તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી કરેલી ભેંસની પૂંછડી છૂટતાં ચોર ચંબલ નદીમાં તણાયા, ભેંસ પોલીસ પાસે પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુરૈના (મધ્યપ્રદેશ) : મુરૈના જિલ્લાના બે ચોર ભેંસ ચોરી કરીને ચંબલ નદી પાર કરીને રાજસ્થાન પહોંચ્યા. ભેંસની ચોરી કર્યા પછી પરત ફરતી વખતે નદી પાર કર્યા પહેલાં ચોરોએ ભેંસના શિંગડામાં એક પોલિથિન બાંધી. જેમાં પોતાનો મોબાઇલ, કપડાં, પગરખાં, ડાયરી અને પર્સ મૂક્યાં. આ પછી ચોર ભેંસની પૂંછડી પકડીને ચંબલ પાર કરી રહ્યા હતા. નદીના વહેણની ગતિ વધારે હોવાથી ભેંસની પૂંછડી તેમના હાથમાંથી છૂટી ગઇ. ચોર ક્યાં ગયા કંઇ ખબર પડી નહીં પરંતુ ભેંસે નદી પાર કરી લીધી. ભેંસ પાસે ચોરનો સામાન પણ હતો. નદીકિનારે એક વ્યક્તિને તે ભેંસ મળી તેણે પોલીસને જાણ કરી.

સોમવારે રાજસ્થાન પોલીસ ભેંસને લેવા મુરૈનાના અંબાહ પોલીસ સ્ટેશન પહોંચી. માલિકે ભેંસ ચોરી થઇ હોવાના પુરાવા આપ્યા. પોલીસે ભેંસ રાજસ્થાન પોલીસને સોંપી. અંબાહ પોલીસે ભેંસનાં શિંગડા પર બાંધેલા સામાનના આધારે ચોરની ઓળખ કરી લીધી છે. પોલીસ હાલ ચોરોની તપાસ કરી રહી છે પરંતુ ચોર બીજા દિવસ સુધી ઘરે પહોંચ્યા નથી. પોલીસના કહેવા પ્રમાણે ચોર મુરૈનાના રિઠોરા ગામના રહેવાસી છે. ચોર શુક્રવાર-શનિવાર રાતે મુરૈનાથી રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં દેહોલી સ્ટેશનના અતરોલી ગામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ખેડૂત તીરનસિંહની ભેંસ ચોરી હતી. ચંબલ નદી પાર કરતી વખતે ચોર નદીના વહેણમાં તણાઇ ગયા પરંતુ ભેંસ નદીના બીજા કિનારે પહોંચી.

ભેંસ કુથિયાના ગામના વિરતિ શર્માને મળી. તે સમયે તેના શિંગડામાં પોલિથિન બાંધેલી હતી. વિરતિએ લાવારિસ ભેંસની સૂચના પોલીસને આપી. માલિક રવિવારે ભેંસની તપાસ કરતા કુથિયાના સ્ટેશન પહોંચ્યો પરંતુ પોલીસે તેને ભેંસ સોંપી નહીં. સોમવારે તે ફરીથી દેહોલી પોલીસ અને જનપ્રતિનિધિ વીરેન્દ્રપ્રસાદ સાથે અંબાહ પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પોલીસે દેહોલી સ્ટેશનના એએસઆઇ શિવશંકરને ભેંસ સોંપી. અંબાહ પોલી સ્ટેશનના ટીઆઇ કે.કે. ખનેજા જણાવે છે કે ભેંસે ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસની ખાસી મદદ કરી. હજુ ચોરના નામ જાહેર કરાયાં નથી કારણકે તે ભાગી શકે છે. આ જૂના ચોર છે.

પોલીસને ભેંસની સાથે ચોરનો આ સામાન મળ્યો

-એક જોડી ચપ્પલ અને એક જોડી બૂટ.
-બે મોબાઇલ અને પર્સમાં 560 રૂપિયા.
-ચોરના પેન્ટ અને શર્ટ.
-એક ડાયરી.
-પોલીસના કહેવા પ્રમાણે ભેંસની કિંમત લગભગ 60 હજાર રૂપિયા છે.
અન્ય સમાચારો પણ છે...