ખુરશી બચાવવા બંસલે બકરાનો પણ લીધો સહારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ન્યૂઝ ચેનલ પર બકરાને કંઇક ખવડાવતા બંસલને દેખાડવામાં આવ્યા

મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે માણસ નિત-નવા ગતકડાં કરે છે. ખરાબ સમયમાંથી મુક્તિ મેળવવા માટે પૂજા-પાઠ અને ટુચકાના સહારો પણ લે છે. મુશ્કેલીમાં સપડાયેલા રેલવે પ્રધાન પવન કુમાર બંસલ પણ કંઇક એવું જ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. રેલવે લાંચકાંડમાં ફસાયેલા મંત્રીજીની કેબિનેટમાંથી હકાલપટ્ટી નિશ્વિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવેલા આ તસવીરોમાં આ ર્દશ્ય જોવા મળ્યું. બંસલને ટુચકા કરતા દેખાડવામાં આવ્યા છે. બંસલનાં પત્નીએ તેમની નજર ઉતારી. ત્યાર પછી બકરાને કંઇક ખવડાવતા બંસલને દેખાડવામાં આવ્યા છે. પછી રેલવેપ્રધાને બકરાના માથે હાથ ફેરવ્યો હતો.

નોંધનીય છે કે, બંસલ શુક્રવારે પોતાની ઓફિસે ગયા નથી. બંસલે ગુરુવારે કેબિનેટની બેઠકમાં પણ ગયા ન હતા.એનાથી કેબિનેટમાંથી તેમની વિદાયના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. બંસલ પર સકંજો મજબૂત થઇ રહ્યો છે. બંસલના પરિવારના બિઝનેસની વધુ કડીઓ બહાર આવ્યા પછી કેબિનેટમાંથી તેમની વિદાય નિશ્વિત હોવાનું માનવામાં આવે છે.

એક એવો નવો ખુલાસો આવ્યો છે કે, બંસલનાં પત્ની અને પુત્રોની કંપની સાથે જોડાયેલા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કેનેરા બેંકમાં નિર્દેશક નિયુકત કરાયા છે ત્યારે બંસલ રાજ્ય કક્ષાના નાણા પ્રધાન હતા. કેનેરા બેંકે બંસલ પરિવારની કંપનીને કરોડો રૂપિયાની લોન આપી છે. આ બેંકે જ બંસલના ભાણિયા વિજય સિંગલાની કંપનીને ૨૫ કરોડની લોન આપી હતી.