Home » National News » Latest News » National » G D Agrawal dies after 111 day fast

પ્રો. જી. ડી. અગ્રવાલઃ ગંગાશુદ્ધિ માટે 111 દિવસના ઉપવાસ પછી શહીદ થનાર કર્મશીલને ગંગાજળ પણ ન મળ્યું

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:26 PM

ગંગાના શુદ્ધિકરણ માટે 111 દિવસથી ઉપવાસ પર બેઠેલા પ્રો. જી. ડી. અગ્રવાલનો જીવ જતો રહ્યો અને મોદી સરકારે જવાબ પણ ન આપ્યો

 • G D Agrawal dies after 111 day fast
  લગભગ ચાર મહિનાથી ઉપવાસ પર બેઠેલા પ્રો. જી. ડી. અગ્રવાલને સરકારના આદેશથી પોલીસ આ રીતે ઊંચકીને લઈ ગયેલી

  નામઃ જી. ડી. અગ્રવાલ. ઉંમરઃ 86 વર્ષ. આ માણસ ગઈકાલે ગુજરી ગયો. કઈ રીતે? એ છેલ્લા 111 દિવસથી ઉપવાસ પર હતા. રિપીટ, 111 દિવસથી. યાને કે ઓલમોસ્ટ 4 મહિનાથી. પહેલા નોરતાથી એટલે કે છેલ્લા બે દિવસથી એમણે પાણી પીવાનું પણ બંધ કરી દીધેલું. કારણ? એમની માગ હતી કે ગંગોત્રીથી ઉત્તરકાશીની વચ્ચે ગંગા નદી નિર્વિઘ્ને વહેતી રહે, તેમાં થતું ગેરકાયદે ખોદકામ અને પ્રદૂષણ બંધ થાય.

  આપણે ત્યાં રાજકીય સ્ટન્ટ કરતા, ‘આમરણ ઉપવાસ’ના નામે ફોટો ઑપોર્ચ્યુનિટીવાળો તાયફો ઊભો કરતા અને પછી રાજ્યમાં અશાંતિનો માહોલ સર્જીને પોતાની માગ મનાવવા માટે આર્મ ટ્વિસ્ટિંગ કરતાં તત્ત્વો મીડિયામાં છવાયેલા રહે છે. તેની પળેપળનું ડિટેઈલમાં રિપોર્ટિંગ થાય છે.

  પરંતુ જી. ડી. અગ્રવાલ ઉર્ફ સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ એ પોલિટિકલ અજેન્ડાથી ઉપવાસ પર નહોતા બેઠા. એમના ‘આમરણ ઉપવાસ’ ગિમિક-ફોટો ઓપ નહોતા. એ માણસ ખરેખર ગંગા નદી પ્રત્યેની ચિંતાથી જીવ દાવ પર લગાવીને બેઠો હતો. અને સરકારની ઘોર ઉદાસીનતા અને નિર્લજ્જ નિષ્ઠુરતાએ એક નિઃસ્વાર્થ કર્મશીલનો ભોગ લીધો.

  જી. ડી. અગ્રવાલઃ ટેક્નોક્રેટ ટર્ન્ડ પર્યાવરણપ્રેમી સાધુ

  ના, જી. ડી. અગ્રવાલ કોઈ હમ ભી ડિચ ટાઈપના ભગવાધારી નહોતા, બલકે IIT, રૂરકી અને યુનિ. ઑફ કેલિફોર્નિયાના પાસઆઉટ હતા, IIT, કાનપુરના પ્રોફેસર-HOD હતા ને ઇન્દિરા ગાંધી સરકાર વખતે ‘સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’માં પણ ઊંચા હોદ્દે રહી ચૂક્યા હતા. પર્યાવરણને બચાવવાની લગન એમના લોહીમાં વસેલી હતી. આ માટે નક્કર કામ કરવા માટે એમણે તગડો પગાર આપતી પાવરફુલ નોકરી પણ સ્વેચ્છાએ છોડી દીધેલી. પરંતુ સંસારમાં એમનો મોહભંગ થઈ ગયો અને એમણે 2011માં સંન્યાસ લઈ લીધો. આ સાથે જ તેઓ જી. ડી. અગ્રવાલમાંથી સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ બની ગયા.

  અગાઉ 2008થી તેઓ ગંગા નદી માટે ઉપવાસનું ગાંધીચીંધ્યું શસ્ત્ર ઉગામતા રહ્યા હતા. 2010માં UPAની સરકાર વખતે એમણે ભાગીરથી નદી પર આકાર લઈ રહેલા 600 મૅગાવૉટના ‘લોહારી નાગપાલા પ્રોજેક્ટ’ની વિરુદ્ધમાં ઉપવાસ આંદોલન છેડેલું. ત્યારે 38 દિવસના ઉપવાસને અંતે સરકાર ઝૂકેલી અને તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે તે પ્રોજેક્ટ બંધ કરવાનો આદેશ કરેલો. હા, 2012માં એમને સરકારે ઠાલું આશ્વાસન આપીને ઉપવાસ તોડાવી નાખ્યાનો કડવો અનુભવ થયેલો.

  ગંગામૈયાના નામે આવેલી મોદી સરકારે કશું જ ન કર્યું

  આ વખતે પ્રો. જી. ડી. અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્રો લખેલા. પહેલો પત્ર એમણે 24 ફેબ્રુઆરી, 2018ના રોજ લખેલો, જેમાં એમણે નરેન્દ્ર મોદીને પોતાના ગંગા મૈયા માટે કામ કરવાના વાયદાની યાદ અપાવેલી. પરંતુ તે પત્રનો કોઈ જવાબ ન આવ્યો. એટલે જી. ડી. અગ્રવાલે બીજો એક પત્ર લખીને પ્રધાનમંત્રીને પોતાની માગ ફરીથી યાદ અપાવી. પ્રો. અગ્રવાલની મુખ્ય ચાર માગ હતીઃ 1. રિટાયર્ડ જસ્ટિસ ગિરિધર માલવીયએ સૂચવેલો કેન્દ્ર સરકાર ‘ગંગા પ્રોટેક્શન એક્ટ’ તાત્કાલિક લાગુ કરવામાં આવે, 2. ગંગા પર બની રહેલી અને સૂચિત એવી તમામ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી યોજનાઓને અટકાવી દેવામાં આવે, 3. ગંગાના પટમાં ચાલતી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાદવામાં આવે અને 4. ગંગા નદી સંબંધિત મુદ્દાઓ પર સતત દેખરેખ રાખવા માટે એક ‘ગંગા ભક્ત પરિષદ’ બનાવવામાં આવે.

  પોતાને ગંગામૈયાના પુત્ર કહેનારા અને ‘ગંગામૈયા ને બુલાયા હૈ’ એવું કહીને સત્તા પર આવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી આ વખતે પણ કોઈ પ્રત્યુત્તર ન આવ્યો. આખરે કંટાળીને પ્રો. અગ્રવાલ હરિદ્વારના માતૃસદન આશ્રમમાં 22 જૂનના દિવસથી આમરણ ઉપવાસ પર બેસી ગયા. સરકાર તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન આવતાં 5 ઑગસ્ટે એમણે ફરી પાછો એક પત્ર લખીને યાદ અપાવી હતી. તે પત્રનો જવાબ તો ન આવ્યો, પણ એમને મનાવવા માટે નીતિન ગડકરી અને ગંગાના પુનરુદ્ધાર માટે મોદી સરકારે બનાવેલા મંત્રાલયનાં મંત્રી એવાં ઉમા ભારતી આંટો મારી ગયેલાં. પરંતુ નક્કર વાતને બદલે ઠાલાં આશ્વાસનો સિવાય એમની પાસે કશું જ નહોતું. પ્રો. અગ્રવાલ પણ સરકારી લુચ્ચાઈ ચલાવી લેવા માગતા નહોતા, એટલે એમણે નમતું જોખ્યું નહીં.

  એમની બગડતી હાલત જોઈને સરકારે હરિદ્વારમાં 144મી કલમ લાગુ પાડી દીધેલી અને એમને ખુરસી સહિત ઊંચકીને AIIMS, ઋષિકેશ લઈ જવાયા હતા. આ મુદ્દે એમણે છેલ્લો એક પત્ર પણ પ્રધાનમંત્રીને નામ લખેલો, જેના થોડા કલાકો બાદ જ કાર્ડિયાક અરેસ્ટને કારણે પ્રો. અગ્રવાલનું નિધન થઈ ગયું.

  ***

  મોત, મીડિયા અને મોકાપરસ્તી

  હવે અપેક્ષા મુજબ જ પ્રો. જી. ડી. અગ્રવાલના મોત પર રાજકારણ શરૂ થઈ ગયું છે અને સરકાર પણ સફાઈ આપવામાં લાગી ગઈ છે. રોષમિશ્રિત દુઃખ એ વાતનું થાય કે એક માણસ સમૂળગો મરી જાય અને કોઈ એની નોંધ ન લે. હા, પાછલા નવ મહિનામાં એક પણ વખત ઉત્તર ન પાઠવનારા આપણા પ્રધાનમંત્રીએ પ્રો. અગ્રવાલના નિધનના થોડા કલાકમાં જ શ્રદ્ધાંજલિવાળી ટ્વીટ કરી દીધી. નેશનલ મીડિયા પણ TRP અને અજેન્ડા બેઝ્ડ ફાલતુ ઈશ્યૂઝમાં એ હદે ગરકાવ થઈ ગયું છે કે એક માણસ લિટરલી કશા પર્સનલ સ્વાર્થ વગર માથે ખાપણ બાંધીને બેઠો હોય અને કોઈ નોંધ સુદ્ધાં ન લે! ગુજરાતમાં હજુ થોડા સમય પહેલાં જ હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠેલો, ભૂખ સહન ન થઈ ને હોસ્પિટલ ભેગો થઈ ગયો, તોય મીડિયા એ રીતે રિપોર્ટિંગ કરતું’તું જાણે હમણાં એનો દેહ પડી જશે!

  આ બાજુ વારાણસીથી જ (બેવડી સીટ્સ પર) ચૂંટાયેલા આપણા પ્રધાનમંત્રી ‘નર્મદામૈયા’ની દુહાઈઓ દે, આરતીઓ કરીને ફોટા પડાવે, ચાર વર્ષ પહેલાં 20 હજાર કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવે અને પરિણામ? શૂન્ય, ઝીરો, સિફર. ખુદ ‘કૅગ’ પણ નર્મદાનાં ફંડ્સ વણવપરાયેલાં પડ્યાં છે એ મુદ્દે સરકારનું નાક કાપી ચૂક્યા છે. પર્યાવરણ મેગેઝિન ‘ડાઉન ટુ અર્થ’ના કહેવા પ્રમાણે અરુણ જેટલીએ 2018ના બજેટ વખતે સંસદમાં પણ ‘નમામિ ગંગે’ હેઠળ પૂરા થયેલા પ્રોજેક્ટ્સ વિશે ખોટી માહિતી આપી હતી. ગંગા નદીના વિસ્તારમાં રહેલાં ભારતનાં શહેરો વિશ્વના ટોટલ પ્રદૂષણનો 10% હિસ્સો પૂરો પાડે છે. કડવું સત્ય એ છે કે ગંગાને ગટરની જેમ ટ્રીટ કરવામાં આવી રહી છે ને કોઈનું રૂંવાડુંય ફરકતું નથી.

  આજે એક જી. ડી. અગ્રવાલ મર્યા છે, મીડિયામાં નાનકડી નોંધ આવી ગઈ છે, હવે કાલથી વધુ ફાલતુ સમાચારો વચ્ચે આ ન્યૂઝ અને ગંગા નદીને શુદ્ધ કરવાનો મુદ્દો ક્યાંય દબાઈ જશે. બાય ધ વે, 2011માં અન્ય એક સ્વામી નિગમાનંદ સરસ્વતી આ જ મુદ્દે આમરણ ઉપવાસ પર ઊતરેલા અને 115 દિવસના ઉપવાસને અંતે એમનો દેહ પડી ગયેલો. ત્યારે એમની ઉંમર માત્ર 34 વર્ષ હતી! એ તો કોઈને ખબર પણ નહીં હોય.

  એટલે એટલિસ્ટ આ જન્મારે તો ગંગા નદીને નિર્મળ જોવાની કે કરી બતાવે એવો ખરેખરો 56 ઈંચની છાતીવાળો કોઈ નેતા આવે એવી આશા દેખાતી નથી. કેમ કે, માત્ર વાતોથી તો ગંગા સાફ થવાની નથી. અને આ તો માત્ર ગંગાની જ વાત થાય છે, યમુનાથી લઈને સાબરમતી વિશે તો કોઈ હરફ સુદ્ધાં ઉચ્ચારતું નથી). આવા હૈયાફૂટ્યાઓ જીવ આપી દેશે ને કોઈને કશો ફરક પણ નહીં પડે.

  અને હા, જીવ આપી દેવાની તૈયારી ન હોય તો એવા ઉપવાસના પબ્લિસિટી સ્ટંટને ‘આમરણ ઉપવાસ’નું નામ ન આપો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending