શિવાની વિચિત્ર બોલિંગ એક્શનનો વિવાદઃ બેટ્સમેન રિવર્સ સ્વિપ કરી શકે, તો બોલર ફૂદરડી કેમ ન ફરી શકે?

નાયડુ ટ્રોફીમાં શિવાની એક્શને અમ્યાયરો તો ઠીક, MCCને ય ગોથાં ખવડાવી દીધા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 10:34 PM

મનન વાયા, અમદાવાદ: બોલિંગ એટલે પેસ યા સ્પિન. સ્પિનમાં પણ લેગસ્પિન કે ઓફસ્પિન અને રાઉન્ડ ધ વિકેટ કે ઓવર ધ વિકેટ. દોઢ સદીથી રૂઢ થયેલા ક્રિકેટના આ નિયમોમાં શનિવારે એક મહત્વની ઘટના બની હતી. કોલકાતા ખાતે બંગાળ અને ઉ.પ્ર.ની ટીમ વચ્ચે રમાઈ રહેલ અન્ડર 23 મેચના ત્રીજા દિવસે ઉ.પ્ર.ના ડાબોડી ઓફસ્પિનર શિવા સિંહે એક એવો બોલ નાંખ્યો કે હરીફ ટીમના બેટ્સમેન તો ઠીક, અમ્પાયર અને દર્શકો પણ સ્તબ્ધ થઈ ગયા. શિવાનો આ બોલ અમ્પાયરે તત્કાળ તો ડેડ બોલ જાહેર કર્યો છે, પરંતુ શિવાની એ બોલિંગ એક્શને સમગ્ર ક્રિકેટવર્લ્ડમાં ચર્ચાનો નવો માહોલ ઊભો કરી દીધો છે.

અનોખી ઘટના

બંગાળની ટીમની બીજી ઈનિંગ વખતે બેટ્સમેન બરાબર જામી ચૂક્યા હતા અને ઉ.પ્ર.ના બોલરોને મેદાનની દરેક દિશાએ ફટકારી રહ્યા હતા ત્યારે બોલિંગ કરવા ઉતરેલા 19 વર્ષિય શિવા સિંહે બહુ વિચિત્ર દાવ અજમાવ્યો. રાઉન્ડ ધ વિકેટ બોલિંગ માટે તેણે રાબેતા મુજબનું રન-અપ લીધું અને અમ્પાયરથી સહેજ આગળ ક્રિઝની લગોલગ પહોંચીને અચનાક એ ગોળ ફૂદરડી ફરી ગયો (જુઓ વીડિયો) અને એ પછી તેણે રાબેતા મુજબ સ્પિન બોલ ફેંક્યો. તેણે ફેંકેલો દડો તો બેટ્સમેન બરાબર રમી ગયો પણ ચોંકી ઊઠેલા અમ્પાયર વિનોદ સેશને તરત જ ડેડ બોલ જાહેર કરી દીધો. એ વખતે શિવા સિંહ સહિત તેની ટીમના ખેલાડીઓએ ઘણી દલીલો કરી પરંતુ મક્કમ રહેલા અમ્પાયરે કહી દીધું કે આવી રીતે બોલ ફેંકી શકાય નહિ અને શિવા આ એક્શન જારી રાખશે તો દરેક બોલને તેઓ ડેડ બોલ જાહેર કરશે.


મેચ પછી ચર્ચા જામી

મેચ બાદ શિવાએ માધ્યમો સમક્ષ દલીલો કરતાં કહ્યું હતું કે, ગત મહિને વિજય હઝારે ટ્રોફીની કેરળ સામેની મેચમાં પણ તે આ રીતે બોલિંગ કરી ચૂક્યો છે. ત્યારે અમ્પાયરે તેની એક્શનનો કોઈ વિરોધ કર્યો ન હતો. છેલ્લી ઘડીએ ફૂદરડી ફરીને બોલ ફેંકવા અંગે શિવાની દલીલ એવી છે કે બેટ્સમેન જો રિવર્સ સ્વિપ મારી શકે તો બોલર કેમ 360 ડિગ્રી ફૂદરડી ફરી ન શકે? જમણેરી બેટ્સમેન પણ ઘણી વાર બોલ ફેંકાય એ જ ઘડીએ ડાબોડી સ્ટાન લઈને બેટ ફટકારતા હોય છે. તો એ જ રીતે બોલર પણ કેમ ન કરી શકે? આવી તર્કસંગત દલીલો સાથે શિવાએ પોતાની એક્શનને યોગ્ય જાહેર કરવા માટે BCCI સમક્ષ માગણી કરી છે.


કરસન ઘાવરી: શિવાની એકશનમાં કોઈ વાંધો નથી

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કરસન ઘાવરીએ દિવ્ય ભાસ્કર સાથેની એક્સ્ક્લુઝિવ વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'આવી વિચિત્ર એક્શનથી બોલ ફેંકનારો શિવા કંઈ પહેલો નથી. અગાઉ સાઉથ આફ્રિકાનો પોલ એડમ્સ પણ લાંબા સમય સુધી પોતાની વિચિત્ર એક્શન સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો છે. અબ્દુલ કાદિરની બોલિંગ એક્શન પણ બેટ્સમેનને મૂંઝવનારી હતી. T20ના સમયમાં જો બેટ્સમેન તમામ પ્રકારે બોલને ફટકારી શકતા હોય તો બોલર્સને પણ એટલી છૂટછાટ મળવી જ જોઈએ એવું કહીને તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું હતું કે શિવાની એક્શનને માન્યતા મળવી જોઈએ.


શું છે ICCના નિયમો?

ICCના Law 21.1 મુજબ, બોલરે બોલિંગ કરતાં અગાઉ જ પોતે કેવા પ્રકારની અને કઈ બાજુથી બોલિંગ કરે છે તે અમ્પાયરને જણાવવું જરુરી છે. જોકે તે કઈ રીતે બોલ નાખશે એ વિશે નિયમોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ થયો નથી. આ કેસમાં શિવાએ પોતાની બોલિંગ એક્શન અંગે લેફટ આર્મ રાઉન્ડ ધ વિકેટ જણાવેલ જ હતું. એ રીતે શિવાની બોલિંગ યોગ્ય ગણાવી જોઈએ. પરંતુ નિયમ 41.4 અને 41.4.2ની જોગવાઈ એવી છે કે અમ્પાયરનો નિર્ણય પણ સાચો પડે છે. શું છે એ બંને નિયમો?

નિયમ 41.4

બેટ્સમેન જ્યારે બોલનો સામનો કરવા માટે એકાગ્ર થયેલો હોય ત્યારે જો કોઈ ફિલ્ડર બેટ્સમેનને વિચલિત કરવાનો પ્રયાસ કરે તો એ બોલને ડેડબોલ જાહેર કરી શકાય છે.


નિયમ 41.4.2

ક્રિકેટ નિયમોની વ્યાખ્યા મુજબ બોલર પણ ફિલ્ડર તો છે જ. આથી બોલરે કરેલી આવી ચેષ્ટા પણ બેટ્સમેનની એકાગ્રતા તોડનારી ગણાય. આવા સંજોગોમાં અમ્પાયર પોતાના સાથી અમ્પાયર સાથે વિમર્શ કરીને ડેડ બોલ જાહેર કરી શકે છે.

MCC ની ટિપ્પણી

ICCના નિયમોનું ક્રિકેટ રમતાં દુનિયાભરના દેશોમાં પાલન થાય તેની જવાબદારી સંભાળનાર લંડનની પ્રતિષ્ઠિત મેરલિબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)પણ આ વિવાદ પછી હરકતમાં આવી છે. MCCએ આ વિવાદ અંગે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, 'શિવા પોતાની ઓવરના તમામ 6 બોલ આવી રીતે ફૂદરડી ફરીને નાંખે તો એમાં કશું વાંધાજનક નથી. કારણ કે એ તેની બોલિંગ એક્શન ગણાશે. પરંતુ ઓવર દરમિયાન કોઈ એકાદ દડો તે 360 ફરીને નાંખે તો એ બેટ્સમેનની એકાગ્રતા તોડવાનો પ્રયાસ ગણાય. એવા સંજોગોમાં એ ડેડબોલ જ ગણાય.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App