કુદરતનો કહેરઃ સિક્કિમમાં 21 મર્યા, આસામમાં હજારો બેઘર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરીય સિક્કિમમાં ભારે વરસાદ અને ભેખડ ધસી પડતાં ૨૧ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ઇન્ડો-તિબેટ સરહદ પોલીસ (આઇટીબીપી)ના બે જવાન અને તેમના પરિવારના બે સભ્યોનો સમાવેશ થાય છે. સરહદ સડક સંગઠનના ૧૨ જુનિયર અધિકારી પણ માર્યા ગયા છે જ્યારે અન્ય મૃતકો મજુર હોવાનું જણાવવામાં આવ્યું છે.

જિલ્લાના નાયબ કમિશનર ટીડબલ્યૂ કાંગશેરપાએ જણાવ્યું કે, રંગમાં રેન્જમાં વધુ લોકો માર્યા ગયા છે. ચુંગતાંગ ક્ષેત્રમાં સરહદ રોડ સંગઠનની શિબિર હતી. લાચેન નદીમાં આવેલા પૂરમાં આ લોકો તણાઇ ગયા છે. ઘણા લોકો હજી લાપતા છે. માર્ગોને નુકસાન થયું હોવાથી રાહત સામગ્રી ભરેલા ટ્રકો અધવચ્ચે ફસાઇ ગયા છે.

આસામના ૧૫ જિલ્લામાં પૂરની અસર : ભારે વરસાદથી આસામના ૧૫ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. દિબ્રુગઢ- સાઇખોવા અને કાજીરંગા નેશનલ પાર્કના વિસ્તારોમાં પૂરની સૌથી વધુ અસર થઇ છે. પાર્કના વિસ્તારમાં પૂરનાં પાણીમાં હાથીના બે બચ્ચાં તણાઇ ગયા છે. તિનસુકિયા જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા ૧૦૦ લોકોને બહાર કાઢવામાં
આવ્યા છે.

અરુણાચલમાં લોકોને ચાર દિવસ પછી બહાર કઢાયા : અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લાના તેજુમાં ચાર દિવસથી પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ બાળકો સહિત ૩૯ લોકોને હવાઇ દળ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદ અને ભેખડ ધસી પડવાથી ઘણા માર્ગો અને પુલને નુકસાન થયું છે.