સોનિયાએ વડાપ્રધાનના બે મંત્રીને હટાવ્યા : અડવાણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગ્રેસે ટિપ્પણીને નકારી, કહ્યું કે મનમોહન અને સોનિયાનો સંયુક્ત નિર્ણય

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે સોનિયાએ વડાપ્રધાનના બે મંત્રીઓને હટાવી દીધા છે. તેમનાં આ નિવેદનને કોંગ્રેસે ફગાવી દીધું છે અને કહ્યું છે કે બન્ને મંત્રીઓને હટાવવાનો નિર્ણય વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસ પ્રમુખનો સંયુક્ત નિર્ણય છે.

અડવાણીએ બ્લોગ પર લખ્યું કે ‘શું વડાપ્રધાને તેમના મંત્રીમંડળ વિશે નિર્ણય લેવાનો અધિકાર પણ ગુમાવી દીધો છે ? બન્ને મંત્રીઓને હટાવવા અંગે આજના સમાચારમાં સામાન્ય રીતે એ વાત પર ભાર મુકાઈ રહ્યો છે કે સોનિયાજી છે જેમણે પીએમના બે માણસોને હટાવી દીધા છે.’ અડવાણીએ આગળ લખ્યું છે કે ‘આત્મસન્માન હોય તો વડાપ્રધાને સમય કરતાં વહેલાં લોકસભા ચૂંટણીનો આદેશ આપી દેવો જોઈએ.’

આ અંગે કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે ‘મીડિયામાં આ સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ પ્રમુખના કહેવાથી બે મંત્રીઓને હટાવાયા. પણ તે સાચું નથી. હકીકત એ છે કે તે વડાપ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ બન્નેનો સંયુક્ત નિર્ણય હતો.’ કણૉટકમાં પરાજયથી આશ્ચર્ય નથી અડવાણીએ તેમના બ્લોગમાં લખ્યું છે કે કણૉટકમાં ભાજપના પરાજયથી તેમને દુ:ખ થયું છે. પણ આશ્ચર્ય નથી થયું.

ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે આ એક બોધપાઠ છે કે જનતાને હળવાશથી ન લેશો. તેમણે કહ્યું કે કણૉટકમાં ભ્રષ્ટાચારના મામલે ભાજપે સમયસર નિર્ણય લીધો હોત તો પરિણામ કંઈક જુદું જ હોત. તેમણે પ્રશ્ન કર્યો કે જો ભ્રષ્ટાચાર કણૉટકમાં આક્રોશ ભડકાવે છે તો દિલ્હીમાં આવી લાગણી કેમ જોવા નથી મળતી ? વાસ્તવમાં કણૉટકના પરિણામ પછી જ કોંગ્રેસે રેલ કૌભાંડ અને કોલસા કૌભાંડના કેસમાં નક્કર કાર્યવાહી કરી છે.