માનવ સાથે ઉંદરો જેવું વર્તન દુભૉગ્યપૂર્ણ: સુપ્રીમ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દવાઓનું ગેરકાયદે પરીક્ષણ - જનહિતની અરજીનો જવાબ ન આપવા બદલ કેન્દ્ર, મ.પ્ર.ની સરકારની ઝાટકણી સુપ્રીમ કોર્ટે દેશમાં થઈ રહેલા દવાઓનાં ગેરકાયદેસર પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ આર.એમ.લોઢાની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે મનુષ્ય સાથે ઉંદરો(ગિની પિગ) જેવું વર્તન દુભૉગ્યપૂર્ણ છે. આ મામલે થયેલી જનહિતની અરજી પર જવાબ ન આપવા બદલ સુપ્રીમે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે. બેંચે જણાવ્યું છે કે જવાબદારીનું થોડુંક તો ભાન હોવું જોઈએ. સુપ્રીમે જવાબ આપવા માટે સરકાર અને મેડિકલ કાઉન્સિલને આઠ સપ્તાહનો સમય આપ્યો છે. શું આરોપ છે : ડોક્ટરોના એક જુથ અને એક સ્વયંસેવી સંગઠને અલગ અલગ બે જનહિતની અરજી કરી છે. જેમાં જણાવાયું છે કે બાળકો, આદિવાસીઓ અને દલિતો સહિત ગરીબ વર્ગના લોકોનો ઉંદરો(ગિની પિગ) તરીકે ઉપયોગ કરીને તેના પર બહુરાષ્ટ્રીય કંપનીઓ દવાઓ અને રસીઓનું પરીક્ષણ કરી રહી છે. આ માગણી છે : અરજીમાં માગણી કરવામાં આવી છે કે નાગરિક સંગઠન ખાસ કરીને ઓલ ઈન્ડિયા ડ્રગ એકશન નેટવર્કના સભ્યોને લઈને નિષ્ણાતોની એક સમિતિ બનાવવામાં આવે. જે કલીનિકલ ટ્રાયલ સંબંધિત જોગવાઈઓનું ધ્યાન રાખે અને દિશાનિર્દેશ કરવા ભલામણ કરે. ડ્રગ ટ્રાયલનો કેસ : ઈન્દોરમાં ગેરકાયદેસર દવા પરીક્ષણનો ઉલ્લેખ કરીને અરજદારે જણાવ્યું છે કે આવા પરીક્ષણમાં અનેક લોકોનો જીવ ગયો છે. જેમના પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે ગરીબ વર્ગના લોકો પોતાના અધિકારો વિષે અજાણ હતા અને દવા કંપનીઓએ ડ્રગ ટ્રાયલ વિષે તેમને પૂરી જાણકારી નહોતી આપી. ૩,૩૦૦ દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ૨૩૩ માનસિક રોગી અને ૧,૮૩૩ બાળકો હતાં. જેમાં ૧૫ સરકારી ડોક્ટરો પણ સામેલ છે. સરકારી ડોક્ટરોને સાડા પાંચ કરોડ રૂપિયા સુધીની રકમ ચૂકવાઈ છે. દસ ખાનગી હોસ્પિટલોના ૪૦ ડોક્ટરો પણ સામેલ છે. ડ્રગ ટ્રાયલથી મૃત્યુ : ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા આરટીઆઈ હેઠળ અપાયેલી માહિતી અનુસાર ડ્રગ ટ્રાયલમાં ચાર વર્ષમાં ૨,૦૩૧ લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાંથી માત્ર ૨૨ ને જ વળતર ચૂકવાયું છે.