રાષ્ટ્રપતિ ચૂંટણી: 95માંથી 93 ઉમેદવારોના નામાંકન રદ, ફક્ત મીરા અને કોવિંદ જ મેદાનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી, નવી દિલ્હી:  રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાખલ 95 નામાંકનમાંથી 93 ઉમેદવારોના નામાંકન રદ કરી દેવાયા છે. ગુરુવારે આ નામાંકનોની તપાસ કરવામાં આવી. એવામાં હવે ફક્ત બે મુખ્ય ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. તેમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષી દળના ઉમેદવાર મીરા કુમારનો સમાવેશ થાય છે. બાકી લોકોના નામાંકન એટલા માટે રદ કરી દેવાયા કેમ કે તેમને ન તો કોઈએ ટેકો આપ્યો ન તો કોઈએ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નિયમ મુજબ રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના ઉમેદવારના નામાંકન ફોર્મ પર પ્રસ્તાવ આપનારા તરીકે ઈલેક્ટોરલ કોલેજ(જેમાં લોકસભા, રાજ્યસભા સાંસદ અને દરેક ધારાસભ્ય સામેલ હોય છે) ના 50 સભ્યોના હસ્તાક્ષર ફરજિયાત હોય છે.
 
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 5 ઓગસ્ટે
 
રાષ્ટ્રપતિની ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાઈ છે. આ ચૂંટણી 5 ઓગસ્ટે યોજાશે. ચૂંટણીપંચે ગુરુવારે જાહેરાત કરતા તેના કમિશનર નસીમ ઝૈદીએ કહ્યું કે ચૂંટણી માટે 4 જુલાઈએ નોટિફિકેશન જારી કરાશે અને નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 18 જુલાઈ હશે. 19 જુલાઈએ સ્ક્રૂટની થશે અને નામ પરત લેવાની અંતિમ તારીખ 21 જુલાઈ હશે. તેમણે જણાવ્યું કે જરૂર પડતાં 5 ઓગસ્ટે મતદાન થશે અને આ દિવસે જ મતગણતરી પણ કરાશે. મતદાન માટે સભ્યોને ખાસ પેન અપાશે. કોઈ અન્ય પેનથી નિશાન લગાવતા વોટ રદ કરી દેવાશે. આ ચૂંટણી લડવા 20 સાંસદોનો ટેકો અને એટલા જ સાંસદોનો પ્રસ્તાવ હોવો પણ જરૂરી છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ ડો. હામિદ અન્સારીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
 
કદાચ રાષ્ટ્રપતિ તરીકે કોલકાતાની આ અંતિમ યાત્રા : પ્રણવ

એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુવારે કહ્યું કે આ યાત્રા ખાસ છે કેમ કે કદાચ આ રાષ્ટ્રપતિ તરીકે તેમની કોલકાતાની અંતિમ યાત્રા હશે. તે કોલકાતામાં અર્થશાસ્ત્રી પી .સી. મહાલનોબિસની 125મી જયંતીના અવસરે આયોજિત સમારોહમાં શિક્ષકો, રિસર્ચરો અને વિદ્યાર્થીઓને સંબંધી રહ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...