તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોકરાણીની હત્યાના કેસમાં બસપ સાંસદ અને પત્નીની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધનંજયસિંહ અને જાગૃતિને દિલ્હીની કોર્ટમાં રજૂ કરાયાં

ઉત્તરપ્રદેશના જોનપુરના બસપના સાંસદ ધનંજયસિંહ અને તેમનાં પત્ની જાગૃતિની નોકરાણીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ૩પ વર્ષીય નોકરાણીને માર મારીને હત્યા કરવાના સંદર્ભમાં બન્ને પતિ-પત્નીને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. નોકરાણીનું સોમવારે મૃત્યુ નીપજ્યું હતું.


પોલીસે જણાવ્યું કે ધનંજયસિંહના દિલ્હીમાં સાઉથ એવન્યુસ્થિત આવાસમાં ૩પ વર્ષીય રાખી દસ મહિ‌નાથી કામ કરી રહી હતી. જાગૃતિ રાખી પર મોટા ભાગે ત્રાસ ગુજારતી હતી. રાખીના હાથ, પગ અને છાતીના ભાગે મારપીટના નિશાન મળ્યાં છે. મંગળવારે ધનંજયસિંહ અને જાગૃતિની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી ત્યાર પછી તેમની ધરપકડ કરાઇ હતી.

પોલીસે જણાવ્યું કે એક ઘરેલું નોકર રામપાલે ફોન પર પોલીસને માહિ‌તી આપી હતી. રામપાલે જણાવ્યું હતું કે જાગૃતિસિંહે રાખીને માર માર્યો હતો, તેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેણે કહ્યું કે રવિવારે રાત્રે જાગૃતિએ તેને અને રાખીને લોખંડના સળિયા, સ્ટિક્સ અને જાનવરોના શિંગડાથી ભારે માર માર્યો હતો. જાગૃતિ ડેન્ટિસ્ટ છે. જાગૃતિએ રાખીને હોસ્પિટલે લઇ જવાને બદલે પોતે જ પ્રાથમિક સારવાર આપી હતી. રાખી પ‌શ્ચિ‌મ બંગાળથી એક પ્લેસમેન્ટ એજન્સી મારફત આવી હતી. જ્યારે રામપાલ વારાણસીનો છે.

સૂત્રોએ જણાવ્યું કે ધનંજય અને જાગૃતિ વચ્ચે સાત મહિ‌નાથી તલાકનો મામલો ચાલી રહ્યો છે. બન્ને અલગ રહે છે. સાંસદે પોલીસને જણાવ્યું કે જાગૃતિએ જોનપુર ફોન કરીને મને બતાવ્યું કે નોકરાણી ત્રણ દિવસ પહેલા પડી ગઇ હતી અને તેને ઇજા થઇ હતી. હવે તેનું મૃત્યુ થયું છે. ત્યાર પછી હું અહીં આવ્યો હતો.