જયલલિતાની પાર્ટીના બે જૂથ ફરી થશે એક, દિનાકરન-શશિકલા બહાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઇ: તમિલનાડુના રાજકારણમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. ભૂતપૂર્વ સીએમ જયલલિતાની પાર્ટી AIADMKના બે જૂથો ફરી એક થવા જઇ રહ્યા છે. એક જૂથ જયાની નજીક ગણાતી શશિકલાનું છે. સીએમ પલાનીસ્વામી આ જ જૂથના છે, જ્યારે બીજું જૂથ ઓ. પન્નીરસેલ્વમનું છે. ન્યુઝ એજન્સીએ AIADMKના સૂત્રોનો સંદર્ભ આપીને જણાવ્યું કે, પન્નીરસેલ્વમ જૂથના બે મંત્રીઓ સરકારમાં સામેલ થઇ શકે છે. જ્યારે શશિકલા અને જયાના ભત્રીજા દિનાકરનને પાર્ટીથી દૂર રાખવામાં આવશે. શશિકલા, હાલમાં આવક કરતા વધુ સંપત્તિ મામલે જેલમાં છે.
 
પલાનીસ્વામીનું દિનાકરન પર કડક વલણ
 
- જયલલિતાનું 5 ડિસેમ્બર, 2016ના રોજ બીમારીના કારણે નિધન થઇ ગયું હતું. તે પછી AIADMK બે જૂથોમાં વિભાજિત થઇ ગઇ હતી. શશિકલાએ ઓ. પન્નીરસેલ્વમને હટાવીને પલાનીસ્વામીને સીએમ બનાવ્યા હતા.
- શશિકલાના જેલ ગયા પછી પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી દિનાકરને પાર્ટીમાં ઘણી પોસ્ટ્સ પર નિયુક્તિઓ કરી. તેને લઇને સીએમ પલાનીસ્વામી નારાજ હતા. સીએમએ દિનાકરને કરેલી તમામ નિયુક્તિઓ રદ કરી છે. તે પછી બંને જૂથોના નેતાઓની વાતચીત શરૂ થઇ.
- ન્યુઝ એજન્સી પ્રમાણે, પલાનીસ્વામીએ ગુરુવારે પાર્ટીના 27 સભ્યોની મીટિંગ બોલાવી. તેમાં નિર્ણય કરવામાં આવ્યો કે દિનાકરન અને શશિકલાને પાર્ટીથી દૂર રાખવામાં આવે જેથી બંને જૂથ એક થઇ શકે.
 
પન્નીરસેલ્વમની શું કરી માંગ?
 
- પન્નીરસેલ્વમ જૂથની માંગ એ છે કે શશિકલા અને દિનાકરન સહિત જયાના પરિવારના કોઇપણ સભ્યને પાર્ટીમાં ન રાખવામાં આવે.
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પલાનીસ્વામી પણ પાર્ટી અને સરકારમાં શશિકલા અને દિનાકરનની દખલથી પરેશાન હતા. એટલે પન્નીરસેલ્વમની વાત માનવામાં તેમને કોઇ વાંધો ન હતો.
 
આગળ શું?
 
- આગામી અઠવાડિયે બંને જૂથ એક થઇ શકે છે. તે માટે AIADMK હેડક્વાર્ટરમાં એક ફંક્શન થશે. તેમાં પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમ બંને સામેલ થઇ શકે છે.
- સમાચારો એવા પણ છે કે પન્નીરસેલ્વમ ડેપ્યુટી સીએમ બની શકે છે અને તેમના સમર્થકોને કેબિનેટમાં જગ્યા આપવામાં આવી શકે છે.
- એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે AIADMK કેન્દ્રમાં બીજેપી સરકારને સમર્થન આપી શકે છે અને એનડીએનો હિસ્સો પણ બની શકે છે.
અન્ય સમાચારો પણ છે...