આજથી એશિયાના સૌથી મોટા એર શો ‘એરો ઈન્ડિયા’નો આરંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૌથી નાના, સૌથી મોટા અને સૌથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતા વિમાન એક સાથે જોવા મળશે
- ભારતીય વાયુદળ ૮૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૪૦૦ વિમાન અને હેલિકોપ્ટર ખરીદશે


એશિયાના સૌથી મોટા એર શો ‘એરો ઈન્ડિયા’ની નવમી આવૃત્તિનો બુધવારથી બેંગલોર નજીક યેલહેન્કા એર બેઝ ખાતે આરંભ થઈ રહ્યો છે. પાંચ દિવસ ચાલનારા આ શોમાં ભારત સહિતના દેશ-વિદેશની ૬૦૦થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. શોના એક દિવસ પહેલાં વાયુદળના વડા એનએકે બ્રાઉને જાહેરાત કરી નાખી છે કે વાયુદળ ૮૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૪૦૦ વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાની યોજના ઘડી રહ્યું છે. તેમાં વાયુદળના સૌથી નાના, સૌથી મોટા અને સૌથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતા વિમાન આકર્ષણનું કેન્દ્ર બનશે.

દર બે વર્ષે યોજાતા એરો ઈન્ડિયામાં વાયુદળનું સૌથી નાનું ટ્રેનર વિમાન પિલેટ્સ પીસી-૭ માર્ક ટુ ટ્રેનર પણ રજુ કરાશે. તાજેતરમાં જ તેનો વાયુદળમાં સમાવેશ કરાયો છે. અમેરિકા પાસેથી જુનમાં મળનારા સૌપ્રથમ સી-૧૭ ગ્લોબમાસ્ટર થ્રીને પણ અહીં રજુ કરાશે. તે આ એર શોનું સૌથી મોટું વિમાન છે. તે ૭૭.૫ ટનની વહન ક્ષમતા ધરાવે છે.

ચાર એન્જિનવાળું આ વિમાન તોપ, કોમ્બેટ વાહનો અને સૈનિકોના ટ્રાન્સપોર્ટ માટે છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં રોયલ ઈન્ડિયન એરફોર્સ માટે ઊડેલા ટાઈગર મોથ વિમાન પણ આ એર શોમાં જોવા મળશે. શોમાં બે ફાઈટર વિમાન ડૈસો રફાલ અને એફ-૧૬ વિમાન પણ સામેલ હશે.

- શોમાં પ્રથમવાર

-ભારતીય સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઈલ સાગરિકા રજુ કરાશે
-૨૦૨૫માં વાયુદળમાં સામેલ થનારા એએમસીએ (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ)નું મોડેલ
-વાયુદળનું ટ્રેનર વિમાન પિલેટ્સ પીસી-૭ માર્ક ટુ
-યુથ પેવેલિયન બનાવાયું છે, જ્યાં દેશના ટોચના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ભાગ લેશે
-સ્વદેશી ધ્રુવ એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરનું શસ્ત્રોથી સજજ હેલિકોપ્ટર ‘રૂદ્ર’ રજુ થશે
-ઈન્ડો-રશિયન ફિફ્થ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ પણ જોવા મળશે