કાશ્મીર : આતંકીઓને બચાવવા લોકોનો જવાનો પર પથ્થરમારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાદળના એન્કાઉન્ટર દરમિયાન મોટી સંંખ્યામાં સ્થાનીક લોકોએ આતંકવાદીઓને બચાવવા જવાનો પર પથ્થરમારો કર્યો હતો.  જેમાં 20 પોલીસ કર્મીઓ અને 44 જવાનો ઘવાયા છે. જવાબી કાર્યવાહીમાં ત્રણ પથ્થરબાજોનાં મોત થયાં હતા . 10 કલાકની અથડામણ બાદ એક આતંકી ઠાર કરાયો હતો.
તપાસ દરમિયાન અમારી પર ફાયરિંગ થયું 
 
એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાબળો દ્વારા ચદૂરા પાસે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની બાતમીના આધારે આ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક જ આતંકવાદીઓએ તપાસ કરી રહેલા સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાબળોએ પણ વળતી કાર્યવાહી કરી હતી. એટલામાં વધુ કેટલાક શખ્સો ત્યાં પહોંચી ગયા હતા અને પથ્થમારો કરવા લાગ્યા હતા. 
 
એક આતંકવાદી ઠાર મરાયો 
મંગળવારે સવારે ચંડુરા વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકવાદીઓની હાજરીની બાતમી મળી હતી. જે બાદ વિસ્તારને કોર્ડન કરીને ત્યાં સર્ચ ઑપરેશન ચલાવાયું હતું. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરાતા એન્કાઉન્ટર શરૂ થયું હતું. દરમિયાન, ત્યાં મોટી સંખ્યામાં આતંકીઓના સમર્થક સ્થાનિક લોકો પહોંચી ગયા હતા. આતંકવાદીઓને બચાવવા માટે તેમણે સેના ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે તેમના માટે પ્રાણઘાતક સાબિત થયું હતું.
 
સીઆરપીએફના DIG સંજય કુમારના કહેવા પ્રમાણે, "આ એક કપરું અભિયાન હતું. જેમાં અમારે હુલ્લડખોરો અને આતંકવાદીઓ એમ બે મોરચે લડવું પડ્યું."જવાનોની સ્થિતિને વધુ મુશ્કેલ બનાવવા માટે કેટલાક શખ્સો દ્વારા નારેબાજી કરવામાં આવી, ગાળો દેવામાં આવી તથા તેમની ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 
 
હુલ્લડખોરો અને નાગરિક સહિત ત્રણના મોત 
 
પહેલાં તો પથ્થરબાજોને કાબૂમાં લેવા માટે પોલીસ અને સીઆરપીએફે ટીયર ગેસ અને  પેલેટ ગનનો પ્રયોગ કરવો પડ્યો હતો. આ કાર્યવાહીમાં 19 દેખાવકાર ઘવાયા હતા. તેમાંથી ગંભીર રીતે ઘવાયેલા ત્રણ યુવાનોના પછી મોત થયાં હતાં. તેમાંના એક શખ્સને ગોળી વાગી હતી. મૃતકોની ઓળખ ઝાહિદ ડાર, સાકિબ એહમદ અને ઇશફાક વાની તરીકે થઇ છે. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી પણ મોતને ઘાટ ઉતર્યો હતો. મોડી સાંજ સુધી સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે અથડામણ ચાલુ રહી હતી.
 
મંગળવારે રાત્રે પોલીસ અધિકારીઓના ઘર પર ફાયરિંગ 

મંગળવારે રાત્રે આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં વરિષ્ઠ પોલીસ અધિકારીના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. જેમાં કોઈ જાનહાનિ, ઈજા કે નુકસાનના અહેવાલ નથી. આ પહેલા સોમવારે રાત્રે પણ વરિષ્ઠ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસી જઈને આતંકવાદીઓએ તોડફોડ કરી હતી અને પરિવારજનોને ધમકાવ્યાં હતાં. છેલ્લા ચાર દિવસમાં ચાર વખત આતંકવાદીઓએ પોલીસ અધિકારીઓના ઘરમાં જઈને તેમના પરિવારજનોને ધમકાવ્યા હતા તથા તોડફોડ કરી હતી. 
 
 
હુલ્લડખોરોના મોત પર રાજકારણ શરૂ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...