'બ્રિટાનિયા'ના 100 વર્ષઃ 295 રૂપિયાથી શરૂ થયેલી કંપની 2700 કરોડ રૂપિયાએ પહોંચી, વિશ્વ યુદ્ધમાં અંગ્રેજ સૈનિકોને ખવડાવ્યા હતા ખાસ બિસ્કીટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ ભારતની દિગ્ગજ બિસ્કીટ ઉત્પાદક બ્રિટાનિયાને બિસ્કીટનું ઉત્પાદન કરતા 6 ઓગસ્ટના રોજ 100 વર્ષ પૂરા થયા છે. આ 100 વર્ષમાં કંપનીએ દેશની આઝાદી અને ઘણા બધા ઉતાર-ચડાવ પણ જોયા છે. બ્રિટાનિયા કંપનીના ઉત્પાદનનો ઉપયોગ લગભગ ભારતના દરેક ઘરમાં થાય છે, પરંતુ તમને એ વાત કદાચ જ ખબર હશે કે આ કંપનીની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધમાં જંગ લડનાર સૈનિકો માટે કરવામાં આવી હતી. ફોર્ચ્યુન ઈન્ડિયા 2017ના આંકડા અનુસાર આજે આ કંપનીની નેટવર્થ 2700 કરોડ રૂપિયાની આસપાસ છે.

 

ઉત્પાદનનો 95 ટકા ભાગ સૈન્યને મોકલાતો


બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારત પર રાજ કરતી બ્રિટીશ સરકારને ખાસકરીને સૈનિકો માટે બિસ્કીટની જરૂર પડી હતી. આ પડકાર સાથે બ્રિટાનિયા બિસ્કીટ કંપનીનો જન્મ થયો હતો. આ જરૂરિયાત અનેક વર્ષ સુધી સતત ચાલતી રહી. ઘણીવાર તો કંપનીના ઉત્પાદનનો કુલ 95 ટકા ભાગ સશસ્ત્ર સૈન્યને મોકલી દેવામાં આવતો હતો.

 

કુપોષણ સામે લડવા પણ બનાવ્યા બિસ્કીટ


એ સમયે નાના પાયે બિસ્કીટ બનાવતી કંપની બાદમાં વર્ષ 1979માં બ્રિટાનિયા ઇંડસ્ટ્રીઝ બની ગઈ. બાદમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમમાં પણ સહયોગી બની. બ્રિટાનિયા કંપનીના બિસ્કીટ સંયુક્ત રાષ્ટ્રએ આખી દુનિયામાં મોકલ્યા, ખાસ કરીને કટોકટી દરમિયાન. ઘણીવાર આ બિસ્કીટને સંયુક્ત રાષ્ટ્રની માંગણી પર કુપોષણ સામે લડવા માટે પણ બનાવવામાં આવ્યા.

 

ગૃહઉદ્યોગ તરીકે થઈ હતી શરૂઆત


બ્રિટાનિયા કંપનીની શરૂઆત વર્ષ 1892માં કલકત્તા(હાલ કોલકાતા)માં ગૃહઉદ્યોગ તરીકે થઈ હતી. આ દરમિયાન તે ઘરેથી સંચાલિત થતી હતી. આ કંપનીને શરૂ કરવા માટે 295 રૂપિયાનું રોકાણ કર્યું હતું. પાંચ વર્ષ બાદ તેને બે ગુપ્તા ભાઈઓએ ખરીદી લીધી. ગુપ્તા બંધુઓએ આ કંપનીને ટોચે લઈ જવાનો નિર્ણય લીધો.

 

આ એશિયામાં આવું કરનારી એક માત્ર કંપની


ત્યાં આ કંપનીને વી.એસ. બ્રધર્સના નામે સંચાલિક કરવામાં આવતી હતી. બાદમાં વર્ષ 1918માં કંપનીનું નામ બદલીને બ્રિટાનિયા બિસ્કીટ કંપની પડી ગયું. જ્યારે આ કંપનીમાં ભાગીદાર તરીકે અંગ્રેજ બિઝનેસમેન સીએચ હોમ્સ પણ ગુપ્તા બંધુઓ સાથે ભાગીદાર થઈ ગયા હતા. આ રીતે આ કંપની ભારતની પહેલી મશીનથી બિસ્કીટ બનાવતી કંપની બની ગઈ. કંપનીએ 1921માં ગેસ ઓવનની આયાત કરી અને આખા એશિયામાં આવું કરનારી આ પહેલી કંપની બની ગઈ.

 

આજે વાડિયા પરિવાર પાસે કંપનીની માલિકી


વર્ષ 1924માં પીક, ફ્રેયન એન્ડ કંપની પણ ભાગીદાર બની ગઈ. ફ્રેયન એન્ડ કંપની બ્રિટનની મુખ્ય બિસ્કીટ નિર્માતા કંપની હતી. બાદમાં વર્ષ 1978માં કંપનીએ તેના શેર પબ્લિક માટે ખોલ્યા. કંપનીના આ પગલાએ તેને સંપૂર્ણ રીતે ભારતીય બનાવી દીધી. આ કંપનીમાં ભારતીય નાગરિકના શેરનો ભાગ 60 ટકાથી પણ વધારે છે. વર્તમાનમાં આ કંપનીની માલિકી મુંબઈના મોટા બિઝનેસમેન વાડિયા પરિવાર પાસે છે.

 

આ પણ વાંચો - 3300 ફૂટ લાંબો વાંસનો પુલ જોડે છે બે દ્વીપને, સાયકલથી લઈને ટ્રક થાય છે પસાર, પરંતુ દર વર્ષે વરસાદ પહેલા તોડી નાખવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...