• Gujarati News
  • National
  • SC Hear Petitions Challenging The Validity Of Article 35A Separatist Announced Closure Of J&K

સુપ્રીમ કોર્ટમાં આજે કલમ 35A પર સુનાવણી, ભાગલાવાદીઓએ આપ્યુ કાશ્મીર બંધનું એલાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓ દ્વારા રાખવામાં આવેલા બંધ દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં કલમ 35Aને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે મોટી બેન્ચ વિશે અરજી કરનારને સવાલ પૂછ્યા હતા. ત્યારપછી 27 ઓગસ્ટની તારીખ આપવામાં આવી છે. આ કેસની સુનાવણી હવે 27 ઓગસ્ટે કરવામાં આવશે. આગામી સુનાવણીમાં જ નક્કી કરવામાં આવશે કે આ કેસની સુનાવણી બંધારણીય બેન્ચ કરશે કે નહીં. નોંધનીય છે કે, આ સુનાવણીના કારણે જ ભાગલાવાદી નેતાઓ દ્વારા બે દિવસના બંધની જાહેરાત કરવામાં આવી હતી. આજે તેનો બીજો દિવસ છે. 

 

બંધારણીય બેન્ચને સોંપવામાં આવશે આ કેસ?

- સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજી કરનારને પૂછ્યું કે, શું આ કેસ બંધારણીય બેન્ચને સોંપવો જોઈએ કે નહીં. તેમણે કહ્યું કે, આપણે તે નક્કી કરવું પડશે કે, આ કેસ 5 જજની બેન્ચ પાસે મોકલવો કે નહીં. તેને બે સપ્તાહ પછી નક્કી કરવામાં આવશે. ત્યારપછી 3 જજની કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવશે.

- નોંધનીય છે કે, બંધારણ બેન્ચની ભલામણ માટે 3 જજ જોઈએ. પરંતુ અત્યારે બે જ જજ છે. જસ્ટિસ ચંદ્રચૂડ હાલ રજા ઉપર છે. તેથી આ નિર્ણય લઈ શકાય તેમ નથી. સુનાવણી દરમિયાન નેશનલ કોન્ફરન્સે કહ્યું કે, અત્યારે રાજ્યમાં કોઈ સરકાર પણ નથી. હવે આ કેસની આગામી સુનાવણી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં કરાશે.

- રાજ્ય સરકાર તરફથી ASG તુષાર મહેતા કોર્ટમાં વકીલાત કરી રહ્યાં છે. તેમણે રાજ્યમાં પંચાયત ચૂંટણીની વાત કરીને થોડો સમય માંગ્યો છે.

 

 

નેશનલ કોન્ફરન્સ, પીડીપી, માકપા, કોંગ્રેસ સહિત ઘણી રાજકીય પાર્ટી અને ભાગલાવાદીઓએ સુનાવણી વિરુદ્ધ બંધને સમર્થન આપ્યું છે. તે લોકો આ સુનાવણી અટકે તેવુ ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર રાજ્ય પ્રશાસને રાજ્યમાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હોવાથી આ સુનાવણી સ્થગિત કરવાની અપીલ કરી છે. 

 

સુનાવણી સ્થગિત ન થવી જોઈએ- એનજીઓએ કરી હતી માંગ


આરએસએસ સાથે જોડાયેલા રાજ્યની એનજીઓ 'વી ધ સિટીઝને' કલમ 35A વિરુદ્ધ સુનાવણી બંધારણીય બેન્ચમાં થાય તેવી માંગણી કરી હતી. સંસ્થાએ સુનાવણી સ્થગિત ન થાય તેવી માંગ કરી હતી. આ જ સંગઠન દ્વારા કરવામાં આવેલી અપીલના આધારે સુનાવણી કરવામાં આવી. 

 

અમરનાથ યાત્રા રોકવામાં આવી


ભાગલાવાદી નેતાઓ દ્વારા રવિવારથી બે દિવસના બંધની જાહેરાત કરી છે. કાશ્મીર ખીણના રામબન, ડોડા અને કિશ્તવાડા જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી. પ્રશાસન દ્વારા અમરનાથ યાત્રીઓને ભગવતી બેસ કેમ્પમાં રોકી રાખ્યા છે. જમ્મુ-કાશ્મીર હાઈવે પર સ્પેશિયલ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. જોકે બાલટાલ અને પહલગામમાં આવેલા કેમ્પમાં રોકાયેલા શ્રદ્ધાળુઓ દર્શ માટે અમરનાથ ગુફા તરફ જઈ શકે છે. 28 જૂનથી અત્યાર સુધી 2.71 લાખ શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન કરી ચૂક્યા છે. અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે પૂરી થાય છે. 

અન્ય સમાચારો પણ છે...