શ્રીગંગાનગર અગન ભઠ્ઠીમાં ફેરવાયું, તાપમાન ૪૮.૨ ડિગ્રી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિલ્હી ,પંજાબ ,હરિયાણામાં પણ ગરમીમાં રાહત નહીં

ગરમીના પ્રકોપને કારણે દેશના મોટા ભાગના વિસ્તારમાં રોજિંદો જીવનવ્યવહાર પ્રભાવિત થયો છે.રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં તાપમાનનો પારો ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસની સપાટીએ પહોંચી જતાં લોકો ગરમી અને લૂમાં શેકાયા હતા.ચુરુ ,બિકાનેર,કોટા અને જેસલમેર ખાતે પણ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી ઉપર જ રહ્યો હતો.સત્તાવાળાઓએ જણાવ્યા મુજબ કોટા જિલ્લામાં જ છેલ્લા એક સપ્તાહમાં ગરમીએ છ વ્યક્તિનો ભોગ લીધો હતો.

દિલ્હીમાં પણ ગરમીમાં રાહત નથી. રાજધાનીનું તાપમાન ૪૪.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે દિલ્હીમાં ગઇકાલે મોસમનું સૌથી ઊંચુ ૪૫.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.નાગપુરમાં છેલ્લા છ દાયકાની સૌથી વધુ ગરમી પડી રહી છે. ગઇકાલે નોંધાયેલા ૪૭.૯ ડિગ્રી તાપમાને છેલ્લા કેટલાય દાયકાના વિક્રમને તોડી નાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પણ કાળઝાળ ગરમી વરસી રહી છે. બાંદા અને બુંદેલખંડમાં ૪૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં ઊંચો રહ્યો હતો. પંજાબ અને હરિયાણામાં પણ એ જ સ્થિતિ છે. લુધિયાણામાં છેલ્લાં ત્રણ વર્ષનું સૌથી ઊંચુ એવું ૪૬.૩૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમૃતસર ખાતે પણ ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમૃતસર માટે આ દિવસ ત્રણ દાયકાનો સૌથી ગરમ દિવસ બની રહ્યો હતો.