ગોવામાં મનોહર પારિકર બની શકે છે CM, ચૂંટાયેલા ધારાસભ્યોએ કેન્દ્રને લેટર લખી કરી માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:  ભાજપે ગોવામાં સરકાર રચવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે. ગોવા બચાવવા મનોહર પરિકર સંરક્ષણમંત્રી પદેથી રાજીનામું આપશે. રવિવારે તેઓ રાજ્યપાલને મળ્યા. 21 ધારાસભ્યોનો ટેકાનો પત્ર આપી સરકાર રચવાનો દાવો કર્યો હતો. એક-બે દિવસમાં સીએમ બની શકે છે. યુપીના સીએમનો નિર્ણય 16મીએ, પંજાબમાં અમરિન્દરસિંહ પણ સીએમ પદે 16મીએ શપથ લેશે. ભાજપ મુખ્યાલયે રવિવારે મળેલી પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં ચાર રાજ્યો યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરના મુખ્યમંત્રીની પસંદગી કરવાની જવાબદારી સર્વાનુમતે અમિત શાહને સોંપાઈ હતી.
 

અમિત શાહ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરના નિરિક્ષકો સાથે પરામર્શ કરીને મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય કરશે. આ તરફ મણિપુરમાં ભાજપે સરકાર રચવા માટે 31 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે. મણિપુરમાં કુલ 60 બેઠકોમાંથી ભાજપે 21 બેઠક જીતી છે. જ્યારે 28 બેઠક જીતીને કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બન્યો છે. 
 

ત્રણ-ત્રણ ધારાસભ્યો ધરાવતી મહારાષ્ટ્રવાદી ગોમાંતક અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ પર્રિકરના પુનરાગમની શરતે ભાજપને ટેક આપ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન આપ્યું છે. ગોવામાં સરકાર રચવા માટે 21 ધારાસભ્યો અનિવાર્ય છે. દરમ્યાન દિલ્હીમાં મળેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય 16 માર્ચ સુધી લેવાનું નક્કી કરાયું હતું. આ માટે અનિલ જૈન અને કૈલાશ વિજયવર્ગીયની ઉત્તર પ્રદેશના નિરિક્ષક તરીકે નિમણૂંક કરાઈ હતી. 
 

આ તરફ પંજાબમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા 77 ધારાસભ્યોએ કેપ્ટન અમરિંદર સિંહને પોતાના નેતા ચૂંટી લીધા હતા. અમરિંદર સિંહ 16 માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પહેલા 14 માર્ચે તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરશે. 
 

ગોવાની ફોર્મ્યુલા: 13+3+3+2=21

ગોવામાં 17 ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. સરકાર રચવા માટે કોંગ્રેસને ચાર ધારાસભ્યોની જરુર છે. બીજી તરફ 13 બેઠકો જીતનાર ભાજપ બીજા નંબરે છે. સરકાર રચવા તેને 8 ધારાસભ્યોની જરૂર છે. સરકાર રચવાની તડજોડમાં કોંગ્રેસને પાછળ રાખીને ભાજપે 8 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે. ગોવામાં સરકાર રચવાની ભાજપની ફોર્મ્યુલા 13+3+3+2=21ની છે. એટલે કે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી) અને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી)ના 3-3 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. અન્ય ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના ગોવા ખાતેના પ્રભારી દિગ્વિજયસિંહે ભાજપ પર સરકાર રચવા માટે ધારાસભ્યોની સોદેબાજી કરવાનો આક્ષેપ મૂક્યો છે. 
 

મણિપુરમાં 10 ધારાસભ્યોનો ટેકો મેળવવા ભાજપના પ્રયાસો

ઇમ્ફાલ: મણિપુરમાં 28 ધારાસભ્યો સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. સરકાર રચવા માટે કોંગ્રેસને માત્ર ત્રણ ધારાસભ્યોની જરૂર છે. જ્યારે 21 ધારાસભ્યો ધરાવતા ભાજપે મણિપુરમાં સરકાર રચવા માટે 10 ધારાસભ્યોનો ટેકો મેળવવો પડશે. બન્ને પક્ષોએ સરકાર રચવા તડજોડ શરૂ કરી છે પણ ભાજપે અહીં પણ સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીના મહામંત્રી રામ માધવે સરકાર રચવા જરૂરી આંકડો મેળવી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તમામ ધારાસભ્યો મણિપુરમાં સરકાર રચવા માટે એકતા દાખવશે. મણિપુર વિધાનસભાની 60 બેઠકોમાંથી કોંગ્રેસે 28 અને ભાજપે 21 બેઠક જીતી છે. જ્યારે નગા પીપલ્સ ફ્રન્ટ અને નેશનલ પીપલ્સ પાર્ટીની પાસે 4-4 ધારાસભ્યો છે. લોકજનશક્તિ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસે એક-એક બેઠક જ્યારે એક બેઠક અપક્ષે જીતી છે. 
 
 
પારિકરને ગોવા મોકલો, MLAs ની માંગ 
 
ભાજપના નેતા માઈકલ લોબોના કહેવા પ્રમાણે, "જો અન્ય પક્ષો સમર્થનનો ટેકો આપે તો ગોવામાં અમારી સરકાર બની શકે છે. પાર્ટીના ધારાસભ્યોએ હાઈકમાન્ડને પત્ર લખીને માંગ કરી છે કે, પારિકરને મુખ્યપ્રધાન બનાવવામાં આવે." જો પારિકરને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો MGPએ ટેકો આપવાની તૈયારી દાખવી છે. 
 
 
21 MLAs હોય તો બનાવો CM: દિગ્વિજયસિંહ
 
ગોવામાં ભાજપની સરકાર બનાવવાના વિકલ્પો ચકાસવા માટે કેન્દ્રીય માર્ગ પ્રધાન નીતીન ગડકરીને ત્યાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના કહેવા પ્રમાણે, "અમે બિન-ભાજપી ધારાસભ્યોના સંપર્કમાં છીએ. જો તેમની પાસે 21 ધારાસભ્યોનું સમર્થન હોય તો સરકાર બનાવે. અમને કોઈ વાંધો નથી. પરંતુ તેે જનતાના ચુકાદાથી વિપરીત હશે. ધારાસભ્યોને પ્રધાનપદની લાલચ આપવામાં આવી રહી છે."
 
દિગ્વિજય સિંહે ઉમેર્યું હતું કે, ગોવાની જનતાએ આપણને છેલ્લી તક આપી છે. આપણે તેમની અપેક્ષા પર પાર નહીં ઉતરીએ તો આપણે ખલાસ થઈ જઈશું.
 
કોંગ્રેસ આ રીતે બનાવી શકે છે સરકાર
 
સૌથી મોટી પાર્ટી હોવાના કારણે પરંપરા મુજબ રાજ્યપાલ સૌથી પહેલા તેને જ સરકાર બનાવવા આમંત્રણ આપશે. 40 સીટવાળી ગોવા વિધાનસભામાં સરકાર બનાવવા 21 સીટો જરૂરી છે. કોંગ્રેસ પાસે 17 સીટછે. એનસીપીનો 1 ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાઈ જાય તો સંખ્યા 18 થઈ જાય. જે બાદ ગોવા ફોરવર્ડ પાર્ટીના 3 ધારાસભ્યો સમર્થન આપે અતવા 3 અપક્ષ ધારાસભ્યો ટેકો આપે તો કોંગ્રેસ ગોવામાં સરકાર બનાવી શકે છે.
 
પૂર્વોત્તરમાં ભાજપના પ્રભારી રામ માધવે મણિપુરમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...