આસારામનું ત્રણ દિવસમાં ત્રીજું વિવાદાસ્પદ નિવેદન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિલ્હી દુષ્કર્મની ઘટના અંગે શરમજનક નિવેદન બદલ પ્રસારણ માધ્યમોએ કરેલી ટીકાનો જવાબ

આસારામ બાપુએ દિલ્હીમાં દુષ્કર્મની ઘટના અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સામે ઉગ્ર વિરોધની પરવા કર્યા વિના આસારામે મંગળવારે વધુ ઉગ્ર ટિપ્પણી કરીને મીડિયાને નિશાન બનાવ્યું. આસારામે કહ્યું કે દુષ્કર્મની ઘટના મામલે તેમણે જે કંઈ કહ્યું તે યોગ્ય છે અને તેની ટીકા કરનારા બધા ‘ભસતા કૂતરા’ છે.

આસારામે પોતાની જાતને હાથી સાથે સરખાવીને કહ્યું કે તેઓ ‘ભસતા કૂતરાઓ’ને જવાબ નહીં આપે. તેમણે કહ્યું કે ૧૬ ડિસેમ્બરે દિલ્હીમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે તેમણે કરેલાં નિવેદનને મીડિયા અને તેમના ટીકાકારોએ ખોટી રીતે રજુ કર્યું છે.
આસારામે કહ્યું કે ‘સૌપ્રથમ એક કૂતરો ભસ્યો. પછી બીજો ભસ્યો અને પછી આસપાસમાં રહેલા બધા કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. હવે જો હાથી કૂતરાની પાછળ દોડે, તો તેમની(કૂતરા) કિંમત વધી જાય અને હાથીની કિંમત ઘટી જાય. તેમને જે કહેવું હોય તે કહે. મને પરવા નથી. હું હજી પણ કહું છું કે મારે શા માટે કૂતરાઓ પાછળ દોડવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે આસારામે સોમવારે કહ્યું હતું કે ૨૩ વર્ષીય પીડિતા પણ દુષ્કર્મીઓ જેટલી જ દોષિત છે. યુવતીએ દુષ્કર્મીઓને ભાઈ બનાવી લીધા હોત અને પગે પડીને કરગરી હોત તો આટલું અઘટિત થયું ન હોત. આસારામ મંગળવારે વિવાદ પર પડદો પાડવાના પ્રયાસરૂપે કહ્યું કે ‘મેં શું ખોટું કહ્યું છે. એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું કે મારી પત્ની મારી સાથે ઝઘડે છે. એટલે મેં તેને કહ્યું કે તાળી એક હાથે ન વાગે. તો તેમાં ખોટું શું છે.

હવે આ ટિપ્પણીને અન્ય ટિપ્પણી સાથે જોડી દેવામાં આવી.’ તેમણે પ્રશ્ન કર્યો કે ‘શું હાથી પ્રતિક્રિયા આપીને કૂતરાઓનું મહત્વ વધારે ખરા ?’. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીને ખોટી રીતે રજુ કરાઈ છે. જો સાચી રીતે રજુ કરાઈ હોત તો તેમના પ્રત્યે આદર વધ્યો હોત. તેમણે કહ્યું કે કોઈને નુકસાન પહોંચાડવાનો તેમનો ઈરાદો ન હતો.