- ભાજપ અને કોંગ્રેસે 656 સભાઓ કરી, નરેન્દ્ર મોદીએ 12 અને રાહુલ ગાંધીએ 9 સભાઓ કરી હતી
જયપુર: રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટ માટે અને તેલંગાણાની 119 સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. અલવર જિલ્લાના રામગઢ સીટ પર બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું નિધન થવાના કારણે આ સીટની ચૂંટણી પાછી ઠેલી દેવામાં આવી છે. સાંજે 5 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 72 ટકા અને બપોરે 3 વાગ્યા સુધી તેલંગાણામાં 56 ટકા મતદાન થયું છે.
મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજસ્થાનમાં ઘણાં ઈવીએમ મશીન બગડ્યા હોવાની પણ માહિતી મળી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડ જિલ્લાના ઝારલપાટનમાંથી મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસી નેતા સચિન પાયલટે જણાવ્યું છે કે, ચૂંટણી જીત્યા પછી તેઓ મુખ્યમંત્રી નક્કી કરશે.
રાજ્યમાં 1951થી અત્યાર સુધી 14 વખત ચૂંટણી થઈ છે. તેમાં ચાર વાર ભાજપ, એક વાર જનતા પાર્ટી અને 10 વાર કોંગ્રેસે સરકાર બનાવી છે. રાજસ્થાનમાં 1993થી અત્યાર સુધી દર વખતે સરકાર બદલાઈ હોવાનો રેકોર્ડ જોવા મળ્યો છે. આ વખતે પણ કોંગ્રેસ આ જ આશાથી ચૂંટણી લડી રહી છે. પરંતુ ભાજપનો દાવો છે કે, આ વખતે 25 વર્ષથી ચાલતી આ પરંપરા ટૂટશે.
15મી વિધાનસભા માટે રાજસ્થાનના 33 જિલ્લાના 51687 પોલિંગ બુથ પર 4.75 કરોડ મતદારો 2274 ઉમેદવારો માટે વોટિંગ કરશે. તેમાં 2.27 કરોડ મહિલાઓ સામેલ છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી કરાશે. તેલંગાણામાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે.
વોટિંગ કરવા કલાકો લાઈનમાં ઉભા રહ્યા નેતા
જયપુર બુથ પર મતદાન કરવા પહોંચેલા મુખ્ય સચિવ ડીબી ગુપ્તાને ઈવીએમમાં ખરાબી હોવાના કારણે 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જ્યારે બીકાનેરમાં વોટ નાખવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને ઈવીએમ ખરાબ હોવાના કારણે 3 કલાક લાઈનમાં ઉભા રહેવા પડ્યું. તેઓ 8 વાગ્યાના લાઈનમાં ઉભા હતા ત્યારે 11.30 વાગે મતદાન કરી શક્યા હતા.
ઈલેક્શન અપડેટ્સ
- તેલંગાણામાં સુપર સ્ટાપ અર્જુન અને નાગાર્જુને કર્યું મતદાન
- કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે કર્યું મતદાન
- 9 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 6 ટકા અને તેલંગાણામાં 9 ટકા મતદાન નોંધાયું
- સીએમ વસુંધરા રાજેએ કર્યું મતદાન
- કોંગ્રેસ નેતા સચિન પાયલટે મતદાન પછી કહ્યું- જીત પછી અમારા સીએમ ઉમેદવાર નક્કી કરાશે.
શરદ યાદવના નિવેદન પર રાજેએ આપ્યો જવાબ
વસુંધરા રાજેએ ઝાલરાપાટનથી મતદાન કર્યું છે. અહીં મહિલાઓ માટે સ્પેશિયલ પિંક બુથ બનાવવામાં આવ્યું છે. રાજેએ કહ્યું કે, શરદ યાદવના નિવેદનથી હું અપમાનિત અનુભવી રહી છું. ભવિષ્યમાં આવું ન થાય તે માટે ઈલેક્શન કમિશને આવા નિવેદનોને ધ્યાનમાં લેવા જોઈએ. નોંધનીય છે કે, શરદ યાદવે બુધવારે રાજસ્થાન મુલાકાત દરમિયાન મંડાવરની સભામાં કહ્યું હતું કે, વસુંધરાજીને આરામ આપવો જોઈએ. તે ઘણી થાકી ગઈ છે. હવે બહુ જાડા પણ થઈ ગયા છે. પહેલાં તો પતલા હતાં.
ગઈ વખતે 58 તો આ વખતે 88 પાર્ટીઓ મેદાનમાં
રાજસ્થાનમાં આ વખતે 88 પાર્ટીઓ મેદાનમાં છે. 2013માં ચૂંટણીમાં 58 પાર્ટીઓએ ભાગ લીધો હતો. ભાજપે 200, કોંગ્રેસે 195 અને બસપાએ 190 સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 30 જિલ્લામાં તેમના ઉમેદવારો ઉતાર્યા છે. નવી પાર્ટીઓમાં જન અધિકારી, હિન્દી કોંગ્રેસ, જનતાવાદી કોંગ્રેસ, ભારતીય પબ્લિક લેબર, અંજુમન અને આરક્ષણ વિરોધી સામેલ છે.
વડાપ્રધાને ટ્વિટ કરી મતદારોને મતદાન કરવા કરી અપીલ
राजस्थान में आज मतदान का दिन है। राज्य के सभी मतदाताओं से मेरा आग्रह है कि वे पूरे उत्साह के साथ लोकतंत्र के महापर्व में अवश्य भाग लें और भारी संख्या में मतदान करें।
— Narendra Modi (@narendramodi) December 7, 2018