડવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ સરકાર બસ, ટ્રક, અને લકઝરી વાહનો માટે પેટ્રોલ પંપો પર બજાર ભાવે ડીઝલ વેચવાનો નિયમ બનાવી શકે છે. પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ સરકાર તરફથી થઈ રહેલી પહેલની માહિતી આપી છે.

તેમણે કહ્યું કે છુટક અને જથ્થાબંધ ભાવને મુદ્દે રાજ્યોમાં વિવાદ સર્જાયો છે. જે લોકો જથ્થાબંધમાં ખરીદી કરી રહ્યા હતા તેઓ છુટકમાં ખરીદી કરી રહ્યા છે. જેને કારણે નિયમોમાં સુધારા પર વિચારણા થઈ રહી છે જેથી કરી વિવાદ પૂરો થાય અને ડીઝલના કાળાબજાર રોકી શકાય.આ પહેલાં મોટા ભાગનાં રાજ્યો, ઓઈલ કંપનીઓ અને પેટ્રોલ પંપ એસોસિએશન કહી ચૂક્યા છે કે છુટક અને જથ્થાબંધ બાવની નીતિ નક્કી કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે.

હાલના નિયમો અનુસાર બન્ને વચ્ચેનું અંતર સ્પષ્ટ નથી. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું છે કે એ વાત સાચી છે કે છુટક અને જથ્થાબંધ ભાવ વચ્ચે તફાવતથી કેટલાક લોકોને અસર થઈ છે. માછીમારો તેમાંના એક છે. તેમને રાહત આપવામાં આવી છે. આ રીતે અસરગ્રસ્તોને રાહત આપવા પર વિચાર થઈ શકે છે.

ઈન્ડિન ઓઈલના સીએમડી આર. એસ. બુટોલાના જણાવ્યા અનુસાર બે ભાવને કારણે કાળાબજારની શંકા છે. તેને રોકવાના રસ્તા શોધાઈ રહ્યા છે.પહેલાં તમામને એક જ ભાવે ડીઝલ મળતું હતું. નવી વ્યવસ્થાના ગુણદોષની સમીક્ષા થઈ રહી છે અને ઉપાય શોધવામાં આવશે. એ જ રીતે સિનેમા હોલ, મોબાઈલ ટાવર ઉદ્યોગ, ખાંડની મિલો સહિતનાં કારખાનાં માટે પણ પંપ પરથી બજાર ભાવે ડીઝલનો નિયમ બનાવવામાં આવી શકે છે.

- ડીઝલના સંગ્રહની મર્યાદા ઘટી શકે છે

સમિતિમાં સામેલ અન્ય એક અધિકારીએ જણાવ્યું કે એ સ્પષ્ટ નથી કે ડીઝલના છુટક અને જથ્થાબંધ ખરીદદારો વચ્ચે શું અંતર છે. સૌપ્રથમ તેને સ્પષ્ટતા કરવામાં આવશે. તેના માટે ડીઝલનો સંગ્રહ કરવાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અત્યારે સિનેમા હોલ, ખાંડની મિલો અને કારખાનાં ૨૫૦૦ લિટર ડીઝલ પોતાની પાસે રાખી શકે છે. તેની મર્યાદામાં ઘટાડો થઈ શકે છે અથવા નિયમ ઘડાશે કે કેટલું ડીઝલ ખરીદવામાં આવે તો જથ્થાબંધ ભાવ ચૂકવવા પડશે.

- ઓઈલ કંપનીઓના અધિકારીની સમિતિ

પેટ્રોલિયમ મંત્રાલયે ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના વરિષ્ઠ અધિકારીઓની એક સમિતિ બનાવી છે. તે ડીઝલના બે ભાવથી પેદા થયેલા વિવાદને પૂરો કરવા માટેનાં સૂચનો કરશે. સમિતિમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે સમિતિ તમામ બસ, ટ્રક અને લકઝરી બસને રિટેલ પેટ્રોલપંપો પરથી બજાર ભાવે ડીઝલ આપવાની ભલામણ કરી શકે છે. આનો હેતુ સમગ્ર વિવાદ પર પડદો પાડી દેવાનો છે.

- રોજ પાંચ કરોડનું નુકસાન

૧૭ દિવસ પહેલાં ડીઝલના બે ભાવની જાહેરાત, ૫૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી કંપનીઓએ જથ્થાબંધ ભાવે ડીઝલ વેચીને પરંતુ ૮૫ કરોડનું નુકસાન થયું જથ્થાબંધ ગ્રાહકોને છુટક ભાવે ખરીદી કરવાથી, અથૉત રોજનું પાંચ કરોડનું નુકસાન