તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ હુમલાના સંદર્ભે રાજનાથ કરશે મીટિંગ, ઘાયલોને મળવા પહોંચ્યા મહેબૂબા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે સવારે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં સુરક્ષાની પરીસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં NSAના અજીત ડોભાલ, હોમ મિનિસ્ટ્રીના ટોપ ઓફિસર્સ, ઈન્ટેલિજન્સ એજન્સી અને સેન્ટ્રલ પેરા મિલ્ટ્રી ફોર્સના અધિકારી પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા, આતંકી હુમલા રોકવા અંગેની ચર્ચાં કરવામાં આવી. ડોભાલે અમરનાથ યાત્રાળુઓની સુરક્ષાને લઈને નરેન્દ્ર મોદીને બ્રીફ કર્યાં. તો આર્મી ચીફ પરીસ્થિતિનો તાગ મેળવવા કાશ્મીર પહોંચી ગયા છે.
 
શું થયું બેઠકમાં?
 
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મીટિંગમાં કાશ્મીરની પરીસ્થિતિ, અમરનાથ જનારા રસ્તાઓની સુરક્ષા, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આતંકી હુમલાઓ રોકવા માટે લેવામાં આવેલા પગલાંની ચર્ચાં કરવામાં આવી.
- રાજનાથ સિંહે તમામ અધિકારીઓને યાત્રાની સુરક્ષા નિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં ભરવાના નિર્દેશ આપ્યાં છે.
- બેઠક પૂર્ણ થયા તુરંત બાદ ડોભાલે પીએમ મોદીને ચર્ચાં અંગે જાણ કરી. સાથે જ અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવશે તે અંગે પણ જાણ કરી.
- કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીરની આગેવાનીમાં એક સેન્ટ્રલ ટીમ જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાની સમીક્ષા કરી રહી છે.
- CRPFના DG આર.આર. ભટનાગર અમરનાથ યાત્રાના માર્ગ પર ફોર્સની તૈનાતીના રિવ્યૂ માટે કાશ્મીર પહોંચી ગયા છે.
 
કાશ્મીર પહોંચ્યા આર્મી ચીફ
 
- આર્મી ચીફ બિપિન રાવત મંગળવારે સુરક્ષાની સ્થિતિ જોવા કાશ્મીર પહોંચ્યા છે.
- આર્મી ઓફિશિયલે જણાવ્યું કે, “ આર્મી ચીફ શ્રીનગર પહોંચી ગયા છે. અને ડીજી પોલીસ, એસપી સહિતના અધિકારીઓ તેમને પરીસ્થિતિ અંગે જાણ કરી છે. આર્મી ચીફની CRPFના DG સાથે પણ એક  બેઠક મળી છે.”
 
કાશ્મીરની જનતાને સલામ- ગૃહ મંત્રી
 
- અમરનાથ યાત્રા બાદ ગૃહ મંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રો, આઈબીના અધિકારીઓ ઉપરાંત NSA અજીત ડોભાલ પણ હાજર રહ્યાં હતા.
- બેઠક બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “ આ હુમલાથી હું ઘણો જ દુઃખી છું, કાયરતાભર્યાં હુમલાની હું નિંદા કરું છું. કાશ્મીરના તમામ લોકોએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. આવી વિકટ પરીસ્થિતિમાં સંયમ રાખવા બદલ કાશ્મીરની જનતાને સલામ.”
 
‘અનંતનાગના દોષિતોને નહીં છોડવામાં આવે’
 
- વેંકૈયા નાયડૂએ કહ્યું કે, “ અનંતનાગ હુમલાના દોષિતોને છોડવાનો કોઈ સવાલ જ નથી. જાણકારોએ આપેલી માહિતી મુજબ, અમરનાથ યાત્રિકોને લઈ જનારી બસે ઈન્ફોર્મ કર્યું ન હતું. તેમની સાથે કોઈ સુરક્ષા ન હતી. આવું કરવાની કોઈ જરૂર ન હતી. તમામને અપીલ છે કે બસ ટ્રાંસપોર્ટમાં રજીસ્ટર્ડ કરાવવામાં આવે. આપણો પડોસી આતંકને પ્રોત્સાહિત કરે છે. એવામાં સાવધાની જરૂરી છે.
- માર્યાં ગયેલાં લોકોના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. યાત્રા યોગ્ય રીતે ચાલતી રહે તેનો પૂરેપૂરો પ્રયાસ કરીશું.
- આ હુમલો માનવતની વિરૂદ્ધનો છે. અમે નિંદા કરીએ છીએ. જમ્મુ કાશ્મીર સરકાર તપાસ કરી રહી છે.”
 
સુરક્ષામાં થયેલી ચૂક માટે મહેબૂબાએ ખુદને ઠેરવ્યા જવાબદાર
 
મહેબૂબાએ કહ્યું કે અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો તમામ મુસ્લિમો અને કાશ્મીરીઓ પર એક કલંક છે. આ ઘટનાને લઇને દરેક કાશ્મીરીનું માથું શરમથી ઝૂકી ગયું છે.
- મહેબૂબાએ સુરક્ષામાં થયેલી ચૂક બદલ પોતાને જવાબદાર ઠેરવ્યા અને ઘાયલોને કહ્યું કે તમે આટલે દૂર યાત્રા કરવા માટે આવ્યા અને જુઓ અમે તમારી સાથે શું કરી નાખ્યું.
- મુખ્યમંત્રીએ કહ્યું, “તીર્થયાત્રીઓ તમામ મુશ્કેલીઓ છતાં યાત્રા માટે દર વર્ષે કાશ્મીર આવે છે અને આજે સાત લોકોના મોત થઇ ગયા. મારી પાસે તેની નિંદા કરવા માટે કોઇ શબ્દ નથી. મને આશા છે કે સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ કાવતરાંખોરોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.”
- મહેબૂબાએ કહ્યું, “આ ઘટના તમામ મુસ્લિમો અને કાશ્મીરીઓ માટે એક કલંક છે. અમે અપરાધીઓને સજા અપાવવા સુધી ચૂપ નહીં બેસીએ.”
- NDA ના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદે પણ અનંતનાગમાં અમરનાથ શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી.
- પ્રણવ મુખર્જીએ પણ હુમલાની નિંદા કરતા જણાવ્યું કે નિર્દોષ લોકોના મોત પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. 
- શિવસેનાના સંજય રાઉતે કહ્યું, "ફક્ત નિંદા કરવાથી કશું નહીં થાય. આતંકવાદીઓને સબક શીખવાડવાની જરૂર છે." તેમણે કહ્યું કે, સરકારે કહ્યું હતું કે નોટબંધીની અસર કાશ્મીરના આતંકવાદ પર પડશે, પણ એવું થયું નહીં. સર્જિકલ સ્ટ્રાઇકની પણ કોઇ અસર થઇ નહીં. 
 
'આતંકી ઘટના પાછળ લશ્કરના આતંકીનો હાથ'
 
કાશ્મીરના અનંતનાગમાં સોમવારે અમરનાથ યાત્રાળુઓ પર કરવામાં આવેલો હુમલો આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના ઈશારે કરવામાં આવ્યો હતો. હુમલાનો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાન સ્થિત આતંકી ઈસ્માઇલ હોવાનું કાશ્મીરના આઈજી મુનીર ખાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. અમરનાથ યાત્રામાં ગુજરાતી  શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં આજે ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે મીટિંગ બોલાવી છે, જ્યારે કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરા શ્રીનગરમાં મીટિંગ કરશે. આતંકી હુમલામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને મળવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગમાં આવેલી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે આ શરમજનક ઘટના માટે ઘાયલ લોકોની માફી માંગી. 
અન્ય સમાચારો પણ છે...