ચૂંટણી / 1975માં બનેલી 'કિસ્સા કુર્સી કા' ફિલ્મથી હચમચી ગઈ હતી ઈન્દિરા સરકાર, ફિલ્મની પ્રિન્ટ સળગાવવાના આરોપમાં સંજય ગાંધીએ જવું પડ્યું હતું જેલ

તિહાર જેલ જતા સંજય ગાંધી
તિહાર જેલ જતા સંજય ગાંધી

divyabhaskar.com

Apr 08, 2019, 01:24 PM IST

નેશનલ ડેસ્ક: રાજસ્થાન જોધપુરના અમૃત નાહટા ત્રણ વખત સાંસદ રહ્યા હતા, બે વાર કોંગ્રેસથી અને એક વાર જનતા પાર્ટીથી. તેઓ પોતાની ફિલ્મ 'કિસ્સા કુર્સી કા'ના કારણે ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ માનવામાં આવે છે. ઈન્દિરા ગાંધી સરકારને હચમચાવવાથી લઈને ઈમર્જન્સી પછી થયેલી ચૂંટણીમાં આ ફિલ્મ મોટો મુદ્દો બની હતી. આ ફિલ્મના લીધે સંજય ગાંધીને જેલમાં પણ જવું પડ્યું હતું. ત્યારે આજે રાહુલ ગાંધી પર બનેલી 'માઈ નેમ ઇઝ રાગા' અને મોદી પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' પર ચર્ચા થઈ રહી છે.

જોધપુરના અમૃત નાહટા દિગ્ગજ નેતા ભૈરોસિંહ શેખાવાતને પણ હરાવી ચૂક્યા હતા
જોધપુરના અમૃત નાહટા 1962માં કોંગ્રેસમાં જોડાયા. તેઓ પહેલી લોકસભા ચૂંટણી 1967માં બાડમેરથી લડ્યા અને સાંસદ બન્યા. 1971માં આ સીટ પર ફરીવાર તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા માટે પસંદ કરાયા. આ ચૂંટણીમાં તેમણે રાજસ્થાનના દિગ્ગજ નેતા ભૈરોસિંહ શેખાવતને હરાવ્યા. વિદ્યાર્થી જીવનથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા નાહટાએ એક વાર લખ્યું હતું, 'ઈન્દિરા ગાંધી તરીકે દેશને એવા પીએમ મળ્યા છે, જેમને પ્રામાણિકતામાં વિશ્વાસ નથી. તેમના માટે પરિણામ જ બધુ છે, જેને પામવા તેઓ કોઈ પણ સાધનનો સહારો લઈ શકે છે.' તેમને રાજકારણમાં એકાધિકાર(સરમુખત્યારી) વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

સેન્સર બોર્ડે ફિલ્મ પર 51 વાંધા ઉઠાવ્યા, નાહટાની દલીલ ટાળી
અમૃત નાહટા ફિલ્મ નિર્માણ અને વિતરણના બિઝનેસ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે ફિલ્મ 'કિસ્સા કુર્સી કા' બનાવી હતી. તેમાં તેમણે દેશની તે વખતના એકાધિકારવાદ રાજકારણ પર પ્રહારો કર્યા હતા. એપ્રિલ 1975માં નાહટાએ ફિલ્મ સેન્સર બોર્ડની સામે રાખી. ત્યારબાદ જૂનમાં ઈમર્જન્સી લાગૂ કરવામાં આવી. જુલાઈમાં સેન્સર બોર્ડે 51 વાંધા ઉઠવતા જવાબ માંગ્યો. નાહટાએ 11 જુલાઈના રોજ જવાબ આપતા દલીલ કરી કે ફિલ્મ કલ્પના માત્ર છે. તેમાં કોઈ પણ રાજકીય વ્યક્તિ કે પાર્ટીનો સીધો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ નાહટાની આ દલીલને ટાળી દેવામાં આવી. ફિલ્મની પ્રિન્ટ જપ્ત કરી લેવામાં આવી. માહિતી પ્રસારણ મંત્રી વિદ્યા ચરણ શુક્લાની અધ્યક્ષતા હેઠળ સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી.

જનતા રાજમાં સંજય ગાંધી ફિલ્મની પ્રિન્ટ સળગાવવાની દોષિત ઠેરવાયા હતા
1977માં જનતા પાર્ટીની સરકાર આવી તે પહેલા ફિલ્મનું શું થયું, એ કોઈને ખબર ન હતી. નાહટા ઇમરજન્સી પછી 1977ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને જનતા પાર્ટીમાં આવી ગયા. તેઓ પાલીથી લોકસભા માટે પસંદ કરાયા. જનતા રાજમાં સંજય ગાંધી અને વીસી શુક્લા પર આરોપ લાગ્યો કે, તેમણે ફિલ્મની પ્રિન્ટ મુંબઈથી મંગાવીને ગુડગાંવ સ્થિત મારૂતિ કારખાનામાં સળગાવાઈ દીધી છે. સંજય ગાંધીને ફિલ્મની પ્રિન્ટનો નાશ કરવાના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા. કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચાલ્યો. સંજય પર સાક્ષીઓ પર દબાણ કરવાનો પણ આરોપ લાગ્યો. જેના પર સુપ્રીમ કોર્ટે તેમના જામીન રદ્દ કરતા એક મહિના માટે તિહાર જેલ મોકલી દેવાયા. વર્ષ 2001માં અમૃત નાહટાનું નિધન થઈ ગયું.

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ...

X
તિહાર જેલ જતા સંજય ગાંધીતિહાર જેલ જતા સંજય ગાંધી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી