પ્રયાગરાજ: પ્રયાગરાજમાં શરૂ થયેલા કુંભ મેળામાં રાજકારણીઓની મુલાકાતનો સિલસિલો નિરંતર ચાલુ છે. જે અંતર્ગત બુધવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કુંભમેળા પહોંચ્યા છે. અહીંયા પહોંચીને અમિત શાહે સંગમમાં ગંગાસ્નાન કર્યુ. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ ભાજપના અન્ય નેતાઓ, મંત્રીઓ હાજર રહ્યાં હતા.
યુપીમાં રાજકારણીનો કુંભ મેળો
1.ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એવા સમયમાં પહોંચ્યા છે જ્યારે રાજ્યની રાજધાની લખનઉમાં કોંગ્રસની મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે ડેરો જમાવીને બેઠાં છે. પ્રિયંકા પક્ષના અનેક કાર્યકર્તાઓ તેમજ રાજકારણીઓની સાથે બેઠક કરી રહ્યાં છે. બીજી તરફ સાધુ સમાજ રામમંદિરના નિર્માણ માટે કાયદો બનાવવા મોદી સરકાર પર ઉગ્રતાથી દબાણ લાવી રહ્યો છે. યુપીના ગરમ રાજનૈતિક માહોલમાં અમિત શાહની મુલાકાતને ઘણી મહત્વપુર્ણ માનવામાં આવે છે.
અમિત શાહનો વ્યસ્ત કાર્યક્રમ
2.અમિત શાહ સરસ્વતી કૂપના દર્શન કરીને બાદમાં હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરશે. બાદમાં અમિત શાહ અવધેશાનંદની શિબિરમાં જશે જ્યાં સાધુ સંતોની સાથે મુલાકાત અને ભોજન કરશે. બપોરે પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીને મળશે, બાદમાં જૂના,નિરંજની, નિર્મોહી અને બડા ઉદાસીન અખાડાની મુલાકાતે પણ જશે. સાંજે અમિત શાહ મૌજગિરી આશ્રમમાં 151 ફૂટ ઉંચા ત્રિશૂલનું લોકાપર્ણ કરશે.