• Gujarati News
  • Army Has Found 9 Of Its Soldiers Guilty Of Killing Two Teenagers When They Opened Fire On A Car

બડગામ ફાયરિંગઃ સેનાના ૯ જવાનો દોષી કરાર, કોર્ટ માર્શલ કરવાની ભલામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ આ મારૂતિ કારમાં સવાર બે યુવકોનું સેનાના ફાયરીંગમાં મોત થયું હતું)
બડગામ. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ગત ૩ નવેમ્બરે સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં બે યુવકોના મોતના મામલામાં એક જૂનિયર કમીશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત નવ જવાનોને દોષી કરાર કર્યા છે. સેનાની અદાલતે આ તમામને કોર્ટ માર્શલ કરવાની ભલામણ કરી છે. તપાસમાં અદાલતને જાણવા મળ્યું કે જવાનોએ નિયમોનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ કમાન્ડિંગ ઓફિસરની નિષ્ક્રિયતા પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બડગામ જિલ્લાના છતરગામ વિસ્તારમાં બે યુવકોના મોત થયા હતા જ્યારે સૈનિકોએ તેમની મારૂતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે અન્ય લોકો ઘાયલ થયા હતા.
સમગ્ર યૂનિટને હટાવવામાં આવશે
સેનાના ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ ડી.એસ. હુડ્ડાએ કહ્યું હતું કે, અમે તમામ જવાબદારી સ્વીકારીએ છીએ. અમે તેમના પરિવારને વિશ્વાસ આપવા માંગીએ છીએ કે તેમની પૂરી મદદ કરીશું. અમે આશા રાખીએ છીએ કે આવું બીજીવાર ન થાય. અમે ભરોસો આપીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. જો આવું થશે તો અમે કડકમાં કડક પગલાં ભરીશું. હૂડ્ડાએ કહ્યું કે, સેનાએ નક્કી કર્યું છે કે બડગામના છતરગામ વિસ્તારમાં તૈનાત ૫૩ રાષ્ટ્રીય રાઈફલ્સના યૂનિટને હટાવવામાં આવશે અને તેની જગ્યાએ બીજા યૂનિટને તૈનાત કરવામાં આવશે.
સેનાએ માંગી હતી માફી
ઘટનાને લઈને કાશ્મીર ઘાટીમાં જબરદસ્ત વિરોધ-પ્રદર્શન થયું હતું. સેનાએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે સુરક્ષા દળોને સૂચના મળી હતી કે વિસ્તારમાં આતંકી આવી શકે છે. એના કારણે અનેક જગ્યાએ ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા હતા અને જ્યારે કારમાં સવાર યુવક છતરગામની ત્રીજી પોસ્ટ પર પણ ન રોકાયા તો તેઓએ ફાયરિંગ કર્યું હતું. યુવકોના પરિવારોએ આરોપ લગાવ્યો હતો કે જવાનોએ કોઈ ચેતવણી આપ્યા વગર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પાછળથી સેનાએ મામલામાં પોતની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ગૂનેગાર સાબિત થનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સેના તરફથી મૃતકના પરિવારોને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૫-૫ લાખ રૂપિયા વળતર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ મામલામાં સેના ઉપરાંત રક્ષા મંત્રી અરુણ જેટલીએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો. જેટલીએ કહ્યું હતું કે, બડગામ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. ઘટનાની તપાસ થશે અને દોષિઓને સજા પણ આપવામાં આવશે.