તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં આંદોલનો, વિરોધ આ બધું ચૂંટણીલક્ષી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં ફરી વાર આંદોલનોનો માહોલ ઊભો થઈ રહ્યો છે. જીએસટીના વિરોધમાં વેપારીઓ આંદોલન કરી રહ્યા છે, ખેત ઉત્પાદનોના યોગ્ય ભાવ માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને બે પરમેનન્ટ આંદોલનકારીઓ, એક સ્વયંભૂ અને બીજો સરકારી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર નવેસરથી આંદોલનોની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી ચાર મહિના જ દૂર રહી છે એટલે આવું તો થવાનું. આંદોલન કરનારાઓ અને તેને હવા દેનારાઓને ન્યાયની અપેક્ષાની સાથે જ રાજકીય અપેક્ષાઓ પણ છે જ. ચૂંટણી આવે ત્યારે પોતાની સાથે ઘણું લાવે છે. કાવાદાવા, અદાવત, બાંધછોડ, તડજોડ, લાલચ, ધાક, ધમકી, કપટ, કુનેહ, ખેલ, ખર્ચા, પૈસા, દારૂ, વચનો, જૂઠ, હડહડતું જૂઠ, ભાષણો, તક, તકસાધુઓ, જૂથબંધ, ભાંગફોડ, દગો, વિશ્વાસઘાત, ભાગલા, તડાં અને એવું ઘણુંય આવે છે ચૂંટણીની સાથે સાથે. રાજ્ય કે પ્રદેશની લગભગ દરેક ઘટના ચૂંટણી કેન્દ્રિત બની જાય છે. દરેક દુર્ઘટનામાંથી પણ પોલિટિકલ માઇલેજ લેવાના પ્રયત્નો થાય છે અને પોલિટિકલ માઇલેજ માટે દુર્ઘટનાઓ ઊભી કરવામાં આવે છે.
 
ગુજરાતમાં પણ આવું જ થઈ રહ્યું છે. હાર્દિક પટેલને હવે ફરીથી પાટીદાર આંદોલનને વેગવંતુ બનાવવું છે. અલ્પેશ ઠાકોર સાથે રેલી કર્યા પછી તેનો હરિરસ ખાટો થઈ ગયો છે અને કોંગ્રેસ મગનું નામ મરી નથી પાડતી તેનાથી મૂંઝવણ પણ છે. પાટીદારોમાં પણ તડાં તો પડ્યાં જ છે. પટેલોનો જે નેતાવર્ગ છે તે હાર્દિકની સાથે નથી. તે સત્તાની સાથે છે. નેતાઓ હંમેશાં સત્તાની સાથે જ હોય, જનતાની સાથે નહીં. સામાન્ય પટેલો હાર્દિકની સાથે છે. અને તેમને ખબર છે કે વિધાનસભાની ચૂંટણીમાં જે તક આવી રહી છે તે ચૂકી ગયા તો પછી બીજી તક છેક પાંચ વર્ષ પછી આવશે અને ત્યાં સુધીમાં તો કેટલુંયે નવું-જૂનું થઈ ગયું હશે, પણ પટેલો અને હાર્દિકની દુવિધા કહો કે કમનસીબી એ છે કે તેની સામે કોઈ મજબૂત વિકલ્પ નથી. કોંગ્રેસ પોતાના પગ પર કુહાડાઓ મારી રહી છે અને આમ આદમી પાર્ટી કે પછી ચૂંટણી માટે ઊભા થઈ રહેલા કોઈ નવા પક્ષ પર વિશ્વાસ કરવાની સ્થિતિમાં પાટીદારો નથી અને આ સ્થિતિ પર જ ભાજપ મુસ્તાક છે. ભાજપ પોતાની તાકાત પર નહીં, કોંગ્રેસની નબળાઈ પર જીતતો રહ્યો છે. અને વધુ એક વખત આ સ્થિતિનું પુનરાવર્તન કરવાની ભાજપની નેમ હોય એ સ્વાભાવિક છે. જો અત્યારની સ્થિતિ યથાવત્ રહે તો ભાજપને જીત મળવાની સંભાવના સૌથી વધુ છે.
 
હવે પછીના ચાર મહિના ગુજરાત માટે બહુ જ મહત્ત્વના રહેવાના છે. રાજકીય ગતિવિધિઓ તો તેજ થઈ જ જશે, આંદોલનો અને પરદા પાછળનાં છળકપટ પણ ચાલશે. વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી માટે પણ જીત અનિવાર્ય છે અને જીતુ વાઘાણી માટે પણ. રૂપાણી-વાઘાણીની જોડી અત્યારે તો ચાલી રહી છે, પણ ટિકિટોની વહેંચણી વખતે ખેંચતાણ થશે. ભલે એવું કહેવાતું હોય કે ભાજપમાં ટિકિટોનો નિર્ણય માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ લે છે, સ્થાનિક નેતાઓ માટે તો વાઘાણી-રૂપાણી જ આશરો છે. રૂપાણીનો માઇનસ પોઇન્ટ એ છે કે તેઓ અમિત શાહના માણસની છાપને હજી દૂર કરી શક્યા નથી અને વાઘાણીના ખાતામાં પાટીદારોને નહીં મનાવી શક્યાની ઉધાર બતાવે છે. જીતુ વાઘાણીનો પ્રાથમિક ગોલ જ પાટીદારોને ફરીથી ભાજપની સાથે લાવવાનો હતો. આમ તો ગોલ નહીં, તેમને સોંપવામાં આવેલી ટાસ્ક હતી. તેઓ પાટીદારોના રાજકીય અને વ્યાપારી નેતાઓ સિવાય કોઈને ભાજપ તરફ આકર્ષિત કરી શક્યા હોય એવું લાગતું નથી.
 
ભાજપ એક અન્ય વિશ્વાસ પર પણ મદાર રાખીને બેઠો હોય. અને એ હુકમનો એક્કો છે નરેન્દ્ર મોદી. તેમનાં થોડાં રોડ-શો અને ભાષણો થઈ જાય એટલે બાજી પલટાઈ જાય એવું અત્યાર સુધી બનતું આવ્યું છે, એટલે આ વખતે નહીં બનવાનું કોઈ કારણ ભાજપને ન દેખાય એ સ્વાભાવિક છે. કોંગ્રેસ અથવા અન્ય પક્ષો પાસે આવો કોઈ હુકમનો એક્કો નથી. હુકમનાં પત્તાં જ નથી તેમની પાસે, પણ જીએસટીના અમલ પછી વેપારીઓ, ખેતપેદાશોના ભાવ ન મળતા દુભાયેલા ખેડૂતો અને અન્યાય બોધથી પીડાતા પટેલો એવાં પરિબળો છે જે ગમે ત્યારે પરિણામો બદલી નાખી શકે. આ ત્રણેય ફેક્ટરને મેનેજ કરવા ભાજપ માટે જરૂરી છે. કોંગ્રેસ માટે માત્ર એક વસ્તુ મેનેજ કરવી જરૂરી છે, પોતાના નેતાઓ. શંકરસિંહ વાઘેલાએ પોત પ્રકાશ્યું છે. ભાજપ દરેક ચૂંટણીમાં એવા ઊંટ શોધી કાઢે છે, જેમનો ઉપયોગ ગઢનાં બારણાં તોડવામાં કરી શકાય. જૂના જમાનામાં ગઢનાં બારણાંમાં ખીલા રાખવામાં આવતા, જેથી હાથી માથું મારીને બારણાં તોડી શકે નહીં. તેના ઉપાય તરીકે બારણાં આડે ઊંટ ઊભાં રાખવામાં આવતાં, જેથી હાથીના માથામાં ખીલાથી ઇજા ન થાય અને બારણાં તૂટી જાય. ગત ચૂંટણીમાં કેશુભાઈ પટેલ નવો પક્ષ લઈને નીકળ્યા હતા. આખા ગુજરાતમાં ઢૂંઢિયો રાક્ષસ... ઢૂંઢિયો રાક્ષસ કહેતા ફરતા હતા. એ જ કેશુભાઈ ચૂંટણી પછી ભાજપના ખોળામાં બેસી ગયા ત્યારે ગુજરાતની પ્રજાને આખા નાટકનો ઉદ્દેશ સમજાયો હતો. કેટલાકને તો હજી નથી સમજાયો એ અલગ બાબત છે. ગુજરાતમાં કોંગ્રેસ હંમેશાં ભાજપને જીત તાસકમાં સજાવીને આપી દે છે. અને એમાં દિલ્હીના નહીં, ગુજરાતના જ નેતાઓનો હાથ હોય છે. હવે તો કોંગ્રેસના જ અમુક નેતાઓ બોલતા થઈ ગયા છે કે અમારા જ નેતાઓ હાર સુનિશ્ચિત કરે છે. એટલે કોંગ્રેસ પાસેથી પ્રજાને બહુ અપેક્ષાઓ ન હોય એ સ્વાભાવિક છે.
 
સામાન્ય પ્રજાએ હવે ચાર-પાંચ મહિના મફતમાં ભવાઈના ખેલ જોવાના છે. એમાં ક્યારેક અગવડ પણ વેઠવી પડશે અને ક્યારેક સામે ચાલીને સગવડો પણ આવશે. એટલે, વોચ ઇટ.
 
છેલ્લો ઘા : રાજકારણીઓ અને ડાઇપર્સમાં એક ચીજ કોમન છે, બંનેને રેગ્યુલરલી બદલતા રહેવા જોઈએ, સમાન કારણસર.
kana.bantva@dbcorp.in
અન્ય સમાચારો પણ છે...