લોકસભા ચૂંટણી / બીજો તબક્કો: ભાજપે 23% ટિકિટ ઉદ્યોગપતિઓને અને કોંગ્રેસે 15% ટિકિટ નેતાઓના સંબંધીઓને આપી

bjp gave 23 pc tickets to industrialists and congress gave 15 pc to leaders relatives lok sabha election 2019
bjp gave 23 pc tickets to industrialists and congress gave 15 pc to leaders relatives lok sabha election 2019

  • 18 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન, 13 રાજ્યોની 97 સીટ માટે મતદાન 
  • ભાજપે સૌથી વધારે 12 એવા નેતાઓને ટિકિટ આપી છે જે વેપાર-ઉદ્યોગ કરે છે
  • કોંગ્રેસ અને દ્રમુકએ 7-7 ટિકિટ નેતાઓના સંબંધીઓને આપી છે

divyabhaskar.com

Apr 17, 2019, 03:24 PM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે થવાનું છે. તેમાં 13 રાજ્યોની 97 સીટ પર મતદાન થવાનું છે. ભાસ્કર પ્લસ એપ દ્વારા આ 97 સીટોના 102 મુખ્ય ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે 43 ઉમેદવાર એવા છે જેઓ વેપારી અને ઉદ્યોગપતિ છે. 29 એવા ઉમેદવાર છે જેમને પરિવારના કારણે ટિકિટ મળી છે. બીજા તબક્કામાં ભાજપ 51 અને કોંગ્રેસ 46 સીટ પરથી ચૂંટણી લડી રહી છે. તેમાં ભાજપે 12 સીટ પર ઉદ્યોગપતિ અને કોંગ્રેસે 7 સીટ પર પરિવારવાદને મહત્વ આપ્યું છે.

બીજા તબક્કામાં સૌથી વધારે કર્ણાટક-તમિલનાડુની 53 સીટ પર વોટિંગ: 18 એપ્રિલે કર્ણાટકની 14, તમિલનાડુની 39, મહારાષ્ટ્રની 10, ઉત્તર પ્રદેશની 8, આસામની 5, બિહારની 5, ઓરિસ્સાની 5, પશ્ચિમ બંગાળની 3, છત્તીસગઢની 3, જમ્મુ-કાશ્મીરની 2, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને પોંડિચેરીની 1 સીટ પર મતદાન થશે.

પ્રીતમ મુંડેને ફરી વખત ટિકિટ મળી: ભાજપે ઓરિસ્સાના બોલાંગીર સીટથી ત્યાના પૂર્વ મહારાજા અને ભાજપના નેતા કનકવર્ધન સિંહની પત્ની સંગીતા કુમારી સિંહને ટિકિટ આપી છે. જ્યારે 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રામકૃષ્ણા પટનાયકની દીકરી અનીતા શુભદર્શીનીને કંધમાલથી ઉમેદવાર બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રની બીડ સીટથી ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની દીકરી પ્રીતમ મુંડે ફરી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે બિહારની પૂર્ણિયા સીટ પરથી અહીંથી બે વાર સાંસદ રહી ચૂકેલા માધુરી સિંહના દીકરા ઉદય સિંહને ફરી ટિકિટ આપી છે. કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણથી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ અને તમિલનાડુની શિવગંગા સીટથી પૂર્વ નાણા પ્રધાન પી. ચિંદબરમના દીકરા કાર્તિને ટિકિટ આપવામાં આવી છે.

કર્ણાટકમાં પૂર્વ વડાપ્રધાન અને તેમના બે પૌત્ર મેદાનમાં: બીજા તબક્કામાં કર્ણાટકની 14 સીટો પર મતદાન થવાનું છે. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વચ્ચે ટક્કર છે. આ 14 સીટોમાંથી ભાજપે 3 સીટો પર ઉદ્યોગપતિઓને ટિકિટ આપી છે. જ્યારે માંડ્યા સીટ પર અભિનેત્રી એ. સુમાલતા અપક્ષમાંથી લડી રહ્યા છે પરંતુ તેમણે ભાજપને સમર્થન આપ્યું છે. એ. સુમાલતાના પતિ અંબરીશ પણ કન્નડ એક્ટર છે. તેઓ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહ્યા છે. એચડી દેવગૌડા અહીં તુમકુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ત્યાંથી તેમના પૌત્ર પ્રજ્જ્વલ રેવેન્ના હાસનથી અને નિખિલ ગૌડા માંડ્યાથી ઉમેદવાર છે.

બીજા તબક્કાની સીટો પર કેવી રીતે વહેંચાઈ ટિકિટ

મુખ્ય પાર્ટી પરિવારવાદ ઉદ્યોગપતિ-વેપારી ખેડૂત
ભાજપ 4 12 5
કોંગ્રેસ 7 7 10
અન્નાદ્રમુક 4 4 1
દ્રમુક 7 7 3
જેડીયુ 0 0 3
શિવસેના 0 4 1
બસપા 0 2 1
એનસીપી 1 2 0
બીજેડી 2 0 2
અન્ય 4 5 4
કુલ 29 43 30

તમિલનાડુમાં ડેપ્યુટી સીએમના પુત્ર ચૂંટણી લડી રહ્યાં છેઃ તમિલનાડુમાં પણ નાયબ મુખ્યમંત્રી અને અન્નાદ્રમુકના સંયોજક ઓ. પનીરસેલ્વમના પુત્ર રવીન્દ્રનાથ કુમાર, થેની સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે તિરુનેલવેલી સીટ પરથી અન્નાદ્રમુકના તમિલનાડુ વિધાનસભાના પૂર્વ સ્પીકર અને લોકસભા સાંસદ પીએચ પાંડિયના પુત્ર પોલ મનોજ પાંડિયનને ટિકિટ આપવામાં આવી છે. તુતુકડી સીટ પરથી દ્રમુખના કરુણાનિધિના પુત્રી કનિમોઝી ઉમેદવાર છે. તમિલનાડુમાં અન્નાદ્રમુક 22 અને દ્રમુક 23 સીટ પર ચૂંટણી લડે છે. જેમાં અન્નાદ્રમુક અને દ્રમુકે 4-4 સીટ પર પરિવારને મહત્વ આપ્યું છે.

ભાજપે આસામની મંગલદોઈ સીટ પરથી બિઝનેસમેન દિલીપ સૈકિયા અને નૌગાંવથી રૂપક શર્માને ટિકિટ આપી છે. કર્ણાટકની ચિત્રદુર્ગા સીટથી ઉદ્યોગપતિ એ. નારાયણ સ્વામી અને ચામરાજનગરથી બિઝનેસમેન શ્રીનિવાસ પ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત કર્ણાટકના બેંગલોર મધ્ય, મહારાષ્ટ્રના અકોલ અને લાતુર, ઉત્તરપ્રદેશના બુલંદશહર, અલીગઢ અને ફતેહપુર સીકરી સીટ પરથી ઉદ્યોગપતિ-વેપારીઓને ટિકિટ આપવામાં આવી છે. તો કોંગ્રેસે આસામની કરીમગંજ, બિહારની કિશનગંજ, ઉત્તરપ્રદેશની મથુરા, કર્ણાટકના બેંગોલર મધ્ય, મહારાષ્ટ્રના નાંદેડ, લાતુર અને તમિલનાડુની કન્યાકુમારી સીટ પરથી ઉદ્યોગપતિ-વેપારીઓને ઉમેદવાર બનાવ્યાં છે.

4 રાજ્યોની 24 સીટ પર 13 ઉદ્યોગપતિ ઉમેદવાર: બીજા તબક્કામાં ચાર રાજ્ય આસામ, બિહાર, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની 24 સીટ પર વોટિંગ થશે. જેમાં ભાજપે 7 અને કોંગ્રેસ 6 બેઠક પર એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જે ઉદ્યોગપતિ છે. આ સાથે જ ઉત્તરપ્રદેશની 8 સીટ પર વોટિંગ થશે, જેમાંથી 4 બેઠક પર ભાજપે અને બે સીટ પર બસપાએ ઉદ્યોગપતિ ઉમેદવાર જાહેર કર્યા છે. આ 5 રાજ્યોની 32 સીટમાંથી માત્ર 5 સીટ પર પરિવારવાદને મહત્વ આપવામાં આવ્યું છે.

X
bjp gave 23 pc tickets to industrialists and congress gave 15 pc to leaders relatives lok sabha election 2019
bjp gave 23 pc tickets to industrialists and congress gave 15 pc to leaders relatives lok sabha election 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી