શું થશે આજે? જે ટિકિટ વહેંચતા હતા, તેઓ જ ટિકિટની રાહ જુએ છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જે ટિકિટ વહેંચતા હતા, તેઓ જ ટિકિટની રાહ જુએ છે
- ઉત્તર પ્રદેશની માયા: શું થશે આજે?


ઉત્તરપ્રદેશના ભાજપના સંસ્થાપક સદસ્ય રહેલા નેતા ભારે મુશ્કેલીમાં છે. જે ટિકિટ વહેંચતા હતા, તે પોતે જ પોતાની ટિકિટની રાહ જોઇ રહ્યા છે. એક તરફ સંઘર્ષથી ઊભી કરેલી પાર્ટી અને બીજી તરફ પોતાનું ચૂંટણી ક્ષેત્ર. સૌથી મોટી મુશ્કેલી, કોને છોડે અને કોને સ્વીકારે.

વારાણસીને લઇને મુરલી મનોહર જોશી પરેશાન છે તો લખનઉને લઇને લાલજી ટંડન. કાનપુરને લઇને કલરાજ મિશ્રાની બેચેની દિવસે દિવસે વધતી જઈ રહી છે. બીજી તરફ વરુણ ગાંધી સુલતાનપુરની ટિકિટની રાહ જુએ છે. તેમની માતાને પિલિભિતથી ટિકિટ મળે તેવી આશા છે. ૧૩મી માર્ચના રોજ ટિકિટોના જાહેરાતની સંભાવના છે. જોકે સૂર તમામના નરમ છે. લાલજી ટંડન કહી રહ્યાં છે,'લખનઉ ઉપર મારો કોઇ દાવો નથી, કોઇ વિવાદ નથી અને જીદ પણ નથી. પાર્ટી અમે બનાવી છે. એવું કશું નહિ‌ કરું, જેના કારણે પાર્ટીની શાખને ઠેસ પહોંચે.

લખનઉ સીટ પર રાજનાથસિંહની નજર છે. તે આપના પ્રભાવમાં ફસાયેલી ગાઝીયાબાદ સીટ પરથી લડવા માગતા નથી. બીજી તરફ, પાર્ટીના સાંસ્કૃતિક ચહેરા મુરલી મનોહર જોશી કાશીનો મોહ છોડી શકતા નથી. શાખની ચિંતા તેમને પણ છે. તે કહી ચૂક્યાં છે કે મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવું કોઇ કામ નહિ‌ કરું. જોકે દર્દ રોજ બહાર નીકળી રહ્યું છે. વધુ એક કદાવર નેતા છે કલરાજ મિશ્રા. પંડિતજી ક્યારેક પાર્ટીના ઉમેદવારોને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા નીભાવતા હતા.

ઉપ્રમાં ભાજપની સરકાર અને કલ્યાણસિંહને મુખ્યમંત્રી બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આથી તે પરેશાન છે. બીજી તરફ, ઉમા ભારતી ઝાંસીથી ચૂંટણી લડવા માગે છે. જોકે પાર્ટી તેમને ફૈઝાબાદથી ચૂંટણી લડાવવા માગે છે. તેના કારણે વિનય કટિયાર મુશ્કેલીમાં છે.

ગાંધીનગર બેઠકની પેનલમાં અડવાણીનું નામ નથી

ભાજપના વરિષ્ઠનેતા ગાંધીનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઇચ્છા જણાવી ચૂક્યા છે. પરંતુ પક્ષની સામે કાર્યકરતાઓ તરફથી આવેલા નામોની પેનલમાં તેમનું નામ નથી. ભાજપની ઉમેદવારો શોધવાની કવાયત હેઠળ પ લોકોના નામ આ બેઠક માટે આવ્યા છે. અડવાણી એક ચૂંટણી સિવાય ૧૯૯૧થી ગાંધીનગરની બેઠકથી ભાજપ સાંસદ છે.