નવી દિલ્હીઃ દિલ્હી એસેમ્બલીના બજેટ સેશન પહેલાં કેબિનેટ મીટિંગને લઈને ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશે અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. જેમાં CSએ કહ્યું છે કે જો મુખ્યમંત્રી અધિકારીઓની સેફ્ટીનો વિશ્વાસ આપે તો અમે મંગળવારે થનારી મહત્વની મીટિંગમાં સામેલ થવા માટે તૈયાર છીએ. સાથે જ સુનિશ્ચિત કરે કે અધિકારીઓ પર કોઈપણ પ્રકારે શારીરિક કે મૌખિક હુમલ નહીં થાય. આપના ધારાસભ્યોએ 19 ફેબ્રુઆરીનાં રોજ મુખ્યમંત્રીના બંગલે થયેલી એક મીટિંગમાં CSની સાથે કથિત રીતે મારપીટ કરી હોવાના આરોપ છે. આ મામલે આપના બે ધારાસભ્યોની ધરપકડ પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી પણ ષડયંત્રનો હિસ્સો છેઃ IAS ફોરમ
આ પહેલાં IAS જોઈન્ટે ફોરમે સોમવારે કાળી પટ્ટી બાંધી ચીફ સેક્રેટરીની સાથે મારપીટનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ફોરમની મેમ્બર પૂજા જોશીએ કહ્યું હતું કે, "અમે એવું જ ઈચ્છીએ છીએ કે સીએમ આ મામલે લેખિતમાં માફી માંગે, પરંતુ સીએમ અને ડેપ્યુટી સીએમ ઈન્કાર કરી રહ્યાં છે. જેનાથી તે વાત સ્પષ્ટ થાય છે કે તેઓ પણ આ ષડયંત્રનો જ એક ભાગ છે."
CM હાઉસના ડ્રોઈંગ રૂમમાં થઈ હતી મીટિંગ
સોમવારે દિલ્હી પોલીસના એડિશનલ ડીસીપી હરેન્દ્ર સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, "જે મીટિંગમાં ચીફ સેક્રેટરીની સાથે મારપીટ થઈ, તે મુખ્યમંત્રીના બંગલાના કેમ્પ ઓફિસમાં નહીં પરંતુ ડ્રોઈંગ રૂમમાં થઈ હતી. તપાસ દરમિયાન સીએમ હાઉસમાંથી જપ્ત કરાયેલાં CCTVની સાથે છેડછાડ થઈ હતી, જેની ટાઈમિંગ અલગ હતી."
કેજરીવાલના ઘરેથી જપ્ત થયાં હતા 21 કેમેરા
આ પહેલાં પોલીસે અરવિંદ કેજરીવાલના ઘરે લગભગ 1 કલાક સુધી તપાસ અને પૂછપરછ કરી. ડીસીપી હરિંદર સિંહે જણાવ્યું કે, સીએમ હાઉસમાં 21 કેમેરા ઈન્સ્ટોલ છે, જેમાંથી 14 કામ કરે છે. જ્યાં ચીફ સેક્રેટરીની સાથે મારપીટની ઘટના થઈ હતી, ત્યાં કોઈ કેમેરો ઈન્સ્ટોલ નથી. અમે 21 CCTV કેમેરાની રેકોર્ડિંગ અને હાર્ડડિસ્ક જપ્ત કરી છે. તમામ કેમેરા 40 મિનિટ મોડેથી ચાલી રહ્યાં છે.
મારપીટ કેસમાં બે ધારાસભ્યોની ધરપકડ
આપ ધારાસભ્યો અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જારવાલ પર ચીફ સેક્રેટરીની સાથે મારપીટ કરવાનો આરોપ છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે, જેને કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે. ધારાસભ્યોએ જામીન માટે પિટીશન દાખલ કરી છે.
ચીફ સેક્રેટરીની સાથે મારપીટનો શું છે મામલો ?
CM અરવિંદ કેજરીવાલે 19 ફેબ્રુઆરીએ રાત્રે પોતાના બંગલા પર કેટલીક યોજનાઓ પર ચર્ચા માટે મીટિંગ બોલાવી હતી. જેમાં અંશુ પ્રકાશ પણ સામેલ થયાં હતા. CSનો આરોપ છે કે, "મીટિંગમાં તેમના પર આપની એક જાહેરાતને પાસ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓએ મનાઈ કરી તો બે ધારાસભ્યોએ તેમના ખભા પર હાથ મુકીને તેમને ત્યાં જ બેસાડી દીધાં હતા. બેઠક પરથી ઊભો થવાનો પ્રયાસ કર્યો તો ગાલ પર જોરથી માર માર્યો હતો. પીઠ પર પણ માર મારી ગાળો આપી હતી."
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.