• Gujarati News
  • 21 Injured Near Assam Nagaland Border As Protesters, Police Clash

આસામ-નાગાલેન્ડ સરહદ પાસે વિરોધકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ઘણા ઇજાગ્રસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટોઃ મંગળવારે થયેલી હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ, અશ્રુગેસનાં ગોળા ઉપરાંત ફાયરિંગનો સહારો લીધો હતો)

આસામ-નાગાલેન્ડ સરહદ પાસે પોલીસ ફાયરિંગમાં ત્રણનાં મોત, મોદીએ ગૃહમંત્રાલય પાસે માંગ્યો રિપોર્ટ

ગુવાહાટીઃ ગોલાઘાટમાં આસામ-નાગાલેન્ડની બે કિમી લાંબી સરહદ આજે યુદ્ધનું મેદાન બની ગઇ હતી. આસામનાં વિરોધકર્તાઓએ હાઇવેને જામ કરી દીધો હતો અને પોલીસને ટાર્ગેટ કરી હતી. લાઠીચાર્જ અને ટીયર ગેસથી જ્યારે કોઇ ફરક ન પડ્યો ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ત્રણ જણાનાં મોત થયા છે.
ગયા સપ્તાહે પણ આ ઘટનામાં 15 લોકો માર્યા ગયા છે. પીએમ મોદીએ આ અંગે ગૃહ મંત્રાલય પાસેથી અહેવાલ માગ્યો છે. આસામનાં મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇએ આ ઘટનામાં કેન્દ્ર સરકારને દોષિત ઠરાવતા કહ્યું છે કે મોદી સરકાર રાજ્યની મદદ કરવા યોગ્ય સમયે સક્રિય નથી થઇ.
આજે ભીડ ઉગ્ર બની જતાં પોલીસે કરેલા ફાયરિંગમાં બે જણાનાં કથિત રીતે ઘટના સ્થળે જ મોત થયા હતા તેમજ એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસની કાર્યવાહીનાં વિરોધમાં લોકોએ નેશનલ હાઇવે 37 પર ટાયર સળગાવી અને ઝાડ પાડીને રસ્તો બ્લોક કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ બે ટ્રક અને એક પોલીસ જીપને પણ આગ ચાંપી હોવાનું જણાવાય છે. ભીડે તરુણ ગોગોઇ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે વધારાનાં અર્ધલશ્કરી દળો તૈનાત કર્યા છે. આજનો ઘટનાક્રમ ગયા સપ્તાહે સરહદ પાસેનાં સાત ગામોમાં 15 જેટલા લોકોની હત્યાનાં મુદ્દે નાગાલેન્ડ વિરુદ્ધ થઇ રહેલા પ્રબળ વિરોધનો એક ભાગ છે. આ લોકો ઓલ આદીવાસી સ્ટુડન્ટ્સ એસોસિએશન ઓફ આસામ અને અન્ય જૂથોનાં સદસ્યો હતા.
વિરોધકર્તાઓ હાઇવેને જામ કરી દેવા આજે સવારે એકત્રિત થયા હતા. પણ જોતજોતામાં તો પરિસ્થિતિ કાબૂ બહારની થઇ ગઇ. જે ટ્રક ડ્રાઇવરોએ તેમનાં વાહન રોકવાનો ઇન્કાર કર્યો તેમનાં વાહનો પર પથ્થરમારો કરાયો હતો તેમજ ટાયરને આગ લગાડી દેવાઇ હતી. પોલીસે જ્યારે વચ્ચે પડીને તેમને રોકવાની કોશિશ કરી ત્યારે તેમણે પોલીસ પર પણ વળતો હુમલો કર્યો હતો. આસામનાં મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇ અને નાગાલેન્ડનાં મુખ્ય પ્રધાન ટીઆર ઝેલિંગ સરહદનાં મુદ્દે સમાધાન માટે આવતીકાલે ગુરુવારે બેઠક યોજશે.
મંગળવારે પણ થઇ હતી હિંસા
મંગળવારે પણ ગોલાઘાટમાં અસમનાં પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઝડપ થઇ હતી. પોલીસે પહેલા અશ્રુ ગેસનાં ગોળા છોડ્યા અને પછી ફાયરિંગ કર્યું. મંગળવારે એક શખ્સ ટ્રકની નીચે કચડાઇને મરી ગયો હતો, જ્યારે 21 જણા ઘાયલ થયા હતા.

વિરોધપ્રદર્શનની વધુ તસવીરો જુઓ- આગળની સ્લાઇડ્સમાં