સુકમા/દોરનાપાલ/રાયપુર: છત્તીસગઢના બુર્કાપાલ હુમલા પછી ફોર્સે બદલાયેલી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. શનિવારે 8.45 વાગે ફોર્સે ‘ઓપરેશન પ્રહાર’ લોન્ચ કરી દીધું. એવું પહેલીવાર છે જ્યારે ફોર્સે વરસાદની સીઝનમાં નક્સલ ઓપરેશન લોન્ચ કર્યું હોય. અથડામણ તોંડામરકા અને બડે-કેડવાલના જંગલોમાં થઇ. આશરે 20 નક્સલીઓ ઠાર મરાયા છે. અથડામણ દરમિયાન સુકમાના તોંડામરકામાં પાંચ જવાન ઘાયલ થઇ ગયા, જ્યારે દૂરમા પાસે બે જવાન શહીદ પણ થયા છે. ગાઢ જંગલોમાં ફોર્સના ફસાઇ જવાને કારણે શહીદોના નામોનો ખુલાસો મોડી રાત સુધી થઇ શક્યો નથી.
હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
- આઇજી વિવેકાનંદે જણાવ્યું કે ઘટનામાં શહીદ બે જવાનોમાંથી એક કોંટા તો બીજો શ્યામસેટ્ટીનો રહેવાસી છે.
- વિસ્તારમાં નક્સલીઓ સાથે અથડામણ રાતે લગભગ 11 વાગે પૂરી થઇ. તે પછી બ્રેકઅપ ફોર્સ પણ રવાના કરવામાં આવી હતી.
- બપોરે 1.30 વાગે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તોંડામરકાના ગાઢ જંગલોમાંથી ઘાયલ જવાનોને રાયપુરના રામકૃષ્ણ કેર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
ઘાયલ જવાન બોલ્યો- નક્સલીઓને અમારા આવવાની જાણ હતી
- ઘાયલ જવાને જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગે અમે સુકમા સ્થિત કેમ્પથી ઓપરેશન માટે નીકળ્યા. અમારી સાથે ડીઆરજી, સીઆરપીએફ અને કોબરાના જવાનો પણ હતા. ટાસ્ક હતું રાત આખી સર્ચિંગ કરીને સવારે તોંડામરકા ગામ પહોંચવું. આ ગામ સુકમા અને ચિંતાનારની વચ્ચે છે.
- સવાર થતાં જ અમારું ગ્રુપ તોંડામરકાની નજીક પહોંચ્યું. ચારેબાજુ સર્ચિંગ કરીને જંગલમાં કેમ્પ કરવાનો નિર્ણય થયો. અમારી ટીમ ત્યાં જ રોકાઇ ગઇ, પરંતુ ડીઆરજી અને સીઆરપીએફના ગ્રુપ અલગ-અલગ દિશાઓમાં આગળ વધી ગયા.
- પછી એવું નક્કી થયું કે ત્રણેય ગ્રુપ અલગ-અલગ દિશાઓથી ચિંતાગુફા પહોંચશે. અમારા લીડરે નાસ્તો કરવાનો નિર્ણય કર્યો, એટલે કેટલાંક જવાન પહેરો કરવા લાગ્યા. નાસ્તો કરવાનું શરૂ થવાનું જ હતું, ત્યારે જ બ્લાસ્ટ થયો. બધાએ પોઝિશન લઇ લીધી. થોડા-થોડા અંતરે વિસ્ફોટનો અવાજ આવવા લાગ્યો.
300થી વધુ નક્સલી પોઝિશન લઇને બેઠા હતા
- સામાન્ય રીતે નક્સલીઓ આવા જ ધમાકા કરીને ફોર્સને ઘાતકી હુમલાઓમાં ફસાવે છે. તે કારણે અમે થોડી રાહ જોઇ. પણ ધમાકાઓ વધવા લાગ્યા, ત્યારે ફોર્સ ગોળીબાર કરતા ઝડપથી આગળ વધવા લાગી. જમીન પર લોહી દેખાયું, કેટલાંકને ગોળી વાગી હતી. અમે નિશાનીઓને અનુસરવા લાગ્યા.
- અચાનક અમને ખ્યાલ આવ્યો કે નક્સલીઓએ ઘાત લગાવી છે. આશરે 300થી વધુ નક્સલીઓ પોઝિશન લઇને બેઠા હતા, જેમાં મહિલાઓ પણ હતી. વર્દીધારી નક્સલીઓ ઉપરાંત તીર-કમાન હાથમાં લઇને ઊભેલાં લોકો પણ હતા.
- અમે પણ મોરચો સંભાળી લીધો. સવારે લગભગ 11 વાગે ત્યાં ફાયરિંગ શરૂ થયું. બપોરે 2 વાગ્યા સુધી અથડામણ ચાલતી રહી. લગભગ એક કલાકમાં અમારાથી છૂટાં પડેલી ડીઆરજી અને સીઆરપીએફની ટીમ ત્યાં પહોંચી ગઇ. તે પછી તો અમારા હુમલાઓ તીવ્ર બન્યા. મારા હાથમાં એક ગોળી વાગી. થોડીવાર પછી ઘાયલોને ત્યાંથી કાઢવામાં આવ્યા.
(ઘાયલ જવાન કમલનારાયણે દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે)