ઝારખંડ/ ગેંગરેપ પીડિતા હેન્ડપમ્પથી પાણી ભરે તો તેને ધોઈને લોકો ઉપયોગ કરે છે

divyabhaskar.com

Dec 08, 2018, 02:38 PM IST
Bhaskar team spoke of 62 molested victim in the state, 66% social boycott

અહીં વાત ગેંગરેપ પીડિતા 'પરી'ની જેને સમાજે આજીવન કારાવાસ આપી દીધો

રાંચી: આજે સમગ્ર દુનિયામાં 'મી ટૂ' કેમ્પેઈન દરમિયાન મહિલાઓ તેમની સાથે થયેલા શોષણને જાહેર કરીને સાહસિક પગલું લઈ રહી છે. ત્યારે આ સંજોગોમાં ભાસ્કર ટીમે તે યુવતીઓ અને સગીરાઓની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો જેમણે દુષ્કર્મ પછી આરોપીઓને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે. આ દરમિયાન ઘણી વરવી હકીકત પણ સામે આવે છે. ભાસ્કર ટીમે ઝારખંડમાં 62 દુષ્કર્મ પીડિતાઓ સાથે વાત કરી હતી અને તેમાંથી 66 ટકા પીડિતાનો સમાજે બહિષ્કાર કર્યો હોવાની વાત સામે આવી છે. અહીં એક છોકરીની હાલત તો એવી છે કે, જો તે છોકરી ગામમાં હેન્ડપમ્પ પર પાણી ભરવા જાય તો લોકો તે હેન્ડપમ્પ પણ ધોઈને વાપરે છે.

અહીં 16 વર્ષની પરી (કાલ્પનિક નામ) છેલ્લાં અઢી વર્ષથી ઘરમાં કેદ છે અને ખૂબ જ ઓછુ બોલે છે. તેની સ્કૂલ છૂટી ગઈ છે. કારણ કે ટીચર્સ તેને બાકીના બાળકો સાથે બેસાડવા માટે તૈયાર નથી. ઘરથી અમુક અંતરે આવેલા હેન્ડપમ્પ પરથી પણ લોકો તેને પાણી નથી ભરવા દેતા. જો પરી તે હેન્ડપમ્પ પરથી પાણી ભરે તો ગામના લોકો પહેલાં તે હેન્ડપમ્પ ધોવે છે અને પછી તેને વાપરે છે. આમ ગામમાં તેની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવે છે. આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણકે ગામના પાંચ યુવકોએ પરી સાથે દુષ્કર્મ કર્યું હતું.

બધા આરોપીઓ જુવેનાઈલ હતા, તેથી દોઢ મહિનામાં તો જેલની બહાર આવી ગયા


કાયદા પ્રમાણે સજા દુષ્કર્મીઓને મળવી જોઈએ પરંતુ અહીં સમાજની નજરમાં પરી દોષિત છે. દુષ્કર્મ પછી પરીએ એક દીકરીને જન્મ પણ આપ્યો છે. પરંતુ આગંણવાડીની સેવિકાઓએ પોલિયો સહિત જન્મ પછીની જરૂરી રસી પણ તે બાળકીને આપી નથી. તેમણે બાળકીના પિતાનું નામ ન હોવાથી તેને રસી ન આપી હોવાનું કારણ જણાવ્યું છે. પરી સાથે દુષ્કર્મ કરનાર દરેક આરોપીઓ જુવેનાઈલ હોવાના કારણે તેઓ તો માત્ર દોઢ મહિનામાં જ જેલમાંથી છૂટી ગયા છે પરંતુ પરીને જાણે આ જીવન કારાવાસની સજા મળી ગઈ છે. 2015માં પાંચ છોકરાઓએ પરીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પરી માત્ર 13 વર્ષની જ હતી અને ગામમાં આવેલી એક સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી હતી. આરોપીઓમાંથી ચાર છોકરાઓતો તેની સાથે જ ભણતા હતા. આરોપીઓના પરિવારજનો પણ પરીનો બહિષ્કાર કરી રહ્યા છે.

જીવલેણ હુમલો કર્યો, ધમકીઓ આપે છે


જુવેનાઈલ હોવાના કારણે પાંચેય આરોપીઓ દોઢ મહિનામાં જ જેલમાંથી છૂટી ગયા હતા. જેલથી છૂટ્યા પછી આરોપીઓએ એક વાર પરી પર જીવલેણ હુમલો કર્યો હતો અને હવે તેના પરિવારજનો પણ પરી અને તેના પરિવારને સતત ધમકી આપ્યા કરે છે.

2 વર્ષની દીકરી, ગામના લોકો પાંચાલી કહે છે


દુષ્કર્મના કારણે પરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. અત્યારે તેની બે વર્ષની દીકરી છે. ગામના ઘણાં લોકો આ બાળકીને પાંચાલી કહીને બોલાવે છે કારણ કે પાંચ લોકોના દુષ્કર્મ પછી આ બાળકીનો જનમ થયો છે.

5 વર્ષથી મોટી બહેનના સાસરે રહે છે


પરી સાત બહેનોમાં સૌથી નાની છે. માતા-પિતા નથી. તે 5 વર્ષથી મોટી બહેનના સાસરે રહે છે. દુષ્કર્મની ઘટના પછી ડરના કારણે પરીએ ઘરમાં કોઈને કઈ વાત નહતી કરી પરંતુ ઘરના લોકોને સમગ્ર વાતની ત્યારે જાણ થઈ જ્યારે પરી 6 મહિનાની પ્રેગ્નેન્ટ હતી.

દોઢ વર્ષ પહેલાં થયો હતો આદેશ, હજી પણ નથી મળ્યું વળતર


10 જાન્યુઆરી 2017ના રોજ પરીને વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ તેને અત્યાર સુધી કોઈ રકમ મળી નથી. થોડા દિવસ પહેલાં ફરી એક વખત આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેને વળતર મળી જશે.

X
Bhaskar team spoke of 62 molested victim in the state, 66% social boycott
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી