બિહારના પ્રધાને રામદેવ સામે કેસ દાખલ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી રાઉન્ડ અપ
પટણા : બિહારના પ્રધાન અને જનતા દળ (યુ)ના નેતા શ્યામ રજાકે યોગગુરુ રામદેવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દલિત સંદર્ભમાં આપેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રામદેવ સામે કેસ દાખલ કર્યો છે. આવતીકાલે આ કેસમાં સુનાવણી હાથ ધરાશે.તેમણે અરજીમાં આક્ષેપ કર્યા છે કે રામદેવની અરજી કચડાયેલા વર્ગના અપમાન બરોબર છે. તેમણે આઇપીસી કલમ ૩પ૪ હેઠળ રામદેવ સામે પગલાં લેવાની માગણી કરી છે.
ગિરીરાજની આગોતરા જામીનની અરજી ફગાવાઇ
બોકારો : ભાજપના નેતા ગિરીરાજે આગોતરા જામીન માટે કરેલી અરજીને સ્થાનિક અદાલતે ફગાવી દીધી છે. ગિરીરાજ તેમણે કેટલાક દિવસ પહેલાં આપેલી ટિપ્પણી બદલ બિનજામીનપાત્ર વોરન્ટનો સામનો કરી રહ્યા છે. અધિક જિલ્લા અને સત્રીય ન્યાયાધીશ બિપીન બિહારીએ નવાદા લોકસભા બેઠક માટેના ભાજપના ઉમેદવારની અરજીને ફગાવી દીધી હતી. ૨૩ એપ્રિલે ન્યાયાધીશ અમિત શેખરે બિહારના ભૂતપૂર્વ પ્રધાન સામે વોરન્ટ ઇસ્યુ કર્યું હતું.
પ્રિયંકા રાજકીય ચર્ચાને નીચા સ્તરે લઇ ગયાં : જેટલી
નવી દિલ્હી : ભાજપના નેતાઓની ડરી ગયેલા ઉંદરો સાથે સરખામણી કરનારાં પ્રિયંકા સામે પ્રહાર કરતાં અરુણ જેટલીએ જણાવ્યું છે કે પોતાની ભાષાના પ્રયોગથી પ્રિયંકા રાજકીય ચર્ચાઓને નીચા સ્તરે લઇ ગયાં છે.વાસ્તવમાં વાડરા પરિવારે કાયદાથી ડરવાની જરૂર છે. તેમના પક્ષમાંથી પણ કોઇ વિરોધપક્ષની સરખામણી ઉંદરો કે સાપ સાથે કરવા લાગે તો તેમને જરૂરથી ચિંતા થાય. આવા શબ્દપ્રયોગથી રાજકીય ચર્ચાનું સ્તર નીચું જાય છે.
ખોટા સોગંદનામા સામે લોકો સીધા અદાલત જઇ શકે : ચૂંટણીપંચ
નવી દિલ્હી : ચૂંટણી સોગંદનામામાં ખોટી હકીકતો આપી હોવાના મુદ્દે થયેલી સંખ્યાબંધ ફરિયાદોનો સામનો કરી રહેલા ચૂંટણીપંચે જણાવ્યું છે કે ઉમેદવારીપત્રમાં સાચી હકીકતો છુપાવ્યા બદલ પોતાના ઉમેદવારો સામે લોકો સીધા અદાલતના દ્વાર ખટખટાવી શકે છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે અગાઉ ઉમેદવારે માહિ‌તી છુપાવી હોવા અંગે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી શકતા હતા પરંતુ હવે સીધા ર્કોટમાં જઇ શકે છે. ચૂંટણીપંચે આ અંગે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને ગયા સપ્તાહે પત્ર પાઠવ્યો હતો.