૧૦ રૂપિયાના રિચાર્જ પર નવ કલાક વીજળી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમેરિકાથી પરત ફરેલા બે યુવા ઈજનેરોની કમાલ એટલી સસ્તી વીજળી! તે પણ એટલી સરળતાથી. અંધારા માટે ટેવાઇ ગયેલા ગામવાળાઓએ કદી તેની કલ્પના પણ કરી ન હતી. ખરેડા પંચાયતની ઝાડલા ઢાણીના લોકો હવે મોબાઇલ રિચાર્જની જેમ પ્રી-પેઇડ કાર્ડ દ્વારા વીજળી મેળવી રહ્યા છે. જયપુરના યશરાજ ખેતાન અને તેમના અમેરિકી સાથીદાર જેકબ ડિકેંસને ગામને વીજળીની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવી દીધું છે. આ બન્ને યુવકોએ અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીથી ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ તેમના પ્રયોગને ગત નવેમ્બરમાં ટોપ ટેન કલીન ટેક ઇનોવેશન્સમાં પસંદ કર્યા હતા. યશરાજ જયપુર આવ્યા તો આ અંધકારમય ગામમાં મોતી મીણાના ઘરેથી આ પહેલની શરૂઆત કરી હતી. ત્યાં જ સોલર પેનલ અને બેટરીઓ લગાવી હતી. ૧૪ ઘરોમાં કનેકશન આપ્યાં હતાં. કનેકશન માટે વીજળી વિભાગ ત્રણ હજાર રૂપિયા લે છે. અહીં માત્ર ૧૮૦૦ રૂપિયા ખર્ચાયા. મોતીએ જણાવ્યું કે, તેમણે સર્વપ્રથમ ૨૦૦ રૂપિયાથી મીટર રિચાર્જ કરાવ્યું હતું. દોઢ મહિનામાં માત્ર ૭૫ રૂપિયા જ ખર્ચાયા છે. ઘરમાં ત્રણ લાઇટ, પંખો અને ત્રણ મોબાઇલ ચાર્જ માટે વીજળી બરાબર ઉપલબ્ધ થઇ. અન્ય ગામોમાં પણ તેની રાહ જોવાઇ રહી છે. ડુંગરપુરના નાદિયા ગામના નવા પ્લાન્ટથી આશરે ૩૦૦ ઘરોમાં વીજળી મળશે. - ગામમાં રિચાર્જ સેન્ટર બે કિલોવોટના સોલર પેનલથી જોડાયેલો આ પ્લાન્ટ ઇન્વર્ટરની જેમ કામ કરે છે. તેનાથી તૈયાર વીજળીની બેટરી દ્વારા ગામમાં સપ્લાય ચાલુ છે. ઘરોમાં સ્માર્ટ મીટર લાગેલાં છે. ગ્રાહકો મોબાઇલ રિચાર્જની જેમ પ્રી-પેઇડ કાર્ડ દ્વારા વીજળી લઇ રહ્યા છે. ગામમાં રિચાર્જ સેન્ટર છે. ૧૦ રૂપિયાના રિચાર્જ પર નવ કલાક સુધી વીજળી શક્ય છે. સ્માર્ટ મીટર વાયરલેસ ડિવાઇસથી જોડાયેલા હોવાથી વીજળીની ચોરી શક્ય નથી. પ્લાન્ટને સોલર પેનલ ઉપરાંત બાયોમાસ પ્લાન્ટ અને સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ગ્રીડની સાથે જોડી શકાય છે.