- યુપીમાં કોંગ્રેસની નજર 2019ની લોકસભા ચૂંટણી નહીં પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી પર
- પ્રિયંકા 2022માં યુપીના સીએમ ઉમેદવાર બને તેવી રાજકીય નિષ્ણાતોની ધારણાં
નેશનલ ડેસ્ક: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં રોડ શો કરીને રાજકારણમાં એન્ટ્રી લીધી છે. સોમવારે લખનઉના રસ્તાઓ પર રોડ શો કરનાર પ્રિયંકા ગાંધીનું હવે આગામી પગલું શું હશે તે વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમુક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીની કોઈ સીટથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે જ્યારે અમુક લોકોનું માનવું છે કે, 2022માં યુપીમાં થનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી સીએમ ઉમેદવાર પણ બની શકે છે.
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશના લખનઉમાં મેગા રોડ શો કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા-નેતા અને સ્થાનીય જનતામાં જોશ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી થોડા મહિનાઓમાં જ થવાની છે અને વિધાનસભાની ચૂંટણી 2022માં થવાની છે. પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રીથી યુપી સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ નેતાઓ-કાર્યકર્તાઓનો ઉત્સાહ વધી ગયો છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રીતે રજૂ કરી રહી છે.
યુપીમાં પ્રિયંકા કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર
યુપીમાં કોંગ્રેસની નજર 2022ની વિધાનસભા ચૂંટણી પર
ઘણાં રાજકીય એક્સપર્ટનું માનવું છે કે, પ્રિયંકા ગાંધી લખનઉ, વારાણસી અથવા પૂર્વ યુપીની જ કોઈ સીટથી જ ચૂંટણી લડે તેવી શક્યતા છે. જોકે લોકસભા ચૂંટણીમાં હવે ખૂબ ઓછો સમય બાકી છે. તેથી આગામી એક-બે મહિનામાં પ્રિયંકા ગાંધી કઈંક ખાસ કરી શકશે તે વિશે શંકા છે.
આજ કારણથી રાજકીય પંડિતોનું માનવું છે કે, પ્રિયંકા ગાંધીને લાંબા ગાળાનું રાજકારણ ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે કે કોંગ્રેસની નજર 2019 નહીં પરંતુ વિધાનસભાની 2022ની ચૂંટણી પર છે. ઘણાં લોકોનું માનવું છે કે, 2022 માટે અત્યારથી જ યુપીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવામાં આવ્યા છે અને તેથી જ તેઓ 2022માં યુપીના સીએમ ઉમેદવાર બને તેની પણ ધારણાં રખાય છે.