અનામત: 31 મંત્રાલય, 287 યોજનાઓ, વાર્ષિક ખર્ચ 50 હજાર કરોડ, કોને ફાયદો ખબર નહીં ?

Reserves: 31 Ministry, 287 schemes, Annual expenditure 50 thousand crore

Divyabhaskar.com

Nov 11, 2018, 03:33 AM IST

નવી દિલ્હીઃ અનામતના ટેકામાં અને વિરોધમાં કોઈને કોઈ સંગઠન હાલમાં રસ્તા પર ઉતરી પડે છે. સરકાર પણ દર વર્ષે એસસી વર્ગ સંબંધિત યોજનાઓ પર સરેરાશ 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ન તો સરકાર પાસે કે ન તો આ મુદ્દા સાથે જોડાયેલી એજન્સીને ખ્યાલ છે કે, અનામત આપવાથી કે એસસી વર્ગની કોઈ યોજનાથી દલિતોને કેટલો ફાયદો થયો છે ? ભાસ્કરે આ જાણવા માટે સરકાર અને અનામતની માંગ કે વિરોધ કરી રહેલા સંગઠનોને બે સવાલ પૂછ્યા હતા.

1. કેટલા એસસી વર્ગના પરિવારને આ અનામતનો ફાયદો મળ્યો અને કેટલા વંચિત છે ?

2. એસસીની કલ્યાણકારી યોજનાઓનું તારણ શું ? ચોંકાવનારી વાત એ છે કે, સરકારને પણ ખ્યાલ નથી કે આ યોજનાથી ફાયદો થઈ રહ્યો છે કે કેમ ? જ્યારે આ મુદ્દો ઘણો ગંભીર છે.


1956માં પ્રથમવાર શિક્ષણ અને સરકારી નોકરીમાં એસસી અનામત લાગુ થયું ત્યારથી લઈ અત્યાર સુધી લગભગ એક ડઝન જેટલા મોટા આંદોલન થઈ ચૂક્યા છે. 180થી વધુ લોકોનાં મોત થયા છે. એસસી યોજનાઓ પર દર વર્ષે 50 હજાર કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. 31 મંત્રાલયોમાં 287 યોજનાઓ ચાલી રહી છે. છતાં તેની જાણકારી કોઈની પાસે નથી. ભાસ્કરે લગભગ 10 રાજકારણીઓ, 30 વર્તમાન અને નિવૃત્ત આઈએએસ, 10 સામાજીક અને રાજકીય સંગઠનો અને આંકડાકીય માહિતી મેળવતા તજજ્ઞો સાથે વાત કરી. હાલમાં કેન્દ્રમાં એસસી વર્ગના માત્ર બે કેબિનેટ મંત્રી છે. થાવરચંદ ગેહલોત અને રામવિલાસ પાસવાન. સમાજકલ્યાણ વિભાગના મંત્રી ગેહલોતે કહ્યું કે આ આંકડા મેળવવા અશક્ય છે. તેમના મંત્રાલય પાસે આવા કોઈ આંક નથી.


તારણ અંગે પણ તેમણે અજ્ઞાનતા દર્શાવી. જોકે, તેમના મંત્રાલયના અધિકારીઓ કહે છે કે એસસી વેલફેર સ્કીમ પર ઘણા મંત્રાલય રસ નથી દાખવી રહ્યા. રામવિલાસ પાસવાન પણ આ મુદ્દે કહે છે કે, દલિતને મળનારા અનામતમાં કોઈ પરિવર્તન નહીં કરાય. તેનાથી ફાયદો થયો છે નબળા અને આર્થિક રીતે નબળા સવર્ણ લોકોને પણ અનામતનો લાભ મળવો જોઈએ. અનામત વિરોધી કહે છે કે અનામતનો ફાયદો એસસી વર્ગના એક પરિવારના લોકો બેથી ત્રણ વાર લે છે. જ્યારે અન્ય ઘણા પરિવારો છે કે જેમને અનામતનો લાભ મળ્યો નથી. આ પરિસ્થિતિ બદલાવી જોઈએ.

ભાસ્કરે પૂછેલા બે સવાલ


સવાલ -1 : કેટલા એસસી વર્ગના પરિવારોને અનામતનો ફાયદો મળ્યો અને કેટલા વંચિત રહ્યા ?

સવાલ-2 : એસસીની કલ્યાણકારી યોજનાઓનો નિષ્કર્ષ શું ?


ચાર જવાબદાર લોકોના જવાબ
સરકાર : આ માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ છે.
દલિત સંગઠન : એવો કોઈ ડેટા નથી પરંતુ સમાજને ફાયદો થયો છે.
સવર્ણ સંગઠન : આંકડા નથી ખબર પણ દેશને નુકસાન થયું છે.
તજજ્ઞ : આંકડા અત્યારે નથી પણ વસ્તી ગણતરી સમયે ડેટા મેળવી શકાય.

(અહેલાલ-અમિતકુમાર નિરંજન)

X
Reserves: 31 Ministry, 287 schemes, Annual expenditure 50 thousand crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી