1993 બ્લાસ્ટમાં સંજય દત્ત સામેના કેસનો આવતીકાલે ચુકાદો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 1993મા મહાનગરી મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસનો ચૂકાદો ગુરુવારે તા. 21 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટ સંભળવાશે. આ ચૂકાદો બોલિવૂડના મુન્નાભાઈ એટલે કે સંજય દત્ત માટે મહત્ત્વનો સાબિત થશે. લગભગ બે દાયકા બાદ સુપ્રીમ કોર્ટ મહત્ત્વના કેસનો ચુકાદો જાહેર કરી રહી છે. બોમ્બે બ્લાસ્ટ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ થયેલી સજા સામે સંજય દત્તે કરેલી અરજીની સુનાવણી સુપ્રીમ દ્વારા હાથધરવામાં આવશે. સુપ્રીમના આ ચુકાદાના આધારે સંજય દત્તને જેલ થશે કે નહીં તેનો ફેંસલો થઈ જશે.

અગાઉ ટાડા કોર્ટે આ કેસમાં 100 લોકો દોષી ઠરતાં 12 લોકોને મૃત્યુદંડ તેમજ 20ને જનમટીપની સજા ફટકારી હતી. તેમજ અન્ય આરોપીઓને ત્રણથી 10 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મુંબઈ બ્લાસ્ટ કેસ વખતે સંજય દત્ત સામે ગેરકાયદે 9 એમ એમ બંદૂક અને એક-56 રાયફલ રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જે તે વખતે દત્તને 6 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જો કે 1993માં તેની ધરપકડ થયા બાદ સંજય દત્ત દોઢ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો.

ઓગસ્ટ 2007માં સંજય દત્તે સુપ્રીમમાં અરજીને પડકારતાં તેને નવેમ્બર 2007માં કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો. જસ્ટીસ પી સથાશિવમ અને બી એસ ચૌહાણની ખંડપીઠ સંજય દત્તની અરજી ઉપર ચુકાદો જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ દત્તની જામીનને ટાડા હેઠળ પડકારી ન હતી. મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ એક પછી એક 12 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં.

જેમાં 257 લોકોનાં મોત થયા અને 713 ઈજાગ્રસ્ત થયા હતાં. દેશમાં સૌપ્રથમ વખત બ્લાસ્ટમાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે સ્થળો ઉપર બ્લાસ્ટ થયો હતો તેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નરિમાન પોઈન્ટ અને વર્લી ખાતેનું એર ઈન્ડિયા બિલ્ડિંગ, હોટલ સી રોક તેમજ જૂહુ સેન્ટોરનો સમાવેશ થાય છે. આ કેસમાં દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમણ અને તેનો ભાઈ ઐયુબ મેમણને માસ્ટર માઈન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. ટાડા કોર્ટે 20ને આજીવન કેદ આપી છે તે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે બે જણાને જામીન મળી ગયા છે.