નવી દિલ્હી: ભીમા કોરેગાંવ હિંસા કેસમાં જોડાયેલા 5 ડાબેરી વિચારકોને આગામી સોમવાર સુધી નજરબંધ જ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે બુધવારે સુનાવણી થવાની હતી પરંતુ તે ટાળી દેવામાં આવી છે. હવે આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.
સીનિયર વકીલ આનંદ ગ્રોવરના જણાવ્યા પ્રમાણે ધરપકડ થયેલા સુરેન્દ્ર ગડલિંગ તેમનો પક્ષ મુકવા માગે છે. તેમની પાસે 25 વર્ષનો અનુભવ પણ છે. પંરતુ તેમને મંજૂરી આપવામાં આવી નથી. આ પહેલાં પણ 6 સપ્ટેમ્બરે સુનાવણી ટાળવામાં આવી હતી.
નોંધનીય છે કે, દેશના ઘણાં વિસ્તારોમાં દરોડા પાંડીને પોલીસે 5 ડાબેરી વિચારકો- સુધા ભારદ્વાજ, વરવરા રાવ, ગૌતમ નવલખા, અરુણ ફેરેરા અને વરનોન ગોન્સાલ્વિસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે તેમને હાઉસ અરેસ્ટ રાખવાનો આદેશ આપ્યો હતો.
પોલીસ પર થયાં હતાં પ્રહાર
સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર પોલીસ ઉપર પણ પ્રહાર કર્યા હતા. ગઈ સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કડક ભાષામાં ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, પુણે પોલીસે કેવી રીતે કહી દીધું કે, સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ ન દેવી જોઈએ. હકીકતમાં પુણે પોલીના આસિસ્ટન્ટ કમિશ્નર શિવાજી પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ ન દેવી જોઈએ.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવીટમાં દાવો કર્યો હતો કે, પાંચ ડાબેરી કાર્યકર્તાઓના વિરોધના કારણ નહીં પરંતુ પ્રતિબંધિત માઓવાદી સાથે તેમના સંપર્ક હોવાના ખાસ પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.