- માયાવતીએ કહ્યું મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે ગૌહત્યાની શંકામાં મુસ્લિમો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવ્યો
- બુધવારે શરદ પવારના ઘરે 6 વિપક્ષી દળની બેઠક થઈ હતી, તેમાં રાહુલ-કેજરીવાલ પણ સામેલ હતા
- કેજરીવાલે કહ્યું- અમને દેશને બચાવવાની ચિંતા હતી, તેથી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માગતા હતા
નવી દિલ્હી: મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધનની સંભાવનાઓને નકારી દીધી છે. એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે વિપક્ષી નેતાઓની મુલાકાતના એક દિવસ પછી કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસે આપની સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. બીજી બાજુ બસપા સુપ્રીમો માયાવતીએ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારની સરખામણી ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સાથે કરી છે. તેમણે કહ્યું છે કે, બંનેમાં કોઈ ફેર નથી.
ભાજપને મળશે ફાયદો- કેજરીવાલ
1.કોંગ્રેસ સાથે ગઠબંધનના સવાલ પર કેજરીવાલે કહ્યું કે, અમારા મનમાં દેશને બચાવવાની ચિંતા હતી. તેથી જ અમે ગઠબંધન કરવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસે ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ અને આપ એક સાથે ચૂંટણી નહીં લડે તો તેનો ફાયદો ભાજપને મળશે.
માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ સામે કર્યા પ્રહાર
2.માયાવતીએ ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે પણ પહેલાની ભાજપ સરકારની જેમ ગૌહત્યાની શંકામાં મુસ્લિમો પર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદા) અંર્તગત કાર્યવાહી કરી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 14 વિદ્યાર્થીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. બંને સરકારી આતંક છે. તેમની નિંદા થવી જોઈએ. લોકો જ નિર્ણય કરે કે બંને સરકારમાં શું અંતર છે?
ભાજપ અને કોંગ્રેસમાં કોઈ સરખામણી નહીં
3.માયાવતીના નિવેદન વિશે મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી પીસી શર્માએ કહ્યું, અમે જે પણ કાર્યવાહી કરી તેનો વાયદો અમે ઘોષણા પત્રમાં કર્યો હતો. જો તેમને આમા કઈ પણ અનૈતિક લાગે છે તો તેઓ અમને કહી શકે છે. અમે તે વિશે નિર્ણય કરીશું. પરંતુ ભાજપ અને કોંગ્રેસમાં કોઈ સરખામણી નથી.
શરદ પવારને મળ્યા હતા 6 દળના નેતા
4.આ પહેલાં બુધવારે મોડી રાતે શરદ પવારના દિલ્હી આવેલા ઘરે વિપક્ષી દળની બેઠક થઈ હતી. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલા સામેલ થયા હતા.
5.બેઠક પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, ખૂબ સારા વાતાવરણમાં આ બેઠક થઈ છે. અમે આ વાતથી સહમત છીએ કે અમારું મુખ્ય લક્ષ્ય એક જ છે કે, મોદી સરકાર દ્વારા સંસ્થાઓ પર થઈ રહેલા હુમલાનો ખતમ કરવાના છે. અમે કોમન મિનિમમ પ્રોગ્રામ વિશે વાત કરવાની શરૂ કરી દીધી છે. આપણે સાથે મળીને ભાજપને હરાવવાનું કામ કરીશું. જોકે દિલ્હી અને બંગાળમાં અમે કેવી રીતે ચૂંટણી લડીશું તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.